
ગાંધીનગર, તા. 26 મે 2019, રવિવાર
રાજ્યના પાટનગરમાં છેલ્લા ચાર -પાંચ દિવસથી ગરમીના પારામાં થઇ રહેલાં વધારાના પગલે નગરજનો હેરાન પરેશાન થઇ ગયા છે. તો બીજી તરફ ભેજના પ્રમામમાં અચાનક વધારો થતાં તેની અસર રવિવારે અનુભવવા મળી હતી. યલો એલર્ટ હેઠળ શહેરમાં મહત્તમ તાપમાન ૪૨.૫ ડિગ્રીએ પહોંચી ગયું હતું. તો દિવસ દરમિયાન ગરમ પવનો ફુંકાવાના કારણે માર્ગો પણ સુમસામ જોવા મળ્યા હતા. ત્યારે આગામી દિવસોમાં હજુ ગરમીના પારામાં વધારો નોંધાશે. તેવી આગાહી પણ હવામાન ખાતા દ્વારા કરવામાં આવી છે.
ગાંધીનગર શહેરમાં વૈશાખ માસના પ્રારંભથી જ તાપમાનના પારામાં વધારો થવાથી તેની અસર અનુભવવા મળી હતી. ત્યારબાદ બદલાયેલા હવામાનના કારણે રાજ્યના વિવિધ વિસ્તારોમાં માવઠું થવાથી ગરમીમાં આંશિક રાહત પ્રાપ્ત થઇ હતી અને મહત્તમ તાપમાનનો પારો ૪૦ ડિગ્રીની આસપાસ પહોંચી ગયો હતો. ત્યારે છેલ્લા ચાર-પાંચ દિવસથી પુનઃ ગરમી આક્રમક બની હોય તેમ મહત્તમ અને લઘુત્તમ તાપમાનના પારામાં વધારો થઇ રહ્યો છે. શનિવારે મહત્તમ તાપમાન ૪૨ ડિગ્રીએ પહોંચી ગયું હતું. તો લઘુત્તમ તાપમાન ૨૯ ડિગ્રીએ આવીને અટક્યું હતું.
આ ગરમીના પારામાં રવિવારે વધારો નોંધાતાં સવારનું તાપમાન ૨૯.૫ ડિગ્રીએ જ્યારે સાંજે ૪૨.૫ ડિગ્રીએ પહોંચ્યું હતું. સવારથી જ ગરમીના પારામાં વધારો થવાની સાથે સાથે ગરમ પવનો પણ ફુંકાતાં તેની અસર દિવસ દરમિયાન જોવા મળી હતી.
હવામાન ખાતા દ્વારા શહેરને યલો એલર્ટમાં મુકી દેવામાં આવ્યું છે. ત્યારે લૂના આક્રમણ વચ્ચે તાપમાનના પારામાં થઇ રહેલાં વધારાના કારણે નગરજનો પરસેવે રેબઝેબ થઇ ગયાં છે. તો ભેજના પ્રમાણમાં પણ સતત વધઘટ થવાના કારણે દિવસે ઉકળાટ ભર્યા વાતાવરણમાં શહેરીજનો અકળાઇ રહ્યાં છે. આગામી દિવસોમાં વધુ ગરમીના પારામાં વધારો નોંધાશે. તેવી આગાહી હવામાન ખાતા દ્વારા કરવામાં આવી છે.
from Gandhinagar News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2VU4xoK
No comments:
Post a Comment