
ગાંધીનગર,તા. 25 મે 2019, શનિવાર
સુરતમાં ગઈકાલે ટયુશન કલાસીસમાં લાગેલી આગમાં ર૦ જેટલા બાળકો મોતને ભેટયા હતા. જેના પગલે સમગ્ર રાજયમાં દુખની લાગણી પ્રસરી છે. ગાંધીનગર જિલ્લામાં પણ આ પ્રકારે ગેરકાયદે અને ફાયર સેફટીની કોઈ સુવિધા વગર ટયુશન કલાસીસ ધમધમી રહયા છે જેના અનુસંધાને આજે જિલ્લા કલેકટર એસ.કેે.લાંગાની અધ્યક્ષતામાં જિલ્લાના પદાધિકારીઓ અને અધિકારીઓની બેઠક મળી હતી.
આ બેઠક બાદ કલેકટર દ્વારા વિધિવત જાહેર નામું પ્રસિધ્ધ કરવામાં આવ્યું હતું અને જિલ્લામાં ક્યાય પણ ફાયર સેફટીના એનઓસી વગર ટયુસન કલાસીસ કે શાળાઓ નહીં ચલાવવા માટે આદેશ કરવામાં આવ્યો છે. ફાયર બ્રિગેડ પાસેથી એનઓસી મેળવ્યા બાદ જ કાયદેસર જગ્યામાં ટયુશન કલાસીસ શરૂ થઈ શકશે. આ બેઠકમાં ગાંધીનગરના મેયર રીટાબેન પટેલ પણ હાજર રહયા હતા અને તેમણે પણ ગાંધીનગર શહેર વિસ્તારમાં ગેરકાયદેસર રીતે ચાલતાં એકમો સામે કડક હાથે કામ લઈને તાત્કાલિક ધોરણે આવી પ્રવૃતિ બંધ કરાવવા તાકીદ કરી હતી.
આજે સવારે કોર્પોરેશન તંત્ર દ્વારા વિવિધ સેકટરોમાં તપાસ કરીને ટયુશન કલાસીસ બંધ કરાવવામાં આવ્યા હતા. ત્યારે આગામી દિવસોમાં પણ આ તપાસ ઝુંબેશ ચાલુ રાખવામાં આવનાર છે.એટલું જ નહીં રહેણાંક વિસ્તારમાં ચાલતા ટયુશન કલાસીસ બંધ કરવા પણ તાકીદ કરવામાં આવી છે અને ધમધમતી ગેરકાયદેસર હોસ્ટેલો સામે પણ તવાઈ શરૂ કરવામાં આવનાર છે.
આજે તો શહેર અને જિલ્લામાં તમામ ટયુશન કલાસીસ બંધ રહયા હતા અને એક મહિના સુધી એનઓસી ના મેળવાય ત્યાં સુધી તેને બંધ રાખવાનો આદેશ કરવામાં આવ્યો છે જેના પગલે સંચાલક પણ ચિંતામાં મુકાયા છે. જો કે આ વખતે તંત્ર કડક હાથે કામ લઈ રહયું છે અને જતું કરવાના મુડમાં નથી ત્યારે ખાનગી ટયુશનના સંચાલકોએ હવે તંત્રના તમામ નિયમોનું પાલન કર્યા વગર છુટકો નથી.
from Gandhinagar News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2MjSO30
No comments:
Post a Comment