મહેસાણા, ડીસા,તા.26 મે 2019, રવિવાર
ઉત્તર ગુજરાતમાં ફરીથી ગરમી કહેર વર્તાવી રહી છે. જ્યારે હાલમાં વાતાવરણમાં ગરમીનું પ્રમાણ દિન-પ્રતિદિન વધતું જોવા મળી રહ્યું છે. તેની સીધી અસર લોકોના જનજીવન પર પણ જોવા મળી રહી છે. વળી, અગાઉ પંથકમાં થયેલા માવઠા બાદ વાતાવરણમાં બફારાનું પ્રમાણ વધતાં લોકો પરસેવે રેબઝેબ થઈ તોબા પોકારી ઉઠયા છે.
ઉત્તર ગુજરાતમાં ગરમીનું પ્રમાણ યથાવત રહેવા પામ્યું છે. જ્યારે મોટાભાગના વિસ્તારોમાં ગરમીનો પારો ૪૦ ડીગ્રી આસપાસ રહેવા પામ્યો છે. હવામાન વિભાગ માટે કામ કરતી એક્યુ વેધરના જણાવ્યાનુસાર ડીસા ૪૨, પાલનપુર ૪૦, વાવ ૪૨, થરાદ ૪૨, ભાભર ૪૦, અમીરગઢ ૪૦, અંબાજી ૩૯, આબુરોડ ૪૦, ઈડર ૪૧, મહેસાણા ૪૧, ઊંઝા ૪૧, સિદ્ધપુર ૪૧, પાટણ ૪૧, મોડાસા ૪૧, હિંમતનગર ૪૧, ખેડબ્રહ્મા ૪૧ ડીગ્રી તાપમાન નોંધાવા પામ્યું હતું. હજુ આગામી ચાર દિવસ સુધી ઉત્તર ગુજરાતમાં પારો ઉંચકાય તેવી સંભાવના છે. ગરમીનો પારો ૪૨ ડીગ્રીને આંબે તેવું જણાય છે.
ઉત્તર ગુજરાત સહિત જિલ્લાભરમાં કાળઝાળ ગરમીનો કહેર ફરી એકવાર રહ્યો છે. જ્યારે છેલ્લા બે-ત્રણ દિવસથી મોટાભાગના વિસ્તારોમાં મહત્તમ તાપમાન વધી રહ્યું છે. જ્યારે બપોરના સમયે ગરમીમાં લોકો ત્રાહિમામ્ પોકારી ગયા છે. જેનાથી બપોરના સમયે શહેરના મુખ્ય માર્ગો સહિત ગ્રામ્ય વિસ્તારના માર્ગો પર કુદરતી કરફ્યુનો માહોલ જોવા મળી રહ્યો છે. સરહદી પંથકમાં ઉનાળાની કાળઝાળ ગરમી પડતાં વહેલી સવારથી જ સૂર્યનારાયણ બરાબર અગ્નિ વરસાવવાનું શરૃ કરતા બપોરના સમયે તો અંગ દઝાડતી ગરમી પડી રહી છે. જેને લઈ બપોરના સમયે બફારા ઉકળાટ સાથે લુણી અસરથી જનજીવન પ્રભાવિત થયું છે. નવ કિ.મી.ની પ્રતિ કલાકની ઝડપથી ફુંકાઈ રહેલા પવન પણ લ્હાય વરસાવી રહ્યા છે. જેને લઈ સમગ્ર જિલ્લાવાસીઓ ત્રાહિમામ્ પોકારી ઉઠયા છે. મે મહિનાના અંતિમ દિવસોમાં પડી રહેલી ગરમીમાં આગામી સમયમાં કોઈ રાહત મળવાના હવામાન વિભાગના સંકેતો મળી રહ્યા નથી.
મહેસાણા શહેર સહિત જિલ્લાભરમાં ફરીથી ગરમીનો પ્રકોપ વધતાં બપોરના સુમારે વાહનવ્યવહારથી ધમધમતા માર્ગો તેમજ બજારો સુમસામ ભાસી રહ્યા છે. કાળઝાળ ગરમીથી બચવા લોકો ઘરની બહાર નીકળવાનું ટાળી રહ્યા છે. સરકારી કચેરીઓ અને સહકારી ઓફીસોમાં પણ અરજદારોની પાંખી હાજરી જોવા મળે છે.
from North gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2VNf8BK
No comments:
Post a Comment