વડોદરા,તા.25 મે,2019,શનિવાર
વડોદરામાં મોટી દુર્ઘટના સર્જાય તો ફાયર બ્રિગેડનું તંત્ર તેને પહોંચી વળવા માટે જોઇએ તેટલું સક્ષમ નહીં હોવાનું સ્પષ્ટ રીતે દેખાઇ રહ્યું છે.
વડોદરા ફાયર બ્રિગેડમાં એક તરફ જૂના કર્મચારીઓ નિવૃત થઇ રહ્યા છે.તો બીજી તરફ ૪૦ ટકા જેટલો સ્ટાફ અપૂરતો છે અને કોન્ટ્રાક્ટના ડ્રાઇવરો પર આધાર રાખવો પડે છે.
નોંધનીય બાબત એ છે કે,ફાયર બ્રિગેડના ચીફ ફાયર ઓફિસરની જગ્યા બે વર્ષથી ખાલી હતી અને તેનો ચાર્જ ડે.ચીફ ફાયર દિપક ગુંજાલને આપવામાં આવ્યો હતો.પરંતુ તેઓ પણ નિવૃત થતાં ૧૧ મહિનાના કોન્ટ્રાક્ટ પર લેવાયા છે. ચીફ ફાયર અને ડે.ચીફ ફાયરના મહત્વના બંને હોદ્દા ચાર્જમાં છે.
વળી,ફાયર બ્રિગેડના કેટલાક ફાયર એન્જિન,એમ્બ્યુલન્સ અને જીપ વર્ષો જૂના છે અને વારંવાર ખોટકાઇ પડે છે.જેથી તેનું મેન્ટેનન્સ મોંઘુ પડી રહ્યું છે.વીવીઆઇપીના કાફલામાં ફાયર બ્રિગેડનું વાહન અન્ય વાહનોની સ્પીડે દોડી નહીં શકતું હોઇ ઉચ્ચ અધિકારીઓને કોઇ વાર ગંભીર પરિણામ આવી શકે છે તેવી દહેશત વ્યક્ત કરી નવા વાહન ફાળવવા માટે પણ થોડા સમય પહેલાં રજૂઆત કરવામાં આવી હતી.
ફાયર બ્રિગેડના ટેલિફોન પણ કામ કરતા નહીં હોઇ મોટી દુર્ઘટનાને ફાયર બ્રિગેડ પહોંચી વળે તેમાં શંકા સેવાઇ રહી છે.
કોલ્સમાં મોડા પડતા હોવાની બૂમો ઉઠી છે
વડોદરા ફાયર બ્રિગેડની ટીમ ઘણી વાર કોલમાં મોડી પડતી હોવાની બૂમો ઉઠી છે.ચાર દિવસ પહેલાં વાસદ બ્રિજ પરથી કોલેજના યુવકે છલાંગ લગાવી ત્યારે પણ ફાયર બ્રિગેડને વિલંબ થતાં ઘેરાવ કરાયો હતો અને જવાનો કામગીરી વગર પરત ફર્યા હતા.જ્યારે,ગઇકાલે જેટકોના ટ્રાન્સફોર્મરની આગના બનાવમાં પણ ફાયર બ્રિગેડ ૪૫ મિનિટ મોડી પડયાનો આક્ષેપ કરાયો હતો.
ફાયર બ્રિગેડના લાશ્કરોએ દેખાવો કર્યા હતા
ત્રણ મહિના પહેલાં ફાયર બ્રિગેડના લાશ્કરોને યુનિફોર્મ, શૂઝ તેમજ અન્ય સવલતો નહીં મળતી હોઇ તેમજ તેમની રજૂઆતો કાને નહીં લેવાતી હોઇ લાશ્કરોએ સૂત્રોચ્ચાર કરી દેખાવો કર્યા હતા.તેમ છતાં હજી સુધી તેમની ફરિયાદો દૂર થઇ નથી.
from Baroda News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2HDfd7l
No comments:
Post a Comment