સૌરાષ્ટ્રમાં ટયુશન ક્લાસીસોમાં ફાયર સેફ્ટીનું ચેકીંગઃ 400થી વધુને નોટીસ - E-News Network (Gujarati)

Breaking

Home Top Ad

Post Top Ad

Monday, 27 May 2019

સૌરાષ્ટ્રમાં ટયુશન ક્લાસીસોમાં ફાયર સેફ્ટીનું ચેકીંગઃ 400થી વધુને નોટીસ


રાજકોટ, તા.25 મે 2019, શનિવાર

સુરતમાં ગંભીર લાપરવાહીના કારણે અગ્નિકાંડમાં ૨૦ વિદ્યાર્થીઓના મોત થવાની ભયાવહ દુર્ઘટનાનાં પગલે સફાળી જાગેલી રાજ્ય સરકારે છોડેલા આદેશનાં પગલે આજે સૌરાષ્ટ્રમાં પણ ૪૦૦થી વધુ ટયુશન ક્લાસીસોમાં સ્થાનિક વહીવટી તંત્રએ ચેકીંગ હાથ ધરીને ફાયર સેફ્ટીમાં લાપરવાહી બદલ નોટીસો ફટકારી હતી. પોરબંદર, જામનગર, જૂનાગઢ, અમરેલી, મોરબી, વાંકાનેર, વેરાવળ, દ્વારકા, ખંભાળિયા, ભાણવડ સહિતનાં શહેરોમાં ટયુશન ક્લાસીસોની લાપરવાહી નજરે પડતા ખુલાસો રજૂ કરવા તથા યોગ્ય સુવિધા ઉપલબ્ધ ન થાય ત્યાં સુધી ટયુશન ક્લાસીસો બંધ રાખવા સહિતના આદેશ કરાયા હતા.

પોરબંદર, જામનગર, જૂનાગઢ, અમરેલી, મોરબી, વાંકાનેર, વેરાવળ, દ્વારકા, ખંભાળિયા, ભાણવડ સહિતના શહેરોમાં ટયુશન ક્લાસીસોની લોલમલોલનો ભાંડો ફૂટયો

* પોરબંદર જીલ્લા સત્તાવાળા અને નગરપાલિકાએ શનિવારે ચેકિંગ હાથ ધરીને શહેરમાં ૨૧થી વધુ ટયુશન ક્લાસને ફાયર સેફ્ટીના સાધનોની વ્યવસ્થા કરી લેવા માટે નોટીસ મોકલી હતી અને ચેકીંગ પણ હાથ ધર્યું હતું. ૩ દિવસની અંદર એનઓસી મેળવી લેવા સુચના આપવામાં આવી હતી.

* જામનગર મહાનગરપાલિકાનું તંત્ર પણ આજે હરકતમાં આવ્યું હતું અને શહેરમાં કેટલા ટયુશન ક્લાસ ચાલે છે તે સર્વે કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. વહેલી સવારે પાંચ વાગ્યાથી સાંજે સાત વાગ્યા સુધી સર્વે કરવામાં આવ્યું હતું. એસ્ટેટ શાખા, ટાઉન પ્લાનીંગ શાખા અને ફાયર બ્રિગેડના કર્મચારીઓની જુદી જુદી છ ટુકડીઓ બનાવી શહેરના તમામ વોર્ડમાં ટયુશન ક્લાસની યાદી માટે સર્વે કરાયું હતું. જેમાં ૧૪૧ ટયુશન ક્લાસની યાદી મળી છે.

સાંજે સાત વાગ્યે મ્યુનિ. કમિશનર દ્વારા તૈયાર કરેલી યાદી રાજ્ય સરકારમાં મોકલી આપી છે. ઉપરાંત હજુ પણ સર્વેની કામગીરી બાકી હોવાથી રવિવારની રજા હોવા છતાં સવારે ૯-૩૦ વાગ્યાથી પુનઃ હાથ ધરવા માટે સૂચના અપાઈ છે. બાકીના વિસ્તારોની સર્વેની કામગીરીનો રીપોર્ટ સાંજે છ વાગ્યે મ્યુનિ. કમિશનરની કચેરીમાં કરાશે અને તેની યાદી રાજ્ય સરકારમાં મોકલી દેવાશે. મ્યુનિ. કમિશનર દ્વારા ટયુશન ક્લાસના સંચાલકોને ત્રણ દિવસની અંદર ફાયરનું એનઓસી મેળવી લેવા અને ત્યાર પછી ટયુશન ક્લાસ ચાલુ કરવા સૂચના અપાઈ છે.

* જૂનાગઢમાં આજે મનપાએ તપાસ માટે ૧૨ ટીમની રચના કરી હતી અને સાંજ સુધીમાં ટયુશન ક્લાસીસ, રેસ્ટોરન્ટ, હોસ્પિટલ સહિતના ૧૫૨ જેટલા સ્થળે તપાસ કરવામાં આવી હતી. જેમાંથી ફાયર સેફ્ટી કે અન્ય કોઈ સુવિધા વગર બહુમાળી બિલ્ડીંગના બેઝમેન્ટમાં ચાલતા સનરાઈઝ ક્લાસીસ, વીઆઈઈસી ક્લાસીસ, સુખસાગર ક્લાસીસ, બુદ્ધા એજ્યુ. એન્ડ હોબી ઝોન, વિઝન ક્લાસીસ, સોરઠ ચલચિત્ર એકેડમી, અભયમ એકેડમી, સિગ્મા ફિઝીક્સ એકેડમી, એકેડમી ઓફ બાયોલોજી, નોલેજ હાઉસ નામના ૧૧ ટયુશન ક્લાસને સીલ કર્યા હતા.

આ અંગે નાયબ કમિશનર એમ.કે. નંદાણીયાએ જણાવ્યું હતું કે તપાસ દરમ્યાન બેઝમેન્ટમાં એચડીએફસી બેંકની ઓફિસ તથા શ્રીજી ફ્લાવર નામની દુકાન હોવાથી તેને પણ સીલ કરાયા છે. બે ક્લાસીસને સવારે ફાયર એનઓસી અંગે નોટિસ આપી ત્યાર બાદ ક્લાસ ખોલવા જણાવ્યું હતું. છતાં તેમ ન કરતા તે સીલ કરાયા છે. આજે ૧૧૭ ટયુશન ક્લાસ, ૧૪ હોસ્પિટલ, ૧૩ રેસ્ટોરન્ટ તથા અન્ય છ સ્થળે તપાસ કરાઈ હતી. જેમાંથી તમામ ૧૧૭ ટયુશન ક્લાસીસને નોટિસ આપવામાં આવી છે.

* અમરેલીમાં રાજ્ય સરકારના ફાયર સેફ્ટી સર્વે મામલે પગલા ભરવાના આદેશથી પ્રાંત અધિકારી ડી.એન. સતાણીને જવાબદારી સોંપવામાં આવી છે જે અંગે તેમણે જણાવેલું કે, અમરેલી શહેરમાં નગરપાલિકાના વેરા તેમજ વ્યવસાય વેરા દફતરે નોંધાયેલી ૪૭ જેટલી મિલકતો જેમાં ટયુશન ક્લાસીસ, હોટેલો, દવાખાના સહિતમાં ફાયર સેફ્ટી સહિતના ચેકલીસ્ટ મુજબ તપાસ કરવા પાંચ ટીમો બનાવવામાં આવી છે. જેમાં રેવન્યુ, શિક્ષણ, પોલીસ અને વિજતંત્રના કર્મચારીઓને સાથે રાખી આજથી સર્વે હાથ ધરાયો છે. જે સર્વે મુજબ ક્ષતિ ધરાવનારા સામે પગલા ભરવામાં આવશે.

પાંચ ટીમોમાંથી ફક્ત એક ટીમે જણાવેલું હતું કે, તેઓએ બપોર બાદ ચેક લીસ્ટ મુજબ સર્વે હાથ ધરેલો છે. તેમાં શહેરના હાતિમ કોમ્પ્યુટર, ઓમ ક્લાસીસ, એક્સપર્ટ ક્લાસીસ, નીટ કોમ્પ્યુટર, ઓજસ ક્લાસીસ, ભાનુ ઈન્ફોટેક સહિતમાં સર્વે કરાયો હતો. જો કે, કઈ કઈ ક્ષતિઓ હતી? એ અંગે જવાબ દેવાનો ઈન્કાર કરવામાં આવેલો હતો.

જેનો અર્થ એ થાય કે, સર્વે ટીમ દ્વારા પણ મીલીભગતની નીતિ અપનાવવામાં આવી રહી છે. સર્વે ટીમ દ્વારા ચેકલીસ્ટના નિયમો બાબતે પણ જવાબ દેવાનું ટાળેલું હતું. જેથી ગેરમાર્ગે દોરનારા અને સર્વેમાં લોલંલોલ કરનાર ટીમ સામે પ્રાંત અધિકારી દ્વારા પગલા ભરવા માંગણી ઉઠી છે.

* મોરબીમાં આજે ટયુશન ક્લાસીસ, સમર ક્લાસીસ, ડાન્સ ક્લાસીસ જેવા સ્થળોએ ચીફ ઓફિસર સાગર રાડીયા અને સુધરાઈ પ્રમુખ કેતન વિલપરાએ અલગ અલગ ટીમો સાથે ફાયર સેફ્ટી સહિતના મુદ્દે ચેકીંગ હાથ ધર્યું હતું. જેમાં ફાયર સેફ્ટીમાં લાપરવાહી નજરે પડતા પ્રધાનમંત્રી કૌશલ કેન્દ્ર, ડોલ્સ એન્ડ ડયુડ પ્લે હાઉસ, નવયુગ ક્લાસીસ, ચાણક્ય કિડસ, નાલંદા કિડસ, જ્ઞાાનસાગર ક્લાસીસ, વાયબ્રન્ટ ડાન્સ એકેડમી, આનંદ સર ક્લાસીસ, એ-વન ટયુશન ક્લાસીસ સહિત ૫૬ જેટલા સંચાલકોને નોટીસ ફટકારીને યોગ્ય ખુલાસો કરવા તેમજ ફાયર સેફ્ટીના સાધનો વસાવીને પ્રમાણપત્ર ન મળે ત્યાં સુધી બંધ રાખવાનો આદેશ કરાયો હતો. જો કે, આજે ચેકીંગની ખબર પડી જતા રવાપર રોડ સહિતના વિસ્તારોમાં અનેક લ્સાસીસને તાળા મારીને સંચાલકો છૂમંત થઈ ગયા હતા. હવે ખાનગી સરકારી શાળાઓ અને હોસ્પિટલોમાં પણ ચેકીંગ કરાશે એમ ચીફ ઓફિસરે જણાવ્યું હતું. વળી, પ્રધાનમંત્રી કૌશલ કેન્દ્ર સહિતના કેટલાક સ્થળોએ ફાયર સેફ્ટીના સાધનો હતા, પણ એક્સપાયરી ડેઈટના હોવાનું પણ ખુલ્યું હતું.

* વાંકાનેરમાં આજે ચીફ ઓફિસર ગીરીશ સરૈયા સહિતની પાલિકાની ટીમોએ ટયુશન ક્લાસીસોમાં ચેકીંગ કર્યું હતું. જેમાં આર્ય ક્લાસીસ, બ્રીલીયન્ટ ક્લાસીસ, કલ્પક્રમ ક્લાસીસ, પારેખ ક્લાસીસ તથા કેતન કાગોડીયા, ભાવેશ મહેતા, અસ્લમભાઈ, સાગર સાહેબ અને દક્ષિત સરના ક્લાસીસ બંધ નજરે પડયા હતા. જેથી નવેય ક્લાસીસ સંચાલકોને બોલાવીને નોટીસ અપાશે એમ પાલિકા તંત્રએ જણાવ્યું હતું.

* વેરાવળમાં નગરપાલિકાની ટીમે આજે ટયુશન ક્લાસીસોમાં ચેકીંગ કર્યું હતું. જેમાં ફાયર સેફ્ટીના નિયમોનો ભંગ થતો જણાતા સક્સેસ ક્લાસીસ, જ્ઞાાનસાગર ક્લાસીસ, ડેલ્સા સાયન્સ એકેડમી, મારૂતી ક્લાસીસ, કે.એન. ગુ્રપ એકેડમી, જે.કે. શાહ ક્લાસીસ, પ્રભુધન ક્લાસીસ, લક્ષ્ય એકેડમી, સુધા કોમ્પ્યુટર, બ્રિલીયન્ટ ક્લાસીસ અને રીધ્ધી સાયન્સ ક્લાસીસ મળીને ૧૧ સંચાલકોને નોટીસ ફટકારી ખુલાસો કરવા તથા અગ્નિશમન સાધનો વસાવવા સહિતની સુચના અપાઈ હતી.

* દ્વારકામાં નગરપાલિકાનાં ચીફ ઓફિસર સી.બી. ડુડીયાએ ફાયર બ્રિગેડના સ્ટાફ સાથે ટયુશન ક્લાસીસોમાં ચેકીંગ કર્યું હતું. જેમાં રબારી ગેટ પાસે દેવુભા માણેકના પરિશ્રમ ક્લાસીસ, રામવાડી પાસે અમિત સોઢાના સોઢા ક્લાસીસ, સિદ્ધ વાટીકા સ્થિત રામ અડવાણીના શારદા ક્લાસીસ, નવી હવેલી સામે શંકર બથીયા અને દિલીપ બથીયાના બન્ને બથીયા ક્લાસીસ એમ પાંચેય સ્થળે ફાયર સેફ્ટીની બિલકુલ સગવડતા નહીં હોવાથી સીલ મારીને નોટીસ લગાડી દેવાઈ હતી. અન્ય બંધ ક્લાસીસોમાં પણ નોટીસ ચીપકાવીને તમામ સંચાલકોને ફાયર સેફ્ટીનાં નિયમોનું પાલન કરે પછી જ સીલ ખોલવાની તાકીદ કરવામાં આવી હતી.

* ખંભાળિયામાં આજે સાત ટયુશન ક્લાસીસો અને ભાણવડમાં નવ ટયુશન ક્લાસીસોમાં ફાયર સેફ્ટી અંગે ચેકીંગ કરવામાં આવ્યું હતું. જો કે, બાદમાં તંત્રવાહકોએ તપાસ રીપોર્ટ જાહેર નહીં કરતા તર્ક-વિતર્કો સર્જાયા છે.

યોગ્ય સુવિધા હોય તો જ મળશે ફાયર એનઓસી
ટયુશન ક્લાસીસોનાં સંચાલકો માટે જાહેર થઈ માર્ગદર્શિકા
પ્રત્યેક રૂમમાં અગ્નિશમનના બે બાટલા, બે દરવાજા, ફાયર બ્રિગેડ અને પોલીસ સહિતના ઈમર્જન્સી નંબર રાખવા સહિતનો હુકમ

સુરતમાં ટયુશન ક્લાસમાં આગજનીથી ૧૯ વિદ્યાર્થીઓના મૃત્યુના બનાવના પગલે જામનગર સહિત ગુજરાતભરના ટયુશન ક્લાસ સંચાલકોએ ફાયર સેફ્ટીના તમામ ધોરણો જાળવ્યા પછી જ ટયુશન ચલાવવાની ગાઈડ લાઈન જારી કરાઈ છે.

જામનગર મહાનગરપાલિકાની ફાયર બ્રિગેડ શાખા દ્વારા આ અંગે સર્વે કરવામાં આવી રહ્યો છે. જે ટયુશન ક્લાસ ગ્રાઉન્ડ ફ્લોરમાં ચાલે છે તેણે પ્રત્યેક ૧ રૂમમાં બે ફાયર એક્ઝીક્યુટર (બોટલ) રાખવાની રહેશે. સાથોસાથ એક ક્લાસ રૂમ આવવા-જવા માટેના બે દરવાજા હોવા જરૂરી રહેશે અથવા ઈમરજન્સી એક્ઝીટની વ્યવસ્થા હોવી જરૂરી છે. ઉપરાંત પ્રત્યેક રૂમમાં ઈમરજન્સી ફાયરના નંબર, પોલીસ કન્ટ્રોલ રૂમ વગેરેના મોબાઈલ નંબર અથવા લેન્ડલાઈન નંબરના સ્ટીકરો લગાવવાના રહેશે.

હાઈરાઈઝ બીલ્ડીંગમાં ચાલતા ટયુશન ક્લાસ માટેના નિયમો અલગ રહેશે. જેમાં પાઈપલાઈન સહિતની ફાયર સિસ્ટમ, સાયરન, પાણી માટેની પાઈપલાઈન ટયુબ અને તેના હથિયારો વગેરે રાખવાના રહેશે. બે દરવાજા અને દરેક ક્લાસ રૂમમાં જરૂરી નંબરો સાથેના સ્ટીકર વગેરે ફરજીયાતપણે લગાવાના રહેશે અને ઈલેકટ્રીક વાયરીંગની સાથે સાથે શોર્ટ ગાર્ડ સહિતના વિજ સુરક્ષાના ઉપકરણો પણ ફરજીયાત લગાવવાના રહેશે. ત્યાર પછી જ એનઓસી અપાશે અને ટયુશન ક્લાસ ચાલુ કરી શકાશે. જે અંગેનું સર્વેનું કાર્ય યુદ્ધના ધોરણે શરૂ કરી દેવાયું છે.



from Rajkot News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2W2Tvm7

No comments:

Post a Comment

Post Bottom Ad

Pages