મહેસાણા,તા.13 મે 2019, સોમવાર
મહેસાણા પાલિકા દ્વારા ૩૯ જેટલા વૃક્ષો કાપવા હરાજીની જાહેરાત પગલે પર્યાવરણ પ્રેમીઓમાં ભારે રોષ ઉદભવ્યો છે. જેમાં સોમવાર સવારે મોટી સંખ્યામાં પર્યાવરણ પ્રેમીઓ મહેસાણા તોરણવાળી માતાના ચોકમાં એકઠા થયા હતા અને હરાજી રોકવા સૂત્રોચ્ચાર કરી રેલી યોજી કલેક્ટર કચેરી ખાતે પહોંચ્યા હતા અને વૃક્ષો બચાવવાની માંગ સાથે અધિક કલેક્ટરને આવેદનપત્ર સોંપ્યું હતું.
મહેસાણાના બિલાડીબાગ સામે આવેલ જગ્યા પર ૩૯ જેટલા વૃક્ષો કાપવાની હરાજીનો ચોતરફ ભારે વિરોધ નોંધાઈ રહ્યો છે. વૃક્ષોના ભોગે વિકાસ ન જોઈએ તેવી પણ વાતો શહેર સહિત જિલ્લામાં પ્રકૃતિ પ્રેમીઓ દ્વારા કરવામાં આવી રહી છે. સોમવારના રોજ આ હરાજી રોકવા રાજ્યભરના અલગ અલગ સંગઠનના મોટી સંખ્યામાં પ્રકૃતિ પ્રેમીઓ મહેસાણાના તોરણવાળી માતા ચોકમાં એકઠા થયા હતા. જ્યાં ભારે વિરોધ સૂત્રોચ્ચાર બાદ પાલિકા દ્વારા યોજાનાર હરાજી રોકવા પ્રયાસ કર્યો હતો. અને તોરણવાળી માતાના ચોકમાંથી પ્રકૃતિ પ્રેમીઓ હાથમાં બેનર લઈ શહેરના મુખ્ય માર્ગ પર ફરી કલેક્ટર કચેરી પહોંચ્યા હતા. જ્યાં અધિક કલેક્ટરને આવેદનપત્ર સોંપી વૃક્ષોને બચાવવા માંગણી કરવામાં આવી હતી. જોકે તંત્ર ત્વરીત નિર્ણય ન લેતા ઉગ્ર આંદોલનની પણ ચિમકી ઉચ્ચારવામાં આવી છે.
ચિપકો આંદોલન કરવામાં આવશે
મહેસાણા પાલિકા દ્વારા ૩૯ વૃક્ષો કાપવાની હરાજીના ફરમાન બાદ પર્યાવરણ પ્રેમીઓ જાગ્યા છે અને આ અંગે ભારે વિરોધ નોંધાવી રહ્યા છે. મહેસાણા ખાતે ગ્રીન ગ્લોબલ બ્રિગેડ પ્રકૃતિ મંડળ સહિત સંગઠનો દ્વારા આવેદનપત્ર અપાયું છે. તેમછતાં કોઈ હકારાત્મક પગલું નથી ભરાયું ત્યારે આ મામલે ગ્રીન ગ્લોબલ બ્રિગેડના નિલેશ રાજગોરે જણાવ્યું હતું કે વહિવટીતંત્ર દ્વારા આ પ્રક્રિયાની મંજુરી આપી છે. તે મંજુરી રદ્દ કરે અને જો તંત્ર દ્વારા પગલા નથી ભરાતા તો ચિપકો આંદોલન કરાશે જેની જવાબદારી તંત્રની રહેશે.
વૃક્ષોના વિનાશના ભોગે વિકાસ નથી જોઈતો
આ અંગે મહેસાણા પ્રકૃતિ મંડળના વિજય પટેલે જણાવ્યું હતું કે વિનાશના ભોગે વિકાસ ન કરાય. ત્યારે તંત્રએ આ મામલે ગંભીર બનવું જોઈએ. વૃક્ષોના નિકંદન કરી સૃષ્ટીને જોરદાર નુકશાન કરવામાં આવી રહ્યું છે ત્યારે વૃક્ષો બચાવવા જોઈએ નહી કે તેની હત્યા કરવી જોઈએ. જો આ ૩૯ વૃક્ષોને નહી બચાવાય તો આંદોલન કરાશે.
from North gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2E8gpxr
No comments:
Post a Comment