
- જે ગામમાં પાણીની માંગણી ઉઠે ત્યાં તાકિદે પાણી પહોંચાડવા અને સિંચાઈ યોજનામાંથી પાણી ચોરનારાઓ સામે પોલીસ કાર્યવાહી કરવા આદેશ
વ્યારા, તા. 4 મે 2019, શનિવાર
તાપી જિલ્લામાં પીવાનાં પાણીની અછતનાં કારણે ગ્રામીણ વિસ્તારોમાં પ્રજા ત્રાહિમામ છે. ત્યારે શનિવારે અછત અંગે યોજાયેલી સમિક્ષા બેઠકમાં જે ગામોમાં પાણીની માંગણી ઉઠે ત્યાં તાત્કાલિક ધોરણે પાણી પહોંચાડવા અને સિંચાઈ યોજનામાંથી પાણી ચોરનારાઓ સામે પોલીસ કર્મચારી કરવા કલેકટરે આદેશ કર્યો હતો. હાલ ૩૩ ગામો ટેન્કરનાં પાણી પર નિર્ભર છે.
તાપી જિલ્લામાં સંભવિત ૪પ ગામો એવા છે કે જ્યાં ઉનાળામાં પીવાનાં પાણીની સમસ્યા સર્જાય છે. જે પૈકી હાલ ૩૩ અસરગ્રસ્ત વિસ્તારોમાં ટેન્કર મારફતે પાણી પહોંચાડવામાં આવે છે. તેમ છતાં પાણીની સમસ્યા તેમની તેમ છે. શનિવારે પીવાનાં પાણી અને અછત અંગે તાપી જિલ્લા સેવા સદનમાં કોન્ફરન્સ હોલમાં યોજાયેલી સમીક્ષા બેઠકમાં જે ગામોમાં પાણીની માંગ ઉભી થાય તે ગામોમાં તાકિદે પાણીનાં ટેન્કર પહોંચાડવા આદિજાતિ મંત્રી ગણપત વસાવાએ જણાવ્યું હતું.
ટેકનીકલ કારણોસર બગડેલા બોર રીપેર કરવા અને જ્યાં પાણી મળવાની સંભાવના હોય તેવા વિસ્તારોમાં લોકો દ્વારા બોર કરવા મળતી અરજીઓને ધ્યાને લઈ બોર કરવા જણાવ્યું હતું. જ્યાં બોરનાં પ્રશ્ને કે વીજળીનાં પ્રશ્ને પાણી મળતું નહીં હોય ત્યાં લોકોને પુરતુ પીવાનું પાણી મળે એ રીતે ટેન્કર મારફતે પાણી વિતરણ કરવા જણાવાયું હતું.
કલેકટર આર.એસ.નિનામાએ તાલુકા કક્ષાની સમિતિઓને સૂચના આપી હતી કે, પિવાનાં પાણીની ગ્રામજનો દ્વારા ઉઠતી ફરિયાદ અંગે તાત્કાલિક રીપોટીંગ કરી સતત મોનિટરિંગ કરી સમસ્યાનો ઉકેલ આવે તે માટે પ્રયત્નો કરવાનાં રહેશે. વધુમાં જણાવેલ કે, પાણી પુરવઠાની યોજનાની લાઈનમાંથી સિંચાઈ માટે પાણી લઈ ચોરી કરતા શખ્સો સામેની મળેલી ફરિયાદો અંગે પોલીસ વિભાગને તપાસ કરી સખત કાર્યવાહી કરવા આદેશ અપાયા હતા.
અત્રે ઉલ્લેખનીય છે કે વર્ષ દરમિયાન તાપી જિલ્લામાં ૧પ૦ નવા હેડપંપ, રપ નવી મીની યોજનાઓ અને વાસ્મો દ્વારા ૧૯૪ નવી પાણી પુરવઠા યોજના બનાવામાં આવી છે પરંતુ વાસ્મો સહિત પાણી પુરવઠાનો યાંત્રિક વિભાગ સમયાંતરે મોનિટરિંગ નહીં કરતા કે બંધ હેડ પંપનાં રીપેર માટે તાત્કાલિક કાર્યવાહી થતી જ ન હોવાથી યોજનાઓ પર પણ અસર પડે છે. સમય પર લોકોને પાણી પહોંચાડી શકાતું નથી. અને અછતની સમસ્યા ઉદ્ભવે છે. ભૂતકાળમાં બનેલી યોજનાઓ નિષ્ફળ ગયા બાદ પણ તંત્રએ બોધ ન લેતાં પાણીની વિકટ સમસ્યા ઉદ્ભવે છે.
from Surat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2UXmYIF
No comments:
Post a Comment