
ન્યુજર્સી, તા. 1 એપ્રિલ 2019, સોમવાર
બ્રાહ્મણ સમાજ ઓફ યુએસએના ઉપક્રમે રવિવાર તા. ૧૦ માર્ચ, ૨૦૧૯ના રોજ હિન્દુ મંદિર, કાર્ની, ન્યુજર્સી ખાતે પ્રણાલિકાગત મહાશિવરાત્રિ નિમિત્તે સમગ્ર દિવસ દરમ્યાન ભગવાન શ્રી શંકરદાદા, દેવાધિદેવ અને સાથમાં અન્ય દેવતાઓના શાસ્ત્રોક્ત અને વેદોક્ત વિધિથી અભિષેક પૂજન, અર્ચનનો ભાવવાહી કાર્યક્રમ યોજાયો હતો જેમાં વિશાળ સંખ્યામાં ભાવિક પરિવારોએ ઉત્સાહપૂર્વક ભોલેનાથજીને શ્રધ્ધાસુમન અર્પિત કર્યા હતા.
વિદ્વાન આચાર્યશ્રી અમીતભાઈ તથા તેમના બે વિદ્વાન સાથીઓની અધ્યક્ષતામાં પ્રારંભમાં કળશ પૂજન, દીગ્રક્ષણ, ગણેશ પૂજન, પૂણ્યાહ વાચન આદિ પ્રણાલિકાગત સવિસ્તર પૂજન-અર્ચન કરાયું હતું. સંસ્કૃત શ્લોકોના પાવનકારી નાદથી સમગ્ર હોલમાં કૃતકૃત્યતા અને પવિત્રતાની અનેરી અનુભૂતિ થઇ હતી.
મધ્યાન્તરના ફળાહાર બાદ ઉપસ્થિત હરિભક્તોએ ભગવાન શિવની પૂજા-આરાધનાનો પ્રારંભ કર્યો હતો. રુદ્રિના ગાન સાથે શિવલિંગ પર દૂધ અને જળનો સતત અભિષેક કરાયો હતો. ત્યારબાદ શિવ મહિમ્ન સ્તોત્ર, લીંગાષ્ટકમ્ અને દ્વાદશલિંગનો પાઠ થયો હતો. શ્રી અરવિંદભાઇ ભટ્ટ પરિવાર તથા શ્રી હરિશભાઈ દવેના સૌજન્યથી ઉપલબ્ધ કરાવાયેલ બિલિપત્ર ભગવાન શંકરદાદાને અર્પણ કરી સહુએ ધન્યતા અને પ્રસન્નતાની અનુભૂતિ કરી હતી.
આ પ્રસંગે BSOUના પરમ સમર્થક અને સંસ્થાપક પ્રમુખ ડૉ. મુકુંદભાઈ તથા રમાબેન ઠાકર, દાનવીર ટ્રસ્ટી શ્રી અરવિંદ ભટ્ટ, BSOUના ગતિશીલ ચેરમેન શ્રી ચંદ્રકાન્ત ત્રિવેદી, પ્રમુખશ્રી અભય શુક્લ, ઉપપ્રમુખ શ્રી જશભાઈ બ્રહ્મભટ્ટ. સેક્રેટરી ઋષિ મહેતા, જોઇન્ટ સેક્રેટરી શ્રી કૌશિક વ્યાસ, ખજાનચી ઋષભ મહેતા, પરેશ ત્રિવેદી (કમિટિ) શ્રી મહેશ જાની, ધીરેન જાની, ભરતભાઈ ત્રિવેદી, સહિત અનેક BSOUના અને આમ જનતાના આગેવાનોએ પધારી ઉજવણીને દિપાવી હતી. શ્રી ચંદ્રકાન્ત ત્રિવેદીએ સહુને બ્રાહ્મણ સમાજના ઇષ્ટદેવ શિવની ઉપાસનાના આ કાર્યક્રમમાં વિશાળ સંખ્યામાં લાભ લેવા અને ખાસ કરીને નવી પેઢી અને બાળકોમાં મહાદેવના ભક્તિભાવના બીજ રોપવા વિનંતિ કરી હતી.
from Nri news News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2P40PH7
No comments:
Post a Comment