
ન્યુજર્સી, તા. 1 એપ્રિલ 2019, સોમવાર
ભારતના પ્રત્યેક તહેવારો, ઉત્સવોની આગવી લાક્ષણિકતા, મહાત્મ્ય અને નિરાળાપણું આગવા હોય છે. દિપાવલી પર્વની સામૂહિક ધાર્મિક, સાંસ્કૃતિક અભિનવતા, હોળી પર્વનો ધાર્મિક સાથે રંગો અને મસ્તીનો આગવો અંદાઝ, મહાશિવરાત્રિમાં બાબા ભોલેનાથ પર રુદ્રાભિષેક અને અન્ય પૂજન અર્ચન, જન્માષ્ટમી પ્રસંગે ભગવાન શ્રીકૃષ્ણની અભૂતપૂર્વ લીલાઓની સ્મૃતિ, પૂજન, અર્ચન તો રાષ્ટ્રીય તહેવારો સ્વાતંત્ર્ય દિને (૧૫ ઓગષ્ટ) અને પ્રજાસત્તાક દિને (૨૬ જાન્યુઆરી) જોવા મળતો રાષ્ટ્રભક્તિનો ઉત્કટ ભાવ એ ભારતીય જનજીવનનું અવિભાજ્ય અંગ બની ગયેલ છે.
અમેરિકામાં જ નહિ પરંતુ વિશ્વભરમાં વસતા ભારતીયો પોતાની આ વિરાસતને ભાવિ પેઢીમાં પણ વિલસતી રાખવા કટિબધ્ધ છે. પ્રસ્તુત લેખમાં તાજેતરમાં અમેરિકાના ન્યુજર્સી ખાતે વિધ વિધ દેવાલયોના પ્રાંગણમાં યોજાયેલ હોળી ઉત્સવની વાત કરવી છે.
શનિવાર તા. ૨૩ માર્ચ પારલીન, ન્યુજર્સી સ્થિત શ્રી દ્વારકાધીશ મંદિરમાં પ્રતિ વર્ષની જેમ આ વર્ષે પણ હોળી પ્રાગટયનો કાર્યક્રમ સેંકડો ભાવિકોની હાજરીમાં યોજાયો હતો. મંદિરના અગ્રણીઓ શ્રી પંકજ શેઠ (પ્રમુખ, જય પ્રકાશ શેઠ તથા અન્ય ટ્રસ્ટીઓએ સેયરવીલ નગરના પોલીસ, ફાયર ડીપાર્ટમેન્ટ સાથે સહયોગ કરી ટ્રાફીક નિયમનની સુંદર વ્યવસ્થા કરી હતી.
મંદિરના પ્રાંગણમાં સાયંકાળે મંત્રોચ્ચાર સાથે હોળી પ્રગટાવી ત્યારે શ્રધ્ધાળુઓએ હોળી માતાની ધાણી, ચણા તથા જળ સાથે પ્રદક્ષિણા કરી પોતાના તથા સમગ્ર પરિવારના સુંદર સ્વાસ્થ્યની કામના કરી હતી. પરંપરાગત રીતે સહુને ગુલાલ અને રંગોથી રંગી ધૂળેટીની યાદ અપાવી હતી. દ્વારકાધીશ મંદિરની હોળીનો જ્વાળાઓ દૂરસુદૂરથી દેખાતી હતી.
શ્રી સ્વામિનારાયણ આજ્ઞાા ઉપાસના સત્સંગ મંડળના (SS-AUSM) Dayton,ન્યૂજર્સી ખાતેના મંદિરના પ્રાંગણમાં પણ હોળી પ્રાગટય શનિવાર તા. ૨૩ માર્ચે સાંજના ૭.૦૦ વાગે કરાયું હતું. આ વર્ષે હોળીના પ્રાગટયમાં મુખ્ય યજમાન તથા આ સંસ્થાના વર્ષોથી નિષ્ઠાવાન અગ્રણી શ્રી ધીરુભાઈ પટેલ અને અન્ય મહાનુભાવોએ ભાગ લીધો હતો.
અહીં પણ ઉપસ્થિત હરિ ભક્તોએ, આબાલવૃધ્ધ હોળી માતાની પૂજા કરી, જળધારા કરી પ્રદક્ષિણા કરી હતી. હોળી પ્રાગટય અગાઉ મંદિરમાં રાબેતા મુજબ સત્સંગ સભાનો, આરતીનો લાભ લીધો હતો. SS-Ausmના નૂતન મંદિરમાં મૂર્તિ પ્રતિષ્ઠાને આ જૂનમાં ૨ વર્ષ પૂરા થશે ત્યારે પ.પૂ.લાલજી મહારાજ (શ્રી નૃગેન્દ્રસિંહજી) આશિર્વાદ આપવા પધારનાર છે.
પીસ્કાટવે, ન્યુજર્સી ખાતે આવેલ શ્રી ગાયત્રી ચેતના સેન્ટરના પ્રાંગણમાં પણ હોળી પ્રાગટય રવિવાર તા. ૨૪ માર્ચે થયું હતું જેમાં આસપાસના નગરોમાંથી સેંકડો હરિભક્તો શ્રધ્ધા અને ભક્તિપૂર્વક દર્શનાર્થે પધાર્યા હતા. ગાયત્રી ચેતના સેન્ટરમાં ગાયત્રી માતા ઉપરાંત શ્રી ગણેશ અને શ્રી હનુમાનજી અને મહાકાળેશ્વર મહાદેવના વિશાળ શિવલિંગ નંદી તથા કાચબાના દર્શન કરી સહુ કૃતાર્થતા અનુભવતા હતા. ગાયત્રી સેન્ટરમાં હિન્દુ ધર્મના બધા જ તહેવારો ધામધૂમથી ઉજવાય છે અને શારદીય નવરાત્રિના નવે દિવસ ગરબા થાય છે જેમાં હજારોની મેદની આવે છે.
આ ઉપરાંત સનાતન મંદિર પારસીપની, હિન્દુ મંદિર કાર્ની, દુર્ગા મંદિર તથા અન્ય મંદિરો ખાતે પણ હોળી પ્રાગટયનો લાભ ભાવિકોએ લીધો હતો.
from Nri news News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2uXR8ke
No comments:
Post a Comment