સુરત: OLX પર લેપટોપ વેચવા મૂકનાર કતારગામના યુવાને લેપટોપ અને રૂ. 76,000 ગુમાવ્યા - E-News Network (Gujarati)

Breaking

Home Top Ad

Post Top Ad

Tuesday, 2 April 2019

સુરત: OLX પર લેપટોપ વેચવા મૂકનાર કતારગામના યુવાને લેપટોપ અને રૂ. 76,000 ગુમાવ્યા

(પ્રતિનિધિ દ્વારા) સુરત, તા. 1 એપ્રિલ 2019 સોમવાર

અમેરિકામાં રહેતા કાકાએ ભેટમાં આપેલા લેપટોપના ફીચર્સ નહીં ગમતા તેને ઓએલએક્સ પર વેચવા મૂકનાર કતારગામના યુવાનનો અમેરિકાથી એક વ્યક્તિએ સંપર્ક કરી તે લેપટોપ બેંગલોરમાં રહેતા પુત્રને સરનામે મોકલાવ્યા બાદ લેપટોપના રૂ. 1.70 લાખ તો આપ્યા નહતા, પરંતુ મારા એકાઉન્ટમાંથી પૈસા ટ્રાન્સફર કરતા જીએસટી ચાર્જ લાગ્યો છે. તેમ કહી અને આરબીઆઇ એક્ટીવેશન ફી આપવી પડશે તેમ કહી રૂ. 76 હજાર પડાવી લીધા હતા.

પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત વિગતો મુજબ મૂળ અમરેલીનો વતની અને સુરતમાં કતારગામ ગજેરા સ્કૂલની પાછળ લક્ષ્મી સોસાયટી ઘર નં. 81માં રહેતો 22 વર્ષીય ભૌમિક દિનેશભાઈ રૂડાણી છેલ્લા ત્રણ મહિનાથી ઇચ્છાપોર ખાતે ઓર્ડર ફ્રેશ કંપનીમાં એક્સપોર્ટ વિભાગમાં નોકરી કરે છે.

ડિસેમ્બર 2018માં અમેરિકાના લોસ એન્જલસ ખાતે રહેતા કાકા સિદ્ધાર્થભાઈએ ભૌમિકને એક લેપટોપ ભેટમાં આપ્યું હતું. પરંતુ તેના ફિચર્સ અનુકૂળ નહીં આવતા ભૌમિકે ગત 24 ફેબ્રુઆરીના રોજ લેપટોપના ફોટા ઓએલએક્સ ઉપર અપલોડ કરી વેચવા મૂક્યું હતું.

ઓએલએક્સ ઉપર જાહેરાત જોઈ અમેરિકા ખાતે રહેતા ડોનીશ કાર્ટર જેમ્સે પોતાના મોબાઈલ નંબર ઉપરથી ભૌમિકના મોબાઇલ નંબર ઉપર વ્હોટ્સએપ મેસેજ કરી લેપટોપ પોતાના દીકરા માટે ખરીદવાની ઇચ્છા વ્યક્ત કરી હતી. તેની સાથે ચર્ચા થતાં લેપટોપ રૂ. 1.70 લાખમાં આપવાનું નક્કી થયું હતું. ડોનીશના જણાવ્યા મુજબ ભૌમિકે લેપટોપ બેંગલોરમાં રહેતા તેના પુત્ર સૈયદ અમનને કુરિયર દ્વારા મોકલી આપ્યું હતું. ત્યારબાદ 27 ફેબ્રુઆરીના રોજ ભૌમિકે પૈસાની માંગણી કરતા ડોનીશે જણાવ્યું હતું કે મારી બેંકના ટ્રાન્સફર પર 99% જીએસટી ચાર્જ લાગ્યો છે, તેથી મારા એકાઉન્ટમાંથી રૂ.1.70 લાખની જગ્યાએ રૂ. 2 લાખ કપાઈ ગયા છે, તેથી તમારે રૂ.28,000 મારા ખાતામાં જમા કરાવવા પડશે.

આથી ભૌમિકે મિત્રના એકાઉન્ટમાંથી રૂ.28,000 ટ્રાન્સફર કરી આપ્યા હતા. ત્યારબાદ ડોનીશે જણાવ્યું હતું કે આરબીઆઇ એક્ટીવેશન ફીના રૂ.30,000 આપવા પડશે. આથી ભૌમિકે તે રકમ પણ ટ્રાન્સફર કરી આપી હતી. ત્યારબાદ ડોનીશે મેઇલ કરી જણાવ્યું હતું કે તમારે સ્વીફ્ટ કોડ જનરેશન ફાઇનલ એક્ટીવેશન ફી પેટે રૂ. 30,000 આપવા પડશે. તે રકમ જમા કરાવશો એટલે તમારા ખાતામાં રૂ. 3 લાખ જમા થઈ જશે.

જોકે, તે સમયે ભૌમિકને શંકા ગઈ હતી અને તેણે પૈસા જમા કરાવ્યા ન હતા અને પોતાના લેપટોપના રૂ.1.70 લાખ અને જમા કરાવેલા રૂ. 76,000 પરત માગ્યા હતા, પરંતુ ડોનિશે તે રકમ આપી ન હતી.આથી છેવટે ગતરોજ ડોનીશ વિરુદ્ધ ભૌમિકે કતારગામ પોલીસ મથકમાં છેતરપિંડીની ફરિયાદ નોંધાવી હતી. વધુ તપાસ પીએસઆઈ જી એમ ગમારા કરી રહ્યા છે.



from Surat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2HTDHKS

No comments:

Post a Comment

Post Bottom Ad

Pages