
- પેમેન્ટ તો કર્યું નહી પણ ૯૯% જીએસટી ચાર્જ લાગ્યો છે કહી બીજા રૂા.૭૬,૦૦૦ પણ પડાવી લીધા
(પ્રતિનિધિ દ્વારા) સુરત, તા. 1 એપ્રિલ 2019, સોમવાર
કતારગામના યુવાને ઓએલએક્સ પર વેચવા મુકેલા રૂા.૧.૭૦ લાખની કિંમતના લેપટોપ સાથે રૂા.૭૬,૦૦૦ પણ ગુમાવ્યા હતા. લેપટોપ અમેરિકામાં રહેતા કાકાએ ભેટમાં આપ્યું હતું. અને અમેરિકાથી જ એક વ્યક્તિએ સંપર્ક કરીને બેંગ્લોરમાં રહેતા પુત્રના સરનામે મગાવ્યા બાદ પેમેન્ટ કર્યું નહોતું.
મૂળ અમરેલીનો વતની અને સુરતમાં કતારગામ લક્ષ્મી સોસાયટીમાં રહેતા અને ઇચ્છાપોરની કંપનીમાં એક્સોપોર્ટ વિભાગમાં નોકરી કરતા ૨૨ વર્ષીય ભૌમિક દિનેશભાઈ રૂડાણીને ડિસેમ્બર ૨૦૧૮ માં અમેરિકાના લોસ એન્જલસ ખાતે રહેતા કાકા સિદ્ધાર્થભાઈએ એક લેપટોપ ગિફ્ટમા આપ્યું હતું. પણ તેના ફિચર્સ અનુકુળ નહી આવતા ભૌમિકે તા.૨૪ ફેબુ્રઆરીએ તે ઓએલએક્સ પર વેચવા મુકયું હતું.જાહેરાત જોઈ અમેરિકા રહેતા ડોનીશ કાર્ટર જેમ્સે તેનો સંપર્ક કરી પોતાના પુત્ર માટે લેપટોપ ખરીદવા રૂા.૧.૭૦ લાખમાં ડીલ નક્કી કરી હતી. ડોનીશના કહેવાથી ભૌમિકે લેપટોપ બેંગલોર રહેતા તેના પુત્ર સૈયદ અમનને કુરીયર મારફત મોકલી દીધું હતું.
તા.૨૭ ફેબુ્રઆરીએ ભૌમિકે પેમેન્ટ માંગતા ડોનીશે કહયું કે, મારી બેંકના ટ્રાન્સફર પર ૯૯% જીએસટી ચાર્જ લાગ્યો છે અને મારા એકાઉન્ટમાંથી .૧.૭૦ લાખની જગ્યાએ રૂા.૨ લાખ કપાઈ ગયા છે. તેથી તમારે રૂ.૨૮,૦૦૦ આપવા પડશે. ભૌમિકે પૈસા ટ્રાન્સફર કરી દીધા બાદ ડોનીશનો ફરી કોલ આવ્યો કે, આરબીઆઇ એક્ટીવેશન ફીના રૂ.૩૦,૦૦૦ આપવા પડશે. ભૌમિકે તે રકમ પણ ટ્રાન્સફર કરી આપી.
ત્યારબાદ ડોનીશે મેઇલ કરી જણાવ્યું હતું કે તમારે સ્વીફ્ટ કોડ જનરેશન ફાઇનલ એક્ટીવેશન ફી પેટે રૂા.૩૦,૦૦૦ આપવા પડશે. તે રકમ જમા કરાવશો એટલે તમારા ખાતામાં રૂ. ૩ લાખ જમા થઈ જશે. જોકે, તે સમયે ભૌમિકને શંકા ગઈ હતી અને તેણે પૈસા જમા કરાવ્યા ન હતા અને પોતાના લેપટોપના રૂ.૧.૭૦ લાખ અને જમા કરાવેલા રૂ. ૭૬,૦૦૦ પરત માગ્યા હતા. પરંતુ ડોનિશે તે રકમ આપી ન હતી. છેવટે ડોનીશ વિરુદ્ધ ભૌમિકે કતારગામ પોલીસ મથકમાં છેતરપિંડીની ફરિયાદ નોંધાવતા વધુ તપાસ પીએસઆઈ જી.એમ.ગમારા કરી રહ્યા છે.
from Surat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2HS9POY
No comments:
Post a Comment