
(પ્રતિનિધિ દ્વારા) સુરત, તા. 10 એપ્રિલ 2019 બુધવાર
ક્રિકેટ સટ્ટાના શોખીન અલથાણના બિલ્ડરનું તેના જ મિત્રએ કારમાં અપહરણ કરી ઓનલાઇન બેટિંગ સાઇટ ઉપર સટ્ટો રમવા માટે આઈડી, પાસવર્ડ ચાલુ કરવા દબાણ કર્યું હતું અને રૂ. પાંચ લાખની પણ માંગણી કરી તેને કારમાં સુરતના જુદા જુદા વિસ્તારમાં ફેરવ્યો હતો. બિલ્ડરે પૈસાની વ્યવસ્થા કરવા પોતાના ભાઇને ફોન કરતાં તેણે ખટોદરા પોલીસનો સંપર્ક કર્યો હતો અને પોલીસે પૈસા લેવા આવેલા બિલ્ડરના મિત્રને ઝડપી લીધો હતો.
પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ અલથાણ ગાર્ડનની બાજુમાં પરષોત્તમ નગર ઘર નં. એ/4માં રહેતા 35 વર્ષીય બિલ્ડર અનિલ ચંદ્રકાંતભાઈ ઠાકુરના મિત્ર હેપ્પી મલિકે બે વર્ષ અગાઉ તેમની ઓળખાણ પાંડેસરામાં રહેતા ભોલા સાથે કરાવી હતી. ભોલાને અવાર નવાર રૂપાલી નહેર પાસે આવેલા બજાજના શોરૂમમાં મળવા જતાં અનિલભાઈની ઓળખાણ ત્યાં ભોલાએ પાંડેસરામાં રહેતા તેના મિત્ર મોન્ટુ માલીયા સાથે કરાવી હતી. ક્રિકેટના સટ્ટાના શોખીન અનિલભાઈ ઘોડદોડ રોડ ખાતે રહેતા મિત્ર બંટી અને અન્ય મિત્રો સાથે છેલ્લા કેટલાક સમયથી સટ્ટો રમી રહ્યા છે.
દરમિયાન, મોન્ટુએ હાલમાં ચાલી રહેલી આઈ.પી.એલ.ની મેચમાં સટ્ટો રમવા માટે સુપર નાઈન વેબસાઇટ માટેનો આઈડી, પાસવર્ડ અનિલભાઈ પાસેથી ખરીદ્યો હતો. જોકે, મોન્ટુ રૂ. બે લાખ હારી જતાં અને હારી જવાથી આઈડીની લિમિટ પૂરી થતાં અનિલભાઈ અને મુખ્ય બુકી પંકજભાઈ વરાછાવાળાએ તેનો આઈડી, પાસવર્ડ બંધ કરી દીધો હતો.
ગત સાંજે સવા છ વાગ્યાના અરસામાં મોન્ટુએ અનિલભાઈને ફોન કરી અલથાણ ગામ પાસે ઉમિયા પાન નામની દુકાન પાસે બોલાવ્યા હતા.પોતાની કારમાં અન્ય બે વ્યક્તિ સાથે ત્યાં આવેલા મોન્ટુએ અનિલભાઈને તમારૂં કામ છે કહી કારમાં બેસાડી દીધા હતા.
ત્યારબાદ મોન્ટુએ અનિલભાઈને પૂછ્યું હતું કે તે મારી આઇડી કેમ બંધ કરી દીધી છે ? આથી અનિલભાઇએ તેને હકીકત જણાવી હતી. પરંતુ મોન્ટુએ કહ્યું હતું કે તું મને રૂ. પાંચ લાખ આપી દે અને મારી આઇડી ચાલુ કરી દે, નહીં તો તને જવા નહી દઉં. તેમ કહી તેણે પોતાની કાર વેસુ તરફ ભગાવી હતી અને ત્યારબાદ વેસુથી સરસાણા રોડ થઈ ખજોદ હાઇવે ઉપર લઈ ગયો હતો. ત્યાંથી ઓએનજીસી થઈ હજીરા બ્રિજ બાજુ લઈ ગયો હતો. અનિલભાઈએ તેને પૂછ્યું હતું કે તું મને કેમ ફેરવે છે ?
તો મોન્ટુને કહ્યું હતું કે તું મને પૈસા નહીં આપે ત્યાં સુધી હું તને ગાડીમાંથી ઉતરવા નહીં દઉં, તું તારા ઘરે ફોન કરીને પૈસાની વ્યવસ્થા કરાવ.
આથી અનિલભાઈએ પોતાના નાનાભાઈ આશિષને ફોન કરી કહ્યું હતું કે મોન્ટુ રૂ. પાંચ લાખ માંગે છે અને મારૂં અપહરણ કરી મને શહેરની અલગ અલગ જગ્યાએ ફેરવે છે, તો પૈસાની વ્યવસ્થા કર.આશિષે અડધો કલાકમાં પૈસાની વ્યવસ્થા કરૂં છું તમે અલથાણ ગાર્ડન ખાતે આવી જાઓ તેમ કહી બાદમાં સીધો જ ખટોદરા પોલીસનો સંપર્ક કર્યો હતો અને મોન્ટુ અનિલભાઈને ચોક બજાર બાજુથી અમરોલી થઈ સ્ટેશન રોડ થઈ અલથાણ પહોંચ્યો હતો. પરંતુ પોલીસ હોવાની જાણ થતાં તેણે કાર બજાર તરફ ભગાવી હતી. પરંતુ પોલીસે તેનો પીછો કરી ઝડપી પાડી ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.
from Surat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2v0e1Um
No comments:
Post a Comment