
ભાવનગર, તા. 02 એપ્રિલ 2019, મંગળવાર
નાનુ શહેર હોય, મોટું ગામડુ હોય કે મેટ્રો સિટી, ઠેર-ઠેર ચાની કિટલીઓ અને લારીઓ જોવા મળે જ. એમાંય યાત્રાધામ કે ટુરિસ્ટ પ્લેસ હોય તો તો રાફડો ફાટયો હોય. વ્યસનના કેન્દ્રો સમી આવી જગ્યા પર ન કોઇ નિયમ હોય છે ન કોઇ રોક-ટોક. પરંતુ એક મોટા યાત્રાધામ જ્યાં હજ્જારો યાત્રાળુઓ આવતા છતાં ચાની એક કીટલી મંજુરી વગર ન જોવા મળતી એવું ઇતિહાસમાં નોંધાયેલું છે આ યાત્રાધામ એટલે પાલિતાણા અને તે નિયમ ઘડનાર હતા રાજવી બહાદુરસિંહ.
ત્રીજી એપ્રિલ આ રાજવીનો જન્મ દિવસ છે. પાલિતાણાના રાજવી બહાદુરસિંહ ગોહિલનો જન્મ ત્રીજી એપ્રિલ 1900ના રોજ થયેલો. માનસિંહજીનો અવસાન થયુ ત્યારે તેઓ માત્ર પાંચ જ વર્ષના એટલે તેઓ ગાદીએ બેઠા પણ સગીર હોવાથી 1905 થી 1919 સુધી અંગ્રેજોએ વહિવટ સંભાળ્યો. 27-11-1919ના તેમને પૂર્ણ સત્તા સોંપવામાં આવી. પ્રગતિશીલ અને આધુનિક વિચારધારાવાળા આ રાજવીએ સ્વચ્છતા, આરોગ્ય, શિક્ષણ પર ખાસ ધ્યાન આપ્યું હતુ. તેમના સમયમાં પાલિતાણામાં જાહેરમાં કચરો નાખવા સામે દંડ થતો. એટલું જ નહીં આ નિયમનો કડક અમલ પણ થતો.
બહાદુરસિંહજીએ પાલિતાણામાં ઠેર-ઠેર ચાની કિટલીઓ અને લોકોને તેના વ્યસની બનતા જોઇને 1920માં તાત્કાલિક આના પર પ્રતિબંધ મુકી દીધો હતો. જેમને ચાની હોટલ કરવી હોય તેમણે વાર્ષિક 25 રૂપિયા ફી ભરી લાયસન્સ લેવું પડતુ. આ ઉપરાંત ચાના ભાવ 3 આના અને 6 આના ફિક્સ રાખવાનો, દિવાલો પ્લાસ્ટરવાળી અને નીચે પાકુ તળીયુ હોય તેવી જ જગ્યામાં દુકાન ખોલવાની, ટેબલ આરસના અથવા ચિકાશ ન રહે તે મુજબના રાખવાના, ચા અને કોફી બનાવવાના રસોડા જુદા અને તેની ઉંચાઇ 12 ફૂટ રાખવી જરૂરી રહેતી. અડધો અને આખો કપમાં દૂધ, ખાંડ-ચાનું પ્રમાણ પણ નિશ્ચિત રહેતુ. ચાનો આ ધારો પુસ્તિકા રૂપે તૈયાર કરાયેલો અને તેનું પાલન ચા-કોફીની હોટલવાળાને કરવાનું રહેતુ.
લોકોના આરોગ્ય અને રાજ્યમાં સફાઇ-સ્વચ્છતાના આગ્રહી રાજવી બહાદુરસિંહ શિક્ષણ બાબતે પણ જાગૃત હતા. તેઓ નિયમિતપણે રાજ્યની શાળાઓની ઓચિંતી મુલાકાત લેતા અને વિદ્યાર્થીઓ અને શિક્ષકો જોડે સીધો સંવાદ કરતા. આઝાદી પૂર્વે આવા રાજવી હતા અને પ્રજા માટે આવા કાયદા હતા. આજે જે ચિત્ર સહુની નજર સામે છે.
લોક-વન ઘઉં અને પાલિતાણાનો નાતો
આજે પણ લોક-વન ઘઉં સારી ગુણવત્તાવાળા ઘઉંમાં ગણાય છે. આ જાત વિકસાવનાર ઝવેરભાઇ પટેલ મૂળ ગારિયાધારના. તેઓ વિદ્યાર્થી હતા ત્યારે બહાદુરસિંહજી શાળાની મુલાકાતે ગયા ત્યારે ગારિયાધારમાં હાઇસ્કૂલ ન હોવાનું આ વિદ્યાર્થી ઝવેરે જણાવ્યું. રાજવીએ હાઇસ્કૂલનું તો વચન આપ્યું જ અને આ વિદ્યાર્થીના ભણતરનો બધો જ ખર્ચ રાજ્ય ઉપાડશે તેમ પણ જણાવ્યું. ઝવેરભાઇ જર્મની જઇને એમએસસી સુધી ભણ્યા. વિદેશથી પરત આવી તેમણે પાલિતાણા રાજ્યમાં 1933માં નોકરી શરૂ કરી ત્યારે રાજવી બોલી ઉઠયા હતા કે, રાજ્યના પૈસા ઉગી નીકળ્યા. 1959માં નિવૃત્ત થયા પછી આ ઝવેરભાઇએ ઘરે ઘઉંની જાતો વિશે પ્રયોગશાળા કરી એક નવી ગુણવત્તાસભર જાત વિકસાવી. લોકોએ તેનું નામ ઝવેર રાખવા જણાવ્યું પણ લોક કલ્યાણ માટે આ કાર્ય કર્યું હોય તેનું નામ લોક-1 રાખ્યુ. આ ઘઉંની જાત આજે પણ એટલી જ લોકપ્રિય છે.
એરપોર્ટનું સ્વપ્ન અધુરૂ રહી ગયુ
મહારાજા બહાદુરસિંહજીએ પાલિતાણામાં આણંદજી કલ્યાણજી પેઢી શરૃ કરેલી. તેમણે તળેટી વિસ્તારમાં બાવન બંગલાની જમીન જૈન સમુદાયને અર્પણ કરી દીધી હતી. આ રાજવીની ઇચ્છા હતી કે પાલિતાણામાં શેત્રુંજય નજીક એરપોર્ટ બનાવવું પરંતુ 1965માં તેમનું મૃત્યું થતા આ સ્વપ્ન અધુરૂ રહ્યું.
from Bhavnagar News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2HV3OB5
No comments:
Post a Comment