
ભાવનગર, તા. 02 એપ્રિલ 2019, મંગળવાર
ભાવનગર મહાનગરપાલિકા દ્વારા નવા નાણાકીય વર્ષ 2019-20નો પ્રારંભ થઈ ગયો છે તેથી આજે મંગળવારે પ્રથમ દિવસે ઘરવેરો ભરવા કરદાતાઓની કતાર લાગી હતી. મહાપાલિકાને પ્રથમ દિવસે ઘરવેરાની કુલ રૂ. 69 લાખની આવક થઈ હતી. હાલ ઘરવેરો ભરનારને રીબેટ યોજનાનો લાભ મળી રહ્યો છે. ઓનલાઈન ઘરવેરો ભરનારને વધુ રીબેટ મળી રહ્યુ છે તેમ જાણવા મળેલ છે.
મહાપાલિકા દ્વારા સોફ્ટવેરને લગતા વિવિધ ટેસ્ટીંગ અને અન્ય આનુષંગિક વ્યવસ્થા કરવા માટે દર વર્ષની માફક ચાલુ વર્ષે પણ ગત તા. 01 એપ્રિલને સોમવારે બી.એમ.સી.ની મેઇન ઓફિસ તેમજ તરસમિયા ઝોનલ ઓફિસ અને ચિત્રા ઝોનલ ઓફિસની તમામ કલેક્શન વિન્ડો, બેંકની કલેક્શન વિન્ડો તથા ઓનલાઇન પેમેન્ટની સુવિધા બંધ રાખવામાં આવી હતી. આજે મંગળવારના રોજ બી.એમ.સી.ની મેઇન ઓફિસ તેમજ તરસમિયા ઝોનલ ઓફિસ અને ચિત્રા ઝોનલ ઓફિસની તમામ કલેક્શન વિન્ડો, બેંકની કલેક્શન વિન્ડો ખાતે રાબેતા મુજબ વેરો સ્વીકારવાનુ શરૂ થઈ ગયુ છે. લોકો ઓનલાઈન વેરો પણ ભરી શકે છે.
આજે મંગળવારે મહાપાલિકામાં પ્રથમ દિવસે જ ઘરવેરો ભરવા લોકોની લાંબી કતાર લાગી હતી અને ઘરવેરાની બારી પર લોકોની ભીડ જોવા મળી હતી. આજે એક જ દિવસમાં મહાપાલિકાને ઘરવેરાની રૂ. 69 લાખની આવક થઈ હતી, જેમાં રૂ. 27 લાખ ઘરવેરો ઓનલાઈન ભરાયો હતો. હાલ ઘરવેરો ભરનારને મહાપાલિકા દ્વારા 10% રીબેટ યોજનાનો લાભ આપવામાં આવી રહ્યો છે અને ઓનલાઈન ઘરવેરો ભરનારને વધુ 2% એટલે કે 12% રીબેટ આપવામાં આવી રહ્યુ છે તેથી ઘણા લોકો ઓનલાઈન ઘરવેરો ભરી રહ્યા છે.
મહાપાલિકામાં સવારે 10.30 થી 2.30 સુધી તેમજ બપોરે 3 થી 5 કલાક સુધી વેરો વસુલવામાં આવી રહ્યો છે. જો લાઈન લાંબી હોય તો સાંજના 6.30 કલાક સુધી બારી ખુલ્લી રાખવામાં આવતી હોય છે તેમ મહાપાલિકાના અધિકારી ફાલ્ગુન શાહે જણાવેલ છે. ભાવનગર મહાનગરપાલિકાની વેબસાઇટ www.bmcgujarat.com તેમજ મોબાઇલ એપ્લીકેશન મારફત ઘરવેરો ભરી શકાય છે.
from Bhavnagar News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2I4pJoy
No comments:
Post a Comment