મહુવામાં જૈન સમાજ,ગ્રામજનોની મૌન રેલી:તસ્કરને પક્ડી મૂર્તિ પછી અપાવો - E-News Network (Gujarati)

Breaking

Home Top Ad

Post Top Ad

Tuesday, 2 April 2019

મહુવામાં જૈન સમાજ,ગ્રામજનોની મૌન રેલી:તસ્કરને પક્ડી મૂર્તિ પછી અપાવો


- દિવાલ કુદી આવેલો તસ્કરો ૬૦૦થી ૭૦૦ વર્ષ જુની અતિપ્રાચીન ર૦ મૂર્તિઓ અને ૯ છત્ર ચોરી જતાં ઘેરા પ્રત્યાઘાત

બારડોલી, તા. 31 માર્ચ 2019, રવિવાર

સુરત જિલ્લાનાં મહુવા ખાતે પૂર્ણા નદી કિનારે આવેલા પાર્શ્વનાથ દિગમ્બર જૈન મંદિરમાંથી તસ્કર ૬૦૦થી ૭૦૦ વર્ષ જુની ર૦ મૂર્તિ અને ૯ છત્ર ચોરી જતા ઘેરા પ્રત્યાઘાત પડયા છે. જૈન સમાજ અને ગ્રામજનોએ જૈન મંદિરથી મૌનરેલી કાઢી મહુવા મામલતદાર અને પોલીસને આવેદન પત્ર આપી તસ્કરને ઝડપી પાડી મૂર્તિઓ પાછી આપવાની માંગ કરી છે.

મહુવા પુર્ણા નદીનાં કિનારે વિઘ્નેશ્વર ફળિયામાં શ્રી ૧૦૦૮ શ્રી વિઘ્નશ્વર પાર્શ્વનાથ (અ.ક્ષે) દિગમ્બર જૈન મંદિર આવેલું છે. શુક્રવારે રાત્રે દોઢ વાગ્યાનાં સુમારે એક તસ્કર નદી તરફનાં રસ્તે પાછળથી આવી દિવાલકુદી મંદિરમાં પ્રવેશ કરે છે. અને મંદિરમાં ચંદ્ર પ્રભુજીનાં ગભારામાં સ્ટીલનાં દરવાજાને મારેલુ તાળુ કોઈ સાધન વડે તોડી નાંખી ગભારામાં સિંહાસનમાં મુકેલી ભગવાનની ૬૦૦થી ૭૦૦ વર્ષ જુની અમૂલ્ય પંચધાતુની ર૦ મૂર્તિઓ તથા ૯ ચાંદીનાં છત્ર ચોરી ગયો હતો. તસ્કરની તમામ ગતિવિધિ મંદિરનાં સીસીટીવી કેમેરામાં ઝડપાઈ ગઈ હતી. જૈન મંદિરમાંથી અમૂલ્ય, અલભ્ય મૂર્તિઓ ચોરાતા જૈન સમાજ તેમજ મહુવામાં ઘેરા પ્રત્યાઘાત પડયા છે.

રવિવારે જૈન સમાજનાં સાધુ મહંતો તેમજ સમાજનાં શ્રેષ્ઠીઓ સાથે મહુવાનાં ગ્રામજનોએ મૌન રેલી કાઢી હતી. રેલીમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. મૌન રેલીએ મામલતદાર કચેરી ખાતે જઈ આવેદન પત્ર આપી પોલીસ મથકે આવેદન પત્ર આપ્યુ હતું. તસ્કરને ઝડપી પક્ડી લઈ તમામ અમૂલ્ય મૂર્તિઓ પરત અપાવવાની માંગ કરી છે. રેલી શાંતિપૂર્ણ સંપન્ન થતા પોલીસ અને વહીવટી તંત્રએ રાહત અનુભવી હતી.

પોલીસને ખુલ્લો પડકાર:જૈન મંદિર નજીકનાં ઘરનું તાળું તોડી તોરીનો પ્રયાસ

ઘર માલિક પુત્રને ત્યાં અમદાવાદ ગયા હતા:જિલ્લા પોલીસની કોમ્બિંગ નાઈટમાં ઘરનો સામાન વેરવિખેર કર્યો

સુરત જિલ્લાનાં મહુવા ખાતે જૈન મંદિરમાં ચોરી બાદ શનિવારે પોલીસની કોમ્બીંગ નાઈટમાં તસ્કરોએ મંદિર નજીકનાં બંધ ઘરનું તાળુ તોડી સામાન વેરવિખેર કરી ચોરીનો પ્રયાસ કર્યો હતો.

જૈન મંદિરની નજીકમાં જયંતભાઈ જોષી પરિવાર સાથે રહે છે. તેમનો પુત્ર અમદાવાદ રહેતો હોય તેઓ હોળીનાં તહેવાર બાદ ઘરને તાળુ મારી અમદાવાદ રહેવા ગયા હતા. શુક્રવારે રાત્રે જૈન મંદિરમાં ચોરી બાદ શનિવારે રાત્રે ડીએસપી એ.એમ.મુનીયા સહીત ઉચ્ચ અધિકારીઓ મહુવા દોડી જઈ કોમ્બીંગ નાઈટનાં આદેશ કર્યા હતા. રાત્રે કોમ્બીંગ નાઈટમાં પેટ્રોલીંગ કરતી પોલીસ વચ્ચે તસ્કરોએ જયંતભાઈ જોષીનાં બંધ ઘરનું તાળુ તોડી તમામ કબાટમાંથી સામાન વેરવિખેર કરી ચોરીનો પ્રયાસ કર્યો હતો. જોકે ફળિયાનાં રહીશોએ તેમને ફોનથી જાણ કરતા ઘરમાં કોઈ કીમતી સામાન ન હતો. તસ્કરો કદાચીત પરચુરણ સામાન ચોરી ગયા હોવાની શક્યતા છે.

જૈન મંદિરમાં ચોરી બાદ પોલીસ અધિકારીઓનાં મહુવામાં ધામા છતાં તસ્કરોએ ઘરફોડ ચોરી કરી પોલીસને પડકાર ફેંક્યો હોય તેમ જણાય છે.

CCTV મોબાઈલ લોકેશન આધારે ચોરી કરનાર શકદારની ઓળખ થઈ

શકદાર સુરત શહેરમાં હોવાની કડી મળતા જિલ્લા એલસીબી અને એસઓજીની ટીમે તપાસ શરૂ કરી

મહુવાનાં પાર્શ્વનાથ દિગમ્બર જૈન મંદિરમાંથી શુક્રવારે રાત્રે દોઢ વાગ્યાનાં સુમારે એક તસ્કરે પાછળની દિવાલ કુદી મંદિરમાં પ્રવેશ કર્યો હતો. મંદિરમાંથી ૬૦૦થી ૭૦૦ વર્ષ જુની ર૦ જેટલી મૂર્તિ અને ૯ ચાંદીનાં છત્રની ચોરી કરી ગયા હતા. ડીએસપી એ.એમ.મુનીયાએ એલસીબી અને એસઓજી ટીમની સાથે મહુવા ખાતે જઈ તપાસ શરૂ કરી હતી. પોલીસે સીસીટીવી કેમેરા અને મોબાઈલ ટેકનોલોજી આધારે એફએસએલની મદદથી ચોરી કરનાર શખ્સની ઓળખ કરી છે. 


પોલીસ ટીમે તસ્કર પર રવિવારે દિવસભર સર્ચ કરતા શકદાર રાત્રે સુરત શહેરમાં હોવાની કડી મળતા સુરત શહેરમાં તપાસ શરૂ કરી છે. મોબાઈલ લકેશન અને એફએસએલનાં પ્રાથમિક રિપોર્ટ આધારે પોલીસે તસ્કરની ઓળખ કરી ઝડપી પાડવા માટે આશાવાદી બની છે. તસ્કરને ઝડપી પક્ડી લઈ તમામ ર૦ મૂર્તિઓ અને ચાંદીનાં ૯ છત્ર કબ્જે કરવામાં સફળતા મળી શકે તેમ છે.



from Surat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2UnZPCS

No comments:

Post a Comment

Post Bottom Ad

Pages