
- કોહીનુર માર્કેટના વેપારી કાનારામ ઓમપ્રકાશે દલાલ સાથે મળી અન્ય વિવર્સ ભાઇઓ સાથે પણ છેતરપિંડી કરી હોવાની શક્યતા
(પ્રતિનિધિ દ્વારા) સુરત, તા. 31 માર્ચ 2019, રવિવાર
કોહિનૂર માર્કેટમાં કાપડનો વેપાર કરતા એક વેપારીએ દલાલની મદદથી શહેરના જુદા-જુદા વિવર્સ પાસેથી રૂ.૧૬ લાખની કિંમતનું ગ્રે મંગાવ્યું હતું અને પેમેન્ટ નહીં કરીને માર્કેટની દુકાન બંધ ફરાર થઈ ગયો હતો. એક મહિનાની અંદર પેમેન્ટ આપી દેવાની ખાતરી આપી જાન્યુઆરીથી માર્ચ દરમિયાન ચાર જેટલા વિવર્સ પાસેથી ગ્રે કાપડ ખરીદ્યું હતું. વેપારી અને દલાલની આ જોડીએ શહેરના બીજા વિવર્સ ભાઈઓ સાથે પણ આજ પ્રકારે છેતરપિંડી કરી હોવાનું માનવામાં આવે છે.
પાર્લેપોઈન્ટ અંબાજી માર્કેટ પાસે રહેતા કિશોરચંદ્ર મોહનલાલે કોહીનુર માર્કેટની દુકાન નં. ૬૬૫ના વેપારી કાનારામ ઓમપ્રકાશ વિરુદ્ધમાં દલાલ સાથે મળીને છેતરપિંડી કરાઇ હોવાની ફરિયાદ સલાબતપુરા પોલીસ સ્ટેશનમાં નોંધાવી છે. વેપારીએ મિલન સારીઝની ફર્મના નામે વીવર્સ ભાઈઓ પાસેથી જુદા-જુદા સમયે ગ્રે મંગાવ્યું હતું. કિશોરચન્દ્ર પાસેથી વેપારીએ રૂ.૬.૧૩ની કિંમતનું ગ્રે મંગાવ્યું હતું. ગ્રેનો આ સોદો દલાલ હિતેશ મારફત થયો હતો. વેપારી કાનારામ ઓમપ્રકાશે શહેરના બીજા વિવર્સ એવા પાંડેસરા ભીડભંજન સોસાયટીના યશપાલસિંહ ગોહિલ પાસેથી રૂ.૨.૬૩ લાખનો, ભેસ્તાન વખારીયા ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટના મણિલાલ પટેલ પાસેથી રૂ.૪.૬૮ લાખનો તથા પાંડેસરા હરિકૃષ્ણ સોસાયટીના પ્રવિણ પટેલ પાસેથી રૂ.૨.૪૮ લાખની કિંમતનું ગ્રે એક મહિનાની અંદર પૈસા ચૂકવી દેવાની ખાતરી આપીને ખરીદ્યું હતું.
વેપારીએ વિવર્સ પાસેથી કુલ રૂ.૧૫.૮૮ લાખની કિંમતનું ગ્રે ખરીદ્યું હતું. આ ઉપરાંત શહેરના બીજા વિવર્સ પાસેથી પણ ગ્રે ખરીદવામાં આવ્યો હોવાનું ફરિયાદમાં જણાવવામાં આવ્યું છે. વિવર્સ ભાઈઓએ પેમેન્ટ માટેની ઉઘરાણી કરી, ત્યારે વેપારી દ્વારા ખોટા-ખોટા વાયદાઓ કરીને સમય કાઢવામાં આવ્યો હતો. જોકે બાદમાં વેપારી કોહીનુર માર્કેટમાંની પોતાની દુકાન બંધ કરીને ફરાર થઈ ગયો હતો.
from Surat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2JUygNm
No comments:
Post a Comment