
37વર્ષનું આયખું, 2000 ચિત્રો અને 900 પત્રો- આટલા નાના જીવનમાં આટલું મોટું કામ કઈ રીતે કર્યું હશે!
મહાન કાર્યો બહુ જ સહજ રીતે થઈ જતા હોય છે, અનાયાસે થઈ જતા હોય છે, સર્જકની જાણ બહાર થઈ જાય છે. જાણે કે એ દૈનિક ક્રિયાનો ભાગ ન હોય! પાનનું ઝાડ પરથી ખરવું, નિંદરનું ભાંગવું, ભૂખનું લાગવું અને એવી જ રીતે વિન્સેન્ટ વાન ગોગનું ચિત્રકાર બની જવું. કોઈ જ આગોતરા પ્લાનિંગ વિના એક સવારે આ માણસ જગતનો સૌથી મહાન ચિત્રકાર બની ગયો. જોકે એ દિવસ ઊગ્યો એ પહેલાની અને પછીની ઘટમાળ ખૂબ જાણવા જેવી અને માણવા જેવી છે.
કલા જિંદગીથી હારેલા લોકોને આશ્વાસન આપવા માટે છે, એવું જ્યારે વાન ગૉગે કહ્યું ત્યારે તેમને અંદાજ નહીં હોય કે તેઓ પાતની જ કૃતિઓની વ્યાખ્યા બાંધી રહ્યા છે. તેમના ચિત્રોમાં જીવનના ધબકારા અનુભવતા, રંગો અને રેખાઓની ઊર્જા પ્રાપ્ત કરીને ખીલી ઊઠતા, કલા ધર્મની પ્રેરણા મેળવનારા અને તેમના વિચારોની કદર કરનારા લોકોનો દુનિયામાં તોટો નથી. આ બધા વાન ગૉગ રસિકોનો વાંક ખાલી એટલો છે કે તેઓ મોડા જન્મ્યા. વાન ગૉગ જતા રહ્યા પછી આ દુનિયામાં આવ્યા.
કુલ ૩૭ વર્ષનું આયખું. તેમાં રોજગાર માટેનો સંઘર્ષ, દુઃખ, એકલવાયાપણું, માનસિક અસ્વસ્થતા અને ૨,૦૦૦ ચિત્ર. નાનકડા જીવનમાં આટલું બધું એક સાથે કેમ સમાયું હશે! વાન ગૉગે એક વખત પોતાના ભાઈ થિયોને પત્રમાં લખેલું, શું સાચે મારા રંગોમાં હાલરડાના સ્વર છે? એ નક્કી કરવાનું કામ હું મારા આલોચકો પર છોડું છું. પ્રશંસકોએ અને સમીક્ષકોએ તેમની રંગોની છટા અને મોટી પહોળી રેખાઓમાં સંગીત જરૂર અનુભવ્યું, પણ તે દુનિયા છોડી ગયા પછી.
૩૦મી માર્ચ ૧૮૫૩ના રોજ નેધરલેન્ડના જુડેર્ટમાં જન્મેલા વાન ગૉગને કિશોર અવસ્થાથી જ કલા સાથે નાતો બંધાયો હતો. ૧૬ વર્ષની ઉંમરે તેઓ ગૂપિલ એન્ડ કંપનીની હેગ શાખામાં નોકરીમાં જોડાયા. તે ૧૯મી સદીમાં કલા ક્ષેત્રની સૌથી મોટી વ્યાપારી કંપની હતી. વાન ગૉગની હેગથી લંડન અને ત્યાંથી પેરિસ ટ્રાન્સફર થઈ.
ઉચ્ચ વર્ગના લોકો કેવી રીતે કળાની સમજ વિના અને દેખાદેખી માટે કલાકૃતિઓની ખરીદી કરે છે તે જોઈને વાન ગૉગનો જીવ બળતો હતો. ૧૮૭૬માં નોકરી છોડી ઇંગ્લેન્ડ જતા રહ્યા. ત્યાં ભણાવવા લાગ્યા. મન ન લાગ્યું. એ જ વર્ષના અંતે હોલેન્ડ પરત ફર્યા. ભણાવવાનું બંધ કરી ભણવાનું શરૂ કર્યું. એમ્સ્ટર્ડમમાં રહી યુનિવર્સિટીમાં અભ્યાસ કરવા માંડયા.
તેમની બેચેનીનો અંત આવતો નહોતો. અભ્યાસ છોડી દીધો અને બેલ્જિયમની ધાર્મિક સંસ્થામાં પ્રવેશ મેળવ્યો. પાદરી તરીકેની તાલીમ લીધી. ત્યાં પણ સંતોષ ન મળતા બોરીનાઝની કોલસા ખાણ આસપાસના વિસ્તારમાં ચર્ચના પ્રભારી બની ગયા. આ વાત ૧૮૭૮ની છે. આર્ટ ડીલર અને શિક્ષક તરીકે નિષ્ફળ વિન્સેન્ટ હવે ચર્ચના પ્રભારી હતા. ત્યારે તેમની ઉંમર હતી, ૨૫ વર્ષ. એ સમયે તેઓ શોખ માટે ક્યારેક સ્કેચિંગ કરતા, પણ ચિત્રકાર બનવાનું તો સ્વપ્ને પણ વિચાર્યું નહોતું.
બોરીનાઝના ખાણ મજૂરો વચ્ચે તેઓ એક ઉપદેશક તરીકે પહોંચ્યા. બેન્જામિન નામના એક વેપારીના ઘરે રહેવાની વ્યવસ્થા થઈ. યુરોપમાં કેવી ઠંડી પડે છે તે તમે જાણો છો. તેઓ જે ઘરમાં રોકાયા હતા ત્યાં ફાયર પ્લેસ હોવાથી ઘર હુંફાળું રહેતું હતું. મજૂરોના ઘરમાં કોઈ ફાયર પ્લેસ નહોતું.
એ જોઈને વાન ગૉગને છતા ફાયર પ્લેસે ટાઢ ચડી ગઈ. એક વખત ઠંડીને કારણે એક મજૂરનો છોકરો બીમાર પડી જતા વાન ગૉગે પોતાના કપડાં તે મજૂરને આપી દીધા. પોતાના માટે એક જોડી કપડાં રાખીને બાકીના બધા જ ગરીબોમાં વિતરીત કરી દીધાં. (વર્ધમાન જ્યારે સંસાર ત્યાગ કરે છે તે સમયનું દૃશ્ય યાદ આવી જાય.)
ગરીબી અને હાડમારી વેઠવા છતાં ખાણિયાઓમાં જે જીજિવિષા અને ધીરજ હતી તે જોઈને વિન્સેન્ટ બહુ જ પ્રભાવિત થયા હતા. મજૂરો પ્રત્યે તેમને ખૂબ લાગણી થતી. મજૂરો તેમને કોલસા ખાણના ઇશુ તરીકે પૂજવા લાગ્યા. ચર્ચના અધિકારીઓથી આ સહન ન થયું. તેમણે કોલસા ખાણના ઇશુને નોકરીમાંથી કાઢી મૂક્યા.
હાથમાં કોઈ કામ ન રહ્યું તો તેઓ બોરીનાઝમાં રહીને ચિત્રકારીની સમજ કેળવતા રહ્યા અને રિયાઝ કરતા રહ્યા. અન્યોના ચિત્રોનો અભ્યાસ કર્યો, સાહિત્ય વાંચ્યું અને ખાણ મજૂરોના ચિત્રો દોર્યા. ૧૮૮૦માં તેમણે બોરીનાઝ છોડયું ત્યારે તેમનું ચિત્રકાર તરીકેનું ઘડતર થઈ ચૂક્યું હતું. જોકે ત્યાં રહીને બનાવેલા તમામ ચિત્રો તેમણે નષ્ટ કરી નાખ્યા હતા.
હોલેન્ડમાં ચિત્રકળાના અધ્યયન સાથે સંકળાયા. એ દરમિયાન કેટલાક ચિત્રકારો જોડે મિત્રતા થઈ. તેમાંના એક હતા, એન્તોન વેન રેપાર્ડ. એન્તોન મૉવ સાથે પણ તેમણે કામ કર્યું. બંને મહાન ચિત્રકાર. બંને વચ્ચે ઝઘડો થયેલો. ૧૮૮૫માં વેન ગૉગે પોતાનું ચિત્ર પોટેટો ઇટર્સ પૂરું કર્યું. વેન રેપાર્ડે તે ચિત્રની ટીકા કરતા વાન ગૉગ તેમનાથી પણ નારાજ થઈ ગયેલા. બે વર્ષ બાદ તેમણે પોતાની બહેન વિલેમિનાને પત્ર લખ્યો તેમાં તેમણે પોટેટો ઇટર્સને સફળ ચિત્ર ગણાવેલું.
એ સમયના વિવેચકોએ ઘાટા અને ઘેરા રંગોમાં ક્ષતિઓ દર્શાવી પોટેટો ઇટર્સની ટીકા કરી હતી. આજે ૧૨૫ વર્ષ પછી પણ આ ચિત્ર વાન ગૉગના મહત્ત્વપૂર્ણ ચિત્રોમાં સ્થાન પામે છે. ધુમાડાથી કાળી પડતી દીવાલોવાળા ઓરડામાં એક ટેબલની આસપાસ બેઠેલા પાંચમાંથી ચારના ચહેરા દેખાય છે. એ ચિત્રમાં એટલા મર્યાદિત રંગો છે કે તેે પ્રથમ દૃષ્ટિએ મોનોક્રોમેટિક (એકરંગી) લાગે.
વાન ગૉગે પત્રમાં લખ્યું છે, એ ખેતમજૂરોના ચહેરા પર પહેલા કરેલા રંગો મેં બદલી નાખ્યા છે. હું ઇચ્છું છું કે તેમના ચહેરા પર એ જ રંગ દેખાય જે જમીન ખોદીને કાઢેલા માટી મેલા બટાકાનો હોય છે. જ્યાં ફ્રાંસવા મિલે કહે છે કે ખેત મજૂરોની ત્વચાનો રંગ તેઓ જે માટીમાં કામ કરે છે એના જેવો જ હોય છે. ખેત મજૂરોને કામ કરતા જોઈને તેમની આ વાત મને હંમેશા યાદ આવે છે.
ગ્રામ્ય જીવન તથા મહેનતુ ખેડૂતોના જીવનના યથાર્થની અભિવ્યક્તિ માટે જ વાન ગૉગે એ ચિત્રમાં ચહેરા ખરબચડા અને હાથ કસાયેલા બનાવ્યા. ભૂખરો રંગ વેર્યો. વાન ગૉગ ચિત્રના જોનારને ભરોસો અપાવવા માગતા હતા કે છાબડીમાં બટાકા ભરનારા આ જ હાથ વડે ધરતીની છાતી ચીરાઈ છે.
વિન્સેન્ટ બેલ્જિયમના ચિત્રકાર ડી ગૂ્રના પ્રશંસક હતા. તેમના પેઇન્ટિંગ ધ બ્લેસિંગ બિફોર સપરમાંથી પ્રેરણા મેળવીને વાન ગૉગે પોટેટો ઇટર્સ ચિત્ર બનાવ્યું હતું. હાલ તે એમ્સ્ટર્ડમના મ્યુઝિયમમાં રાખવામાં આવ્યું છે. તેમણે પહેલા પોટેટો ઇટર્સનો લિથોગ્રાફ તૈયાર કર્યો હતો.
વાન ગૉગના જીવનના ઉતાર-ચઢાવ, કલાકાર તરીકેની તેમની નિસબત, તેમનો ઉદ્દેશ, કલાના સિદ્ધાંતો પરના તેમના વિચારો, પોતાનો સમય, સમાજ, ખાસ કરીને ગરીબ, શ્રમિક અને કુદરત વિશેનો તેમનો દૃષ્ટિકોણ સમજવા તેમનું વિશાળ પત્ર સાહિત્ય કામ લાગી શકે છે. તેમના ૯૦૩ પત્ર હાલ સચવાયેલા છે. ૮૨૦ પત્રો તેમણે પોતે લખેલા છે અને તેમાંથી ૬૫૦ ખુદ થિયોને લખેલા છે. બાકીના પત્રો વિલેમિના, ચિત્રકાર મિત્ર ગૉગાં, વેન રેપાર્ડ, એમિલ બર્નાર્ડ અને સંબંધિઓના છે. બાકીના પત્રો એ છે જે અન્યોએ વિન્સેન્ટને લખ્યા હોય.
તેમના પત્રો અને ચિત્રો પર ખૂબ સંશોધન થયું છે, થઈ રહ્યું છે. તેમના પર ઘણા બધા પુસ્તકો અને ફિલ્મો પણ છે. ઘણી બધી દંતકથાઓ પણ છે. જેમ કે જીવનપર્યંત તેમની કેવળ એક જ પેઇન્ટિંગ વેચાઈ હતી. એક વેશ્યાએ તેમના કાનની પ્રશંસા કરી તો તેણે પોતાનો કાન કાપીને તેને ભેટમાં આપી દીધો.
તેમને જેન્થોપિસિયા એટલે કે એવો દૃષ્ટિ દોષ હતો, જેમાં રોગીને બધું જ પીળું દેખાય છે. કેટલીક દવા કંપનીઓ દંતકથાઓનો સહારો લઈને આંચકીની દવાના બ્રોશર પર વાન ગૉગનું સેલ્ફ પોર્ટેટ છાપવા લાગી હતી. અત્યારે સેંકડો એવી કંપનીઓ છે જે વાન ગૉગની પેઇન્ટિંગ્સ હોંશે હોંશે ગિફ્ટ કરે છે.
એ વાત સાચી છે કે વાન ગૉગ માનસિક અસ્વસ્થ હતા. જીવનના અંતિમ વર્ષો તેમણે મેન્ટલ હૉસ્પિટલમાં વિતાવેલા, પણ એ વાત જરાય સાચી નથી કે તેઓ આંચકીના પેશન્ટ હતા. તેમણે વેશ્યાને કાન કાપીને ગિફ્ટ નહોતો કર્યો, સહચિત્રકાર પોલ ગૉગાં સાથેના ઝઘડામાં એક કાન ગુમાવી દીધો હતો. તેમના ચિત્રોમાં અધિકતર જોવા મળતી પીળા રંગની આભા દૃષ્ટિ દોષને કારણે નહીં, સમય તથા વિચારસરણીમાં બદલાવનું પરિણામ છે.
કલાવિદ્ લિઝા મર્ડાર કહે છે કે વાન ગૉગ જીવ્યા ત્યાં સુધીમાં તેમનું એક જ ચિત્ર વેચાયું તે વાત ખોટી છે. તેમના ચિત્રો જરૂર ઓછા વેચાયા છે, કેમ કે તેમને મૃત્યુના માત્ર બે વર્ષ પહેલા લોકપ્રિયતા હાંસલ થઈ. તેના કાકાએ તેને ૧૯ ચિત્રો બનાવવાનો ઑર્ડર આપેલો. તેઓ બ્રશ અને ભોજન ખરીદવા ચિત્રોનો પૈસા તરીકે ઉપયોગ કરતા હતા. એ સમયમાં નવા ઊગતા ચિત્રકારોમાં આ બાબત સામાન્ય હતી. તેમના એકથી વધુ ચિત્રો વેચાયા હોવાનું ઑન રેકોર્ડ છે.
પોટેટો ઇટર્સના ઝાંખા રંગોથી લઈને ધ સ્ટારી નાઇટ્સ અને બેડરૂમ ઇન આર્લના ભડકીલા પીળા, વાદળી, લાલ અને લીલા રંગો એક ચિત્રકાર તરીકે વાન ગૉગનો વિકાસ તો સૂચવે જ છે સાથોસાથ એ પણ દર્શાવે છે કે કલા ક્ષેત્રે પરિવર્તન લાવવા તેઓ કેટલી મોટી જીદ્દ લઈને બેઠા હતા.
વાસ્તવિક રંગો કરતા જુદા રંગોનો ઉપયોગ કરવાનું ત્યારે ચલણ નહોતું, વાન ગૉગે તે શરૂ કર્યું. તેમણે કહેલું, આવેગ અને સંવેદનાને વધુ મજબૂતીથી અભિવ્યક્ત કરવા હું જે દેખાય છે તે દોરવાને બદલે મને ગમે તે કલર્સનો ઉપયોગ કરું છું. સૂરજમુખી શ્રેણીના ચિત્રોમાં પીળા રંગના એકાધિક શેડ્સ મળે છે. ધ સ્ટારી નાઇટ્સ, ધ સોઅર, ધ યલો હાઉસ અને કેફે ટેરેસ એટ નાઇટ પણ યાદ કરી શકાય.
૧૮૮૮માં વાન ગૉગ આર્લ આવ્યા. તેમણે પોલ ગૉગા સાથે કામ કરવાનું નક્કી કર્યું. ગૉગા પણ આર્લ આવવા રાજી થયા. તેઓ યલો હાઉસમાં રહેતા હતા. ગૉગાનો આભાર વ્યક્ત કરવા વાન ગૉગે યલો હાઉસને સૂરજમુખીના ચિત્રોથી સજાવી દીધું. કુલ ૧૫ ચિત્રો દોર્યા. સૂર્યમુખી એટલા માટે કેમ કે તે સૂરજનો પીછો કરે છે. વાન ગૉગ સ્વયંને સૂર્યમૂખી અને ગોગાને સૂર્ય માનતા હતા.
ઘણા કલાકારો સ્ટારી નાઇટને વાન ગૉગની પ્રતિભાની ચરમસીમા માને છે. આ ચિત્ર તેમણે મેન્ટલ હૉસ્પિટલમાં સારવાર મેળવવા દરમિયાન શરૂ કરેલું બહાર નીકળીને પૂરું કર્યું. તેમાં જે રીતે ઘુમાવદાર સ્ટ્રોક અને લહેરાતી રેખાઓનો ઉપયોગ કર્યો છે તે વાન ગૉગની તે સમયની અસ્વસ્થ મનોદશા હોવાનું અર્થઘટન કરવામાં આવે છે. કાળા, વાદળી, પીળા રંગના શેડ્સ અને સંતુલન અને અસ્તવ્યસ્તતાની વચ્ચે સુખદ ઠહેરાવનો બોધ કરાવે છે.
તેમના ચિત્રો જણાવે છે કે તેઓ દયાળું, ઉત્સાહી, સંવેદનશીલ, ઇમાનદાર અને ખંતીલા માણસ હતા. તેઓ દુનિયાને જુદી નજરથી જોતા હતા. તેમની સૌપ્રથમ સરાહના કરનારા સમીક્ષક જી. એબ્લેયરે કહેલું, તેમના જેવા મનુષ્યો ક્યારેય મરતા નથી. માનવજાતિ રહેશે ત્યાં સુધી તેમનું નામ જળવાઈ રહેશે.
આજે ૧૨૫ વર્ષ પછી પણ વાનગૉગના ચિત્રોમાંથી નવા-નવા અર્થો શોધવાનું કાર્ય ચાલુ છે અને આપણે ત્યાં ચિત્રકારોને એવી સલાહ અપાય છે કે કંઈક સમજાય એવું દોરોને!?
આજની નવી જોક
છગન (લીલીને): આ શું લગાવ્યું છે મોં પર?
લીલીઃ મુલતાની માટી.
છગન (રાતોપીળો થઈને): પાકિસ્તાન જતી રહે.
લીલીઃ કેમ આટલો ગુસ્સો કરો છો?
છગનઃ પાકિસ્તાની શહેરની માટી તું તારા ચહેરા પર કઈ રીતે લગાવી શકે?
from Editorial News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2WCXn99
No comments:
Post a Comment