જાહેરમાં ઓકે એને ભલા કોણ રોકે - E-News Network (Gujarati)

Breaking

Home Top Ad

Post Top Ad

Tuesday, 2 April 2019

જાહેરમાં ઓકે એને ભલા કોણ રોકે

ઉલ્ટી હો ગઈ સબ તદબીરે... બીમારીએ દિલને ક્યા કામ કિયા... નાતના જમણવાર પછી કોણ જાણે ફૂડ પોઈજનિંગ થવાથી બધા ઉલ્ટીઓ કરવા માંડયો ઓ...ક ઓ...ક કરતા ઓકવા માંડયા. તાબડતોબ એમ્બ્યુલન્સમાં નવ-દસ જણને સરકારી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા. ત્યાં પણ આ બધાનું ઓકવાનું ચાલુ જ હતું. ફરજ પરના ડૉકટરો અને નર્સોએ તાબડતોબ દવા-ઈન્જેકશન આપ્યા. ગ્લુકોઝના બાટલા ચડાવ્યા અને લગભગ બે કલાકે ઈલાજની અસર થતા ઓકવાનું બંધ થયું. 

હોસ્પિટલના સુપરિન્ટેન્ડન્ટ દોડાદોડ રાઉન્ડમાં આવ્યા અને ખાટલાવશ ફૂડ પોઈઝનિંગના પેશન્ટોને તપાસી હેડ નર્સને પૂછ્યું કે બધા ઓ.કે.છેને?' નર્સે હસીને કહ્યું સાહેબ હવે ક્યાં ઓકે છે? ઓકવા માંડયા એટલે તો હોસ્પિટલમાં લાવવા પડયા. હવે ઓકવાનું બંધ થયું તોય સાહેબ તમે કહો છો બધા ઓકે છે?'

હું અને પથુકાકા પણ એક ઓકતા પેશન્ટની ખબર કાઢવા ગયા હતા. એટલે ડૉકટર અને નર્સ વચ્ચેનો ઓકે... ઓકે નો સંવાદ સાંભળી પથુકાકાએ ડબકું મૂકતા કહ્યું કે 'ડૉકટર સાહેબ જે દરદી ઓકે એને હોસ્પિટલવાળા દવા આપીને રોકે, પણ ચૂંટણી નજીક આવતા આ બધા જાહેરમાં ઓકે એને કોણ રોકે?'

રમૂજી ડૉકટર ખડખડાટ હસીને બોલ્યા કે 'ચૂંટણીના આ અવસરને એટલે જ હું તો ઓકે-ઝન કહું છું ઓકે-ઝન. બધા નેતાઓ નીકળી પડે છે જાહેરમાં એકબીજા પર ઓકવા. બેફામ આક્ષેપો અને બેલગામ ગાળાગાળી કરીને ઓકે એને કોણ રોકે?'

પથુકાકા કહે કે 'જનતાની કોઈને નથી દરકાર... બસ  બધાને બનાવવી છે સરકાર.  આ ભાણિયાઓ માઈકમાં ગળા ફાડી ફાડીને એકબીજા પર ઉલટસુલટ આક્ષેપોની ઉલ્ટીઓ  કરે છે.  એટલે જ હું તો આ ચૂંટણી પ્રચારની મિટિંગને શું કહું છું ખબર છેને? આ મિટિંગ નહીં વો-મિટિંગ કહેવાય વો-મિટિંગ'

હું અને કાકા હોસ્પિટલમાંથી બહાર નીકળ્યા ત્યાં ફેરિયાઓને હારબંધ બેસવા માટે  સુધરાઈએ વ્યવસ્થા કરેલી. લાલ અક્ષરે બોર્ડ માર્યું હતું 'હોકર્સ ઝોન,' આ વાંચીને પથુકાકાના દિમાગમાં વળી કંઈક નવો ફણગો ફૂટયો.

તરત બોલી ઉઠયા કે જ્યાં ફેરિયાઓ બેસે એને હોકર્સ ઝોન કહેવાય એમ જ્યાં ચૂંટણી સભા યોજાય ત્યાં  મંચ ઉપર ચડી ચડી નેતાઓ માઈકમાં ઓકતા હો. એ વિસ્તારને 'ઓકર્સ' ઝોન કહેવાય કે નહીં? ફેરિયાને અંગ્રેજીમાં કહેવાય હોકર તો આ ઓકવાવાળાને ગુજરેજીમાં 'ઓકર' કહેવાયને?'

મેં કાકાને કહ્યું કે આપણે હોસ્પિટલમાં જોયું ને? ખોરાકી ઝેરની અસર થાય એ માણસ ઓકવા માંડે ઓકવા. પણ રાજકારણીઓને શું બીમારી છે ખબર છે? જેવી ચૂંટણી નજીક આવે ત્યારે ઝેર ઓકવા માંડે ઝેર.'

કાકા બોલ્યા મને ઓકવા ઉપરથી વાત યાદ આવી.  લગ્ન કરી વહુરાણી ઘરમાં આવે. ઠરીઠામ થાય અને પછી દોઢ બે વરસ થાય ત્યારે  જેવાં ઉબકા આવવા માંડે કે ઉલ્ટી થાય ત્યારે ચીબાવલી નણંદુ કે પંચાતણી પાડોશણો પૂછવા માંડે ભાભી... ગુડ ન્યુઝ છેને ગુડ ન્યુઝ... શરમાતા નહીં હો... ગુડ ન્યુઝ આપજો હો... આમ ઓકવાની શરૂઆત થાય એટલે સહુ સારા સમાચારની આશા રાખે. પણ ચૂંટણીના માહોલમાં  આ રાજકારણીઓ એકબીજા પર સતત ઓકતા રહે છે છતાં ભાગ્યે જ ગુડ-ન્યુઝ મળે છે.

એક જમાનો હતો જ્યારે ચૂંટણી વખતે જે  ભાષણો ફફડાવવામાં આવતા એનુંય એક સ્તર હતું. સાવ અધમ કક્ષાએ ન ઉતરી જતા આજની જેમ. કચ્છમાં મારાજ અટકધારી નેતા હતા. એમના તો ભાષણ સાંભળવા રીતસર ભીડ જામતી. શબ્દોની પણ એવી રમત કરે કે મજા આવી જાય.  મારા બાપુજી સૌરાષ્ટ્ર ગવર્નમેન્ટમાં હતા એમની પાસેથી સાંભળેલો કિસ્સો છે. એક જાહેરસભામાં આ ભાષણ સમ્રાટ મંચ પર ચડયા અને મશીનગનમાંથી ધડાધડ ગોળીઓ છૂટે  એમ શબ્દબાણ છોડવા માંડયા.

પછી કહે કે 'આ વિરોધ પક્ષના નેતાઓની માને... સત્તાધારી પક્ષના નેતાઓની માને... લોકલ નેતાઓની માને... શું કહું? સભામાં હલચલ મચી ગઈ કે આ ભાઈ શું બોલે છે? આની માને અને ઓલાની માને... એટલે મંચ પર બેઠેલા કોઈએ ટપાર્યા  કે આ શું બોલો છો? ત્યારે એમણે ફોડ પાડીને કહ્યું કે 'હું કોઈની માને ગાળો થોડો જ દઊં છું? હું તો કહું છું કે આ જનતા છેને? ઈ વિરોધ પક્ષના  નેતાની વાત માને, સત્તાધારી પક્ષના નેતાની વાત માને પણ  મારી જેવા સાચા માણસની વાત ન માને, જો તારી માને તો બેડો પાર થઈ જાય.' આ સાંભળતાની સાથે  સહુએ તાળીઓના ગડગડાટથી વધાવી લીધા અને સભામાં હાસ્યનું મોજું ફરી વળ્યું.'

અત્યારે તો બસ વામન નેતાઓ બેફામ વમનમાંથી ઊંચા નથી આવતા. મેં સાંભળ્યું છે કે વિદેશમાં મહિલાઓમાં સ્લીમ બોડી જાળવવાનો ગજબનો ક્રેઝ ચાલે છે. પણ મોટી મોટી પાર્ટીઓમાં જાય ત્યારે ટેસથી પેટ ભરીને ખાધા વગર ચાલે જ નહીં. એટલે શું કરે ખબર છે? વિદેશના નજરે જોયેલો કિસ્સો સંભળાવું. આ આવી સાંઠીકડા જેવી સ્લીમ કન્યાઓ કોકટેલ પાર્ટીમાં ખૂબ દારૂ ઢીંચી  અને ભરપેટ  ખાઈને પાર્ટી હોલમાંથી  મોડી મોડી બહાર આવી. પછી કંઈક ગોળી ખાધી અને વોશરૂમમાં  જઈ વારાફરતી ઉલ્ટી કરવા માંડી.

એક પછી એક પાતળી યુવતીઓ  વોશરૂમમાં ગઈ અને જે કંઈ ખાધુ હતું જે કંઈ પીધું હતું એ બધું ઉલ્ટી કરીને કાઢી નાખી હળવી થઈ બહાર આવી. એટલે શું છે કે જે કંઈ પેટ ભરીને ખાધું હોય તેની પાચનની પ્રક્રિયા  શરૂ થાય એ પહેલાં જ ઓકી નાંખે. એટલે પછી ચરબી કે વજન વધવાનો સવાલ જ ન રહેને? આપણે ત્યાં  'મેં ભી ચોકીદાર'નો નારો કાને પડે છે એમ આ બધી ઓક-નારી નારીને જોઈ મને મનમાં થયું કે  આ બધીયુએ ઓકી ઓકીને નવો નારો લગાવવો  જોઈએ કે મેં ભી ઓકી-દાર...

પથુકાકાને આ કિસ્સો સંભળાવ્યો ત્યારે  એમણે ચોક્કસપાર્ટીનું નિશાન સાધીને કહ્યું કે  આપણે ત્યાં  પણ કોકટેલ પાર્ટી નહીં પણ  કરપ્ટ જે  પાર્ટીમાં  હોય એ ઉભે ગળે  ખાતા હોય છે... ખાઈકી કરતા હોય છે અને જ્યારે ચૂંટણી આવે ત્યારે  પછી સામે વાળા પર બધું ઓક્તા હોય છે, ખરૂંનેય ઓકે એને કોણ રોકે? મને તો થાય છે કે  આને લોક-શાહી કહેવાય કે પછી ઓક-શાહી?'

મેં કહ્યું કાકા તમારી વાત પરથી મને પંચ-લાઈના સૂજી છે સાંભળોઃ

વામન નેતાઓ ખાઈકી કરી

પહેલાં કરે અમનચમન

અને પછી ચૂંટણી આવતા 

એજ વામન કરે વમન.

મારી વાત સાંભળી ખડખડાટ હસી પડતા કાકા બોલ્યા સત્તા પર હોય એ કરે મન કી બાત અને વિરોધ પક્ષમાં હોય એ કરે વ-મન કી બાત...

ચૂંટણી નજીક આવેને ત્યારે સુધરાઈએ લગાડેલી સૂચનાઓ કોને સંબોધીને લખાયેલી છે? એ વિચાર આવે.  બધે લખેલું હોય છે કે 'જાહેરમાં ગંદકી કરવી નહીં.' પણ આપણે ત્યાં જાહેરમાં જ ગંદકી ઠલવાય છેને? 

પથુકાકા કહે છે કે ભારતની આગવી ઓળખ શું છે ખબર છેને? વિવિધતામાં એક્તા પણ હવે એમાં થોડો ફેરફાર કરીને કહી  શકાય કે વિવિધ રીતે ઓકતા.

અંત-વાણી

ખાતાં આવડે

એનું જ નસીબ મતવાલુ છે

સાત સાત દાયકાથી 

ઊભે ગળે ખાવા બુફે ચાલુ છે.

ચૂંટણી વખતે આચાર સંહિતા

ચૂંટણી પછી (પ્રજાની) લાચાર સંહિતા

આ દેશમાં લંચ, મંચ, પંચનું રાજકારણ ખેલાય છે ભોજનિયા રાજકારણીઓ કાવતરા કરે લંચથી, ઊંચે ચડે મંચથી અને પછી ખાય પછડાટ મતદારોના પંચ (પીયુએનસીએચ)થી.

સાવ વહેંતિયા જેવાં નેતાઓને નસીબને જોરે ઊંચે ચડતા જોઈને મનમાં થાય કેઃ

હવાઈ જાય ગાંઠિયા

હવાઈની જેમ ઊંચે જાય વાંઠિયા

ચૂંટણી પ્રચારમાં એકબીજાના લોચા બહાર પાડવામાંથી જ સહુ ઉંચા નથી આવતા. આ જોઈ કઈ સુરતી વાનગી યાદ આવે ખબર છે? લોચો. આ સાથે જ એક બાર મુસ્કુરા દો... ફિલ્મનું ગીત જરા ફેરવીને ગાવાનું મન થાય. મૂળ ગીતના શબ્દો છેઃ

ચહેરે સે જરા આંચલ

જબ આપને સરકાયા

દુનિયા યે પુકાર ઉઠી

લો ચાંદ નીકલ આયા

પણ જુદા જુદા કરપ્શનના લોચા બહાર આવતાજોઈઆ લો ચાંદ નીકળ આયા... એને બદલે લો---ચા નીકલ આયા... એમ ગાવું પડે.

ખુરશીપ્રેમી ખુરસીદાસજીનો દોહોઃ

કાગા ચૂન ચૂન ખાઈઓ

સબ તન ખાઈઓ માંસ

પર દો નૈના મત ખાઈઓ

મોહે કુર્સી દેખન કી આસ.

સગાવાદ અને દગાવાદના રાજકારણમાં  સગલાઓ જ લાભ ખાટી જતા હોય છે. એટલે  જ કહેવું  પડે કેઃ

જ્યાં જાય જમાઈ

ત્યાં બધું જાય જમાય.

વિપક્ષો ઓઢાડે છે આળ

જનતાની લેતું નથી કોઈ ભાળ

આને જ શું વિકાસ કહેવાય?

જ્યાં ડ્રાયફ્રુટના ભાવે વેંચાય દાળ?

લોકશાહીના રસોડે વાળુ છે

પછી કોણ કોને કહેવાવાળુ છે

ખબરદારી ખંખેરી સહુ માંડે ખાવા

અહીં સહુની દાળમાં કંઈક કાળું છે.

ઊંધે પાટે ચડાવે જે દેશને

તમેય પીછાણજો એ ઊંધિયાને 

આ બધા રાષ્ટ્રીય વાનગીમાં ફેરવશે

આપણાં સુરતી ઊંધિયાને.



from Editorial News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2HQ9MDr

No comments:

Post a Comment

Post Bottom Ad

Pages