યુદ્ધકેદી છાવણીમાં નાતાલની પાર્ટી યોજાઈ - E-News Network (Gujarati)

Breaking

Home Top Ad

Post Top Ad

Tuesday, 2 April 2019

યુદ્ધકેદી છાવણીમાં નાતાલની પાર્ટી યોજાઈ


પાકિસ્તાની લશ્કરના 93,૦૦૦ સૈનિકોને ભારતીય જાંબાઝોએ યુદ્ધકેદી બનાવ્યા હતા..

દિલીપ પરૂળકરે રાવલપિંડીથી પેશાવર થઈ અફઘાનિસ્તાન જવાનો પ્લાન વિચાર્યો

પરંતુ નાતાલની આ પાર્ટી એક સહજ અને સ્વાભાવિક રીતે યોજાયેલી પાર્ટી છે, એવું દેખાડવા માટે એ લોકોએ એવી વાત વહેતી મુકી કે ભારતીય યુધ્ધકેદીઓ પૈકીના વિંગ કમાન્ડર બર્નાર્ડ એન્થની અને ફ્લાઇંગ અફસર કે.સી. કુરૂવિલા ખ્રિસ્તી હોવાથી એ બન્નેના માનમાં અહીં નાતાલની પાર્ટી યોજાઇ છે.

ઉસ્માન હમીદે પાર્ટી માટે ખાસ કેક મંગાવી રાખી હતી અને સૌથી વરિષ્ઠ અધિકારી વિંગ કમાન્ડર બર્નાર્ડ એન્થનીના હાથે કેક કપાવી 'હેપ્પી ક્રિસ્મસ' ની ઊજવણી કરાઇ હતી.

રાવલપિંડીની આ યુધ્ધ કેદી છાવણીમાં ભારતીય હવાઇ દળના કુલ મળીને ૧૨ જાંબાઝ અફસરો હતા. નાતાલ પાર્ટી પર્છી તો કેદી છાવણીમાં ઘણી છૂટછાટો અપાવા માંડી. શિયાળાની ઠંડી સવારના સમયે કેદીઓને તેમની કોટડીમાંથી થોડો વખત બહાર ખુલ્લા તડકામાં હરવા ફરવાની અને બેસવાની છૂટ અપાઇ. સાંજના સુમારે કયારેક ક્યારેક તેમને વોલીબોલ રમવાની સગવડ પણ અપાવા માંડી.

ભારતીય જાંબાઝોને આ બધાથી આશ્ચર્ય જરૂર થતું, પણ પાક. અફસરો તેમના પર આટલા બધા કેમ વરસી પડે છે તેની કોઇ ચોક્કસ બાતમી નહોતી. જો કે બહુ પાછળથી તેમને ખબર પડી'તી કે ભારતે યુધ્ધમાં જીત મેળવી તે સમયે પૂર્વ પાકિસ્તાનનાં મોરચે (એટલે કે હાલના બાંગ્લાદેશ વિસ્તારમાં) પાક. લશ્કરના ૯૩,૦૦૦ જેટલા સૈનિકોને યુધ્ધકેદી બનાવીને રાખ્યા હતા.

હવે જો પાકિસ્તાન ગણ્યા ગાંઠયા ભારતીય યુધ્ધકેદીઓ પર જરા જેટલોય ત્રાસ ગુજારે તો પાકિસ્તાનના ૯૩,૦૦૦ સૈનિકોની ભારત કેવી દશા કરે? આ મહાપ્રશ્નના કારણે પાકિસ્તાનના લશ્કરી અફસરો કુણાં પડી ગયા હતા. તેઓ સુપેરે સમજી ચૂક્યા હતા કે હાલમાં તેમનો હાથ ભારતના લોખંડી પંજામાં બંદીવાન છે, તેમની સ્હેજ અમસ્તી ગુસ્તાખી ૯૩,૦૦૦ જેટલા પાકિસ્તાની યુધ્ધકેદીઓને ભારે પડી જાય તેમ હતી.

એક દિવસ સવારના સમયની આ વાત છે. ૧૯૭૨ ના જાન્યુઆરી મહિનાના આખરી દિવસો દરમિયાન ભારતીય યુધ્ધ કેદીઓ શિયાળાની ઠંડીમાં છાવણીની હરિયાળી લોન પર ખુલ્લા તડકામાં હૂંફ મેળવતા બેઠા હતા તેવામાં દિલીપ પરૂળકરે હળવેથી પોતાના મનની વાત ખુલ્લી કરતા કહ્યું, 'અહીંથી ભાગીને છટકી શકાય તેમ છે. મારી કોટડીની હવાબારીનો એક સળિયો જરા વળેલો છે, અને તે ઢીલો પણ થઇ ગયો છે.'

આ વાત આગળ વધારતા પહેલા એક આડવાત કરી લેવી જરૂરી છે. દિલીપ પરૂળકરને યુધ્ધ કેદી બનાવીને આ છાવણીમાં લવાયો ત્યારે શરૂઆતમાં તેને સાવ નાની અને એકેય હવાબારી વગરની કોટડીમાં રખાયો હતો. પરંતુ યુધ્ધ વિરામ પછી પાક અફસરો ઢીલા પડી ગયા અને યુધ્ધ કેદીઓ પ્રત્યેનો તેમનો વર્તાવ પણ ઘણો સુધરી ગયો તે સમયગાળા દરમિયાન દિલીપે કેમ્પ કમાન્ડન્ટ ઉસ્માન હમીદ સાથે અલપઝલપ વાતચીત કરતી વખતે હળવેથી એક પ્રસ્તાવ મુક્યો કે રૂમ નં.૫માં રહેતા ફલાઈંગ ઓફિસર વી.એસ.ચાતીને હજી જડબામાં દુઃખાવો રહે છે. અને બીજી કેટલીક ઈજાના ઘા પણ પુરા રૂઝાયા નથી. તેને કોઈની સહાયની જરૂર રહે છે.  હું તેની સેવા માટે તેની સાથે રહેવા તૈયાર છું.

ઉસ્માન હમીદે દિલીપની આ વાત સ્વીકારી લેતા દિલીપ તેની હવાબારી વિનાની કોટડીમાંથી વી.એસ.ચાતીને જ્યાં રખાયો હતો. એ રૂમ નં.૫માં રહેવા જતો રહ્યો. આ રૂમ દિલીપની કોટડી જેવો બંધિયાર નહોતો, આ રૂમમાં હવાબારી હતી, છત પર સીલિંગ ફેન પણ હતો અને શિયાળાની ઠંડી સામે રક્ષણ મેળવવા  'ફાયર પ્લેસ' પણ હતી.

વી.એસ.ચાતીની આ રૂમમાં રહેવા આવી ગયા પછી ઝીણવટભર્યા નિરીક્ષણ દરમ્યાન દિલીપે જોયું તો હવાબારીનો એક વળી ગયેલો સળિયો ઢીલો પડી ગયો હતો.

દિલીપે સવારના હુંફાળા તડકામાં બધા સાથે ગપ્પાગોષ્ઠી વેળા બારીના આ સળિયાની વળી કાઢી અને અહીંથી ભાગી છૂટવાનો પોતાનો મનસૂબો વ્યકત કરતાં બીજા યુધ્ધકેદીઓ ચોંકી ઊઠયા. લગભગ બધાને દિલીપનો આ વિચાર શેખચલ્લીના દિમાગી તુક્કા  જેવો લાગ્યો.

ચારેબાજુ કિલ્લેબંધ જેવી આ છાવણીમાંથી ભાગવાનું દિલીપ સિવાય બીજો કોઈને શક્ય જ ના લાગ્યું.

દિલીપના સાથી યુધ્ધકેદી એવા હવાઈદળના અન્ય પાયલોટોને લાગ્યું કે, ધારો કે અહીંથી ગમે તે રીતે હિંમત કરીને એક વખત છટકી પણ ગયા, પરંતુ પછી શું? રાવલપિંડીથી પૂર્વ તરફની લાઈન ઓફ કન્ટ્રોલ અર્થાત્ અંકુશ રેખા લગભગ ૮૦ કિલોમિટર દૂર હતી. વચ્ચેના વિસ્તારમાં પાકિસ્તાન લશ્કરની ઘણી બધી છાવણીઓ અને ચેકપોસ્ટ હશે તે પાર કરીને ભારતની સરહદ સુધી કઈ રીતે પહોંચાય? અંકુશ રેખા નજીકના વિસ્તારમાં પાકિસ્તાની લશ્કરે કદાચ સુરંગો પણ દાટી હશે.

બીજો ભય એવો હતો કે ભારતીય સરહદમાં છુપાઈને પ્રવેશતી વેળા આપણા સતર્ક જવાનો અમને પાકના ઘૂસણખોરો સમજીને શૂટ પણ કરી નાંખે અને ત્રીજું મોટું જોખમ એ હતું કે અહીની કેદી છાવણીમાંથી ભાગીએ એટલે થોડીવારમાં જ પાક અફસરોને ખબર પડી જાય કે કેટલાક કેદીઓ અહીંથી ભાગ્યા છે.

તેઓ તાબડતોબ અમારી શોધખોળ માટે અમારી પાછળ સૈનિકો દોડાવે. એમનાથી છુપાઈને ભારતીય સીમા સુધી પહોંચવાનું મુશ્કેલ બની જાય, પણ આ બધા જોખમો કે ભયસ્થાનોની વાત દિલીપ પરૂળકરના નિર્ધારને સ્હેજ પણ ડગાવી શકે તેવી ન હોતી.

યુધ્ધ કેદીની છાવણીમાંથી ભાગી છૂટવાના પોતાના નિર્ધારમાં દિલીપ હિમાલય જેવો અડીખમ હતો.

દિલીપે મનમાં વિચાર્યું કે છાવણીમાંથી પૂર્વ તરફ ભાગવાને બદલે વિરૂધ્ધ દિશામાં એટલે કે પશ્ચિમ દિશામાં ભાગીને પેશાવર થઈ તે સમયના ભારતના મિત્ર દેશ અફઘાનિસ્તાનમાં જતું રહેવાનું અને ત્યાંથી તો પછી ભારત જવાનું જરાય અઘરૂં ન હોતું.

દિલીપ હવે રાવલપિંડીથી પેશાવર સુધી પહોંચવાના રસ્તા વિશે વિચારવા માંડયો. અહીંની છાવણીમાંથી ભાગીને પેશાવર કઈરીતે જવું તે રસ્તા વિશે જો માહિતી મળી જાય તો પછી આગળનો પ્લાન ઘડવાનું કામ સરળ થઈ જાય.

નાતાલના તહેવાર નિમિત્તેની ક્રિસ્મસ પાર્ટી પછી તો કેદી છાવણીના કેદીઓની સ્થિતિમાં ઓર વધારે સુધારો આવી ગયો. દરેક કેદીને કોટન-ઊન મિશ્રિત કાપડના લાંબી બાંયના શર્ટ અને પેન્ટ ઉપરાંત ઓલિવ ગ્રીન કલરના સ્વેટર અપાયા. શિયાળાની ઠંડીમાં ભારતીય યુધ્ધ કેદીઓને આ નવા કપડાં અને સ્વેટરથી મોટી રાહત થઇ ગઇ.

હવે કોઇની કશી પૂછપરછ તો કરાતી જ નહોતી. એટલે કેમ્પના સેકન્ડ-ઇન-કમાન્ડ ગણાતા માસ્ટર વોરન્ટ ઓફિસર રીઝવીએ ભારતીય કેદીઓને પોતાની મર્યાદામાં રહીને આપી શકાય એટલી સવલતો આપવા માંડી. રીઝવીએ દરેક કેદીને નવા ટુથબ્રશ અને ટુવાલ આપ્યા. જો કે આ પાક. અફસરે કોઇને રેઝર આપ્યા ન હોતા. રીઝવીએ અગાઉ ફલાઇટ લેફટનન્ટ તેજવંત સિંઘને શીખો પહેરે છે તેવી ટિપિકલ સફેદ પાઘડી પણ લાવી આપી હતી.

એક દિવસ વાતવાતમાં વિંગ કમાન્ડર બી.એ. કોએલ્હોને પાક. અફસર રીઝવી સાથે અચાનક જૂની ઓળખાણ નીકળી.

બધા ભારતીય યુધ્ધકેદીઓ સાથે બેસીને ટોળટપ્પા કરતા હતા. તેવામાં માસ્ટર વોરન્ટ ઓફિસર રીઝવી ત્યાં આવી ચઢ્યા. તેઓ પણ વાતોમાં જોડાયા. રીઝવીએ કહ્યું, ''ભારત-પાકના ભાગલા પડયા તે પહેલા હું રોયલ ઇન્ડિયન એરફોર્સમાં હતો. મારૂં મૂળ વતન કાનપુર છે.''

આટલું કહ્યા પછી કોએલ્હો તરફ નજર કરતા રીઝવીએ વાત આગળ ચલાવી, તે વખતે મેં કોએલ્હોનું નામ સાંભળ્યું હતું. મારા ફાધર બ્રિટિશ આર્મીમાં હતા અને તેઓ વારંવાર બ્રિગેડિયર કોએલ્હોના નામનો ઉલ્લેખ કરતા હતા.



from Editorial News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2HRTgm7

No comments:

Post a Comment

Post Bottom Ad

Pages