
- ક્રિકેટ સટ્ટાના શોખીન બિલ્ડરનું મિત્રએ અપહરણ કરી ઓનલાઇન સટ્ટો રમવા પોતાનો બ્લોક આઇ.ડી ચાલુ કરવા દબાણ કરી રૂા.૫ લાખ માગ્યા
- સટ્ટામાં રૂા.૨ લાખ હારી જતા બુકીએ આઇ.ડી બ્લોક કરી દેતા પાંડેસરાના મોન્ટુ માલીયાએ બિલ્ડરનું કારમાં અપહરણ કરી સિટીમાં વિવિધ સ્થળે ફેરવ્યો
(પ્રતિનિધિ દ્વારા) સુરત, તા. 10 એપ્રિલ 2019, બુધવાર
ક્રિકેટ સટ્ટાના શોખીન અલથાણના બિલ્ડરનું તેના જ મિત્ર એ કારમાં અપહરણ કરી ઓનલાઇન બેટિંગ સાઇટ ઉપર સટ્ટો રમવા માટે આઈડી, પાસવર્ડ આપવ દબાણ કર્યું હતું અને રૂ.૫ લાખની પણ માંગણી કરી તેને કારમાં સુરતના જુદા જુદા વિસ્તારમાં ફેરવ્યો હતો. બિલ્ડરે પૈસાની વ્યવસ્થા કરવા પોતાના ભાઇને ફોન કરતાં તેણે ખટોદરા પોલીસનો સંપર્ક કર્યો હતો અને પોલીસે પૈસા લેવા આવેલા બિલ્ડરના મિત્રને ઝડપી લીધો હતો.
પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ અલથાણ ગાર્ડનની બાજુમાં પરષોત્તમ નગર ઘર નં. એ/૪ માં રહેતા અને ક્રિકેટ સટ્ટાના શોખીન ૩૫ વર્ષીય બિલ્ડર અનિલ ચંદ્રકાંતભાઈ ઠાકુર કેટલાક સમયથી ઘોડદોડના મિત્ર બંટી અને અન્ય મિત્રો સાથે ક્રિકેટ સટ્ટો રમી રહયા છે. દરમિયાન મિત્ર મિત્ર હેપ્પી મલિકે બે વર્ષ અગાઉ તેમની ઓળખાણ પાંડેસરાનો ભોલા સાથે કરાવી હતી. ભોલાને અવારનવાર રૂપાલી નહેર પાસે બજાજ શો-રૂમમાં મળવા જતા અનિલ ઠાકુરની ઓળખ ભોલાએ પાંડેસરાના મિત્ર મોન્ટુ માલીયા સાથે કરાવી હતી.
મોન્ટુએ હાલમાં આઇપીએલની મેચ પર સટ્ટો રમવા સુપર નાઇન વેબસાઇટનો આઇ.ડી., પાસવર્ડ અનિલ ઠાકુર પાસેથી ખરીદયો પણ રૂા.૨ લાખ હારી જતા લિમિટી પુર્ણ થતા અનિલ અને મુખ્ય બુકી પંકજ વરાછાવાળાએ તેનો આઇ.ડી બંધ કરી દીધો હતો. કાલે સાંજે ૬ વાગ્યે મોન્ટુએ કોલ કરીને અનિલને અલથાણ ગામ ઉમિયા પાન પાસે બોલાવી અન્ય એક વ્યક્તિની મદદથી કામ છે કહીને કારમાં બેસાડી દીધા હતા.
ત્યારબાદ મોન્ટુએ, તે મારી આઇડી કેમ બંધ કરી દીધી છે ? પુછતા તેને હીકકત જણાવી હતી. પણ મોન્ટુએ તું મને રૂા.૫ લાખ આપી દે મારી આઇ.ડી ચાલુ કરી દે નહી તો તને જવા નહી દઉં કહીને કાર વેસુ તરફ દોડાવી વિવિધ વિસ્તારમાં ફેરવવા લાગ્યો હતો. તે અંગે અનિલે પુછતા મોન્ટુએ કડક શબ્દોમાં કહી દીધું કે, તું મને પૈસા નહીં આપે ત્યાં સુધી હું તને ગાડીમાંથી ઉતરવા નહીં દઉં, તું તારા ઘરે ફોન કરીને પૈસાની વ્યવસ્થા કરાવ. અનિલે નાનાભાઇ આશિષને કોલ કરીને મોન્ટુંએ તેમનું અપહરણ કર્યું છે અને રૂા.૫ લાખ માંગે છે અને કારમાં ફેરવે છે કહીને પૈસાની વ્યવસ્થા કરવા કહયું હતું. આશિષે અડધો કલાકમાં પૈસાની વ્યવસ્થા કરી દઇશ કરી અલથાણ ગાર્ડન પાસે આવી જવા કહયુ હતું.
ત્યારબાદ તુરંત ખટોદરા પોલીસનો સંપર્ક કર્યો હતો. અને મોન્ટુ અનિલભાઈ ને ચોક બજાર બાજુથી અમરોલી થઈ સ્ટેશન રોડ થઈ અલથાણ પહોંચ્યો હતો. પરંતુ પોલીસ હોવાની જાણ થતાં તેણે કાર બજાર તરફ ભગાવી હતી. પરંતુ પોલીસે તેનો પીછો કરી ઝડપી પાડી ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.
મોન્ટુ માલીયો રીઢો ગુનેગાર, ઉડીયાઓ વચ્ચે ચાલતી ગેંગવોરમાં પીતાંબર ગેંગનો સાગરીત
મોન્ટુ માલીયા ઉર્ફે સરોજ સુભાષ મહંતો ઉપરાંત તેના બે સાગરીતો વેસુ મુક્તાનંદ સોસાયટીમાં રહેતા ચંદન સત્યવાન પુષ્ટિ અને પાંડેસરા ગુજરાત હાઉસિંગ બોર્ડ હરિઓમ નગરમાં રહેતા સીબુ પટેલની ખટોદરા પોલીસે ધરપકડ કરી હતી. મોન્ટુ માલીયો રીઢો ગુનેગાર હોવાનું જાણવા મળ્યું છે. પાંડેસરા વિસ્તારમાં ઉડીયાઓ વચ્ચે ચાલતી ગેંગવોરમાં સક્રિય પીતાંબર ગેંગનો સાગરીત મોન્ટુ માલીયો થોડા સમય અગાઉ શંભુ શેટ્ટીની હત્યામાં ઝડપાયો હતો અને તેમાં જામીન પર છૂટયા બાદ ક્રિકેટના સટ્ટામાં તેણે બિલ્ડરનું અપહરણ કર્યું હતું.
બુકીઓના નામ બહાર આવ્યા પણ પુરાવા ન મળતા ગુનો નોંધાયો નહી
બિલ્ડર અનિલભાઈ ઠાકુરના અપહરણ પ્રકરણમાં ખટોદરા પોલીસની તપાસમાં બુકી પંકજભાઈ વરાછાવાળા, ઘોડદોડ રોડના બન્ટી અને અન્યોના નામ બહાર આવ્યા હતા. બુકીઓના નામ બહાર આવતા તે અંગે ગુનો નોંધવા માટે ખટોદરા પોલીસે ઉચ્ચ અધિકારીઓનો અભિપ્રાય માંગ્યો હતો. પરંતુ યોગ્ય પુરાવા નહીં મળતા ગુનો નહીં નોંધ્યો હોવાનું જાણવા મળ્યું છે.
from Surat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2Pb98Bj
No comments:
Post a Comment