
- દેશના ટુકડા કરનારા રાષ્ટ્રદ્રોહી કહેવાય પણ કોંગ્રેસ રાષ્ટ્રદ્રોહનો કાયદો કાઢી નાંખવા માંગે છેઃ દેશના ટુકડા કરનારા રાષ્ટ્રદ્રોહી કહેવાય
- આતંકવાદના મૂળિયા ઉખેડવાની મારી કામગીરી અંગે પુરાવા માંગીને કોંગ્રેસ પાકિસ્તાનને સમર્થન જેવી વાત કરે છે
- કોંગ્રેસ પાર્ટી અને એક પરિવારને સરદાર સાહેબ આંખના કણાની જેમ ખૂંચતા હતા, મોરારજી દેસાઇને પણ હેરાન કર્યા હવે મને પણ સ્વીકાર કરી શકતા નથી
સુરત-વ્યારા, તા. 10 એપ્રિલ 2019, બુધવાર
મહાત્મા ગાંધી અને સરદાર પટેલની આ ધરતી પર લાંબા સમયથી દેશ અને દુનિયાને આગવી દિશામાં લઇ જવામાં સફળ થઇ છે. સરદાર સાહેબે આ દેશ માટે જે વિચાર્યું તે રસ્તો આઝાદી બાદ બરોબર પકડી રાખ્યો હોત તો આજે હિન્દુસ્તાન ક્યાંથી ક્યાં પહોંચી શક્યું હોત. કાશ્મીરનો મુદ્દો સરદાર પટેલને બદલે નહેરુએ પોતાની પાસે રાખ્યો તેથી આજે જવાનોનું બલિદાન નિત્યક્રમ બની ગયો છે. પડોશમાંથી એક્સપોર્ટ થતો આતંકવાદ આવી રહયો છે. કોંગ્રેસે ચૂંટણી ઢંઢેરો બહાર પાડયો છે તે સરદાર પટેલના વિચારોથી તદ્દન વિપરીત છે એમ તાપી જિલ્લાના સોનગઢ ખાતે વિજય ટંકાર રેલીમાં કોંગ્રેસને આડેહાથ લેતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું.
રેલીમાં કોંગ્રેસ પર સતત પ્રહારો કરતા નરેન્દ્ર મોદીએ વધુમાં જણાવ્યું હતું કે, કોગ્રેસ પાર્ટી અને એક પરિવાર માટે સરદાર સાહેબ આંખના કણાંની જેમ ખુંચતા હતા. ત્યારબાદ તમે લોકોએ મોરારજી દેસાઈને મોકલ્યા તેમને પણ હેરાન કરાયા અને ત્યારબાદ તમે મને એક ચ્હાવાળાને મોકલ્યો તેનો પણ પેલા લોકો સ્વીકાર કરી શકતા નથી. તે લોકો મોદીને પતાવી દેવાની વાત કરે છે. પણ ૨૩મીએ પરિણામ આવશે ત્યારે ભાજપ ફરી સરકાર બનાવશે તેવો મારો ભરોસો છે.
સરદાર સાહેબ હોય તો કોંગ્રેસના ઢગોસલા પત્રને એક મિનિટ પર સ્વીકાર ન કરે. કાસ્મીરમાંથી સુરક્ષદલોને હટાવવા માટેનો કોંગ્રેસનો ચૂંટણી ઢંઢેરો છે. જે પાકિસ્તાન માંગે તે કોંગ્રેસ આપી શકે છે. દેશના ટુકડે-ટુકડા થઇ જાય તેવી ગેંગ છે તેના માટે કામ કરનારા દેશદ્રોહી-રાષ્ટ્રદ્રોહી કહવાય કે નહી ? તેવો પ્રશ્ન કરી મોદીએ ઉમેર્યું કે, કોંગ્રેસ આ જ રાષ્ટ્રદ્રોહનો કાયદો કાઢી નાંખવાની વાત કરે છે.
આજે આપણે જે પગલા લીધા છે તેથી દેશની જનતા ચોકીદાર પરભરોસો કરી રહી છે. એક સમય એવો હતો કે હુમલા થાય ત્યારે સરકાર હાથ પર હાથ મુકીને બેસી જતી હતી. ગુજરાતમાં આપણે મુખ્યમંત્રી હતા ત્યારે આવા આંતકવાદી અને સ્લીપર સેલને ખતમ કરી દીધુ ંહતું. તે જ કામ હવે ભારત દેશમાં થઇ રહયું છે. શાંતિ અને સદ્દભાવના માટે આતંકવાદને ખતમ કરવો જ પડે. આતંકવાદીનો ઉછેર ખાતર-પાણી પડોશથી આવતા હોવાથી તેના મૂળીયા ઉખાડવા પડે તેથી તે કામગીરી મે કરી છે. તેની સામે કોંગ્રેસ પુરાવા માંગીને પાકિસ્તાનને સમર્થન જેવી વાત કરી રહયું છે.
અટલજી સરકારે આદિવાસી મંત્રાલય આપ્યું, હવે મોદી સરકાર પાણી મંત્રાલય બનાવશે
હું ગુજરાતમાં મુખ્યમંત્રી હતો ત્યારે ઉમરગામથી અંબાજી સુધી આદિવાસી વિસ્તારમા બાળકો વધુ ભણી શકે તે માટે સાયન્સ સ્કૂલો શરૂ કરી છે. દેશ આઝાદ તે પહેલાથી આદિવાસી સમાજ હતો પણ કોંગ્રેસને તે સમજ પડતી નહોતી. પહેલીવાર અટલજીની સરકાર આવી ત્યારે દેશમાં આદિવાસી મંત્રાલય બનાવ્યું હતું. તેવી જ રીતે મોદી સરકારે દેશમાં પહેલીવાર માછીમારો માટે મંત્રાલય બનાવ્યું. આવનારા દિવસોમાં પાણીનું સંકટ ઉભું થશે તેથી પહેલીવાર દેશમાં ભાજપ સરકાર પાણી માટે મંત્રાલય બનાવશે.
દરેક ખેડુત પાંચ એકરથી ઓછી જમીનવાળાને વર્ષમાં ત્રણ વખત ૨-૨ હજાર રૂપિયા મળે તેવી યોજના બનાવીને એક માસમાં ત્રણ કરોડ લોકોના ખાતામા પહોંચી ગયાં છે. ૧૨ કરોડ ખેડુતના ખાતામાં આ પૈસા જશે. તેથી અમે આ વખતના સંકલ્પ પત્રમાં કહ્યું છે, નવી સરકાર બન્યા પછી દરેકે દરેક ખેડુતને આ યોજનાનો લાભ અપાશે.
કોંગ્રેસની સરકારમાં વાંસ કાપે તો જેલ થતી તે કાયદો ભાજપ સરકારે બદલી આદિવાસીઓને રોજગારી આપવાનું કામ કર્યું
કોંગ્રેસના જમાનામાં ગેસના ચુલો મેળવવા માટે ફાંફા પડતાં હતા પણ મોદી સરકારમાં ઉજ્જવલા યોજના ના કારણે આદિવાસી વિસ્તારમાં અનેક લોકોના ઘરેમા ગેસનો ચુલો સળગી રહ્યો છે. કોગ્રેસની સરકારમાં વાંસ કાપે તો જેલમાં જતા હતા તે કાયદો બનાવીને આદિવાસીઓને રોજગારી આપવાનું કામ અમારી સરકારે કર્યું છે. ૨૦૨૨ આઝાદીના ૭૫ વર્ષ થશે ત્યારે દેશમાં એક પણ વ્યક્તિ એવો ન હોય તેનું પાકું ઘર ન હોય. ઈન્કમટેકસમાં બે લાખથી પાંચ લાખ સુધીની વાત થતી હતી પણ કોંગ્રેસ કામગીરી કરતી ન હતી અમારી સરકારે આ કાગમીરી કરીને પાંચ લાખ સુધી આવક પર ટેક્સ માફ કરી દીધો છે. કોંગ્રેસ મધ્યમવર્ગની વિરોધી સરકાર છે મધ્યમ વર્ગ પાસેથી વેરો ઉઘરાવીને અન્યને રાજકારણ માટે આપવાની વાત કરી રહી છે.
કોંગ્રેસીઓ કહે છે ચોકીદાર ચોર છે પણ પૈસા મધ્યપ્રદેશમાંથી નીકળી રહયા છે
અમરસિંહભાઈ ચૌધરી કહેતાં મોદી જાદુગર છે તો અન્ય કોગ્રેસી કહે છે ચોકીદાર ચોર છે પણ પૈસા મધ્યપ્રદેશમાંથી નિકળી રહ્યાં છે. ત્યાંથી નોટોના થોકડા નીકળ્યા છે. મધ્યપ્રદેશમાં કોંગ્રેસે રાજ શરૂ કર્યું તેના થોડા દિવસોમાં જ કરોડો રૂપિયા નીકળ્યા છે. આ ભ્રષ્ટાચારી વૃત્તિ કોંગ્રેસની છે. પંદર વર્ષથી મધ્યપ્રદેશમાં કોંગ્રેસ સત્તા પરથી દુર રહી અને સત્તા મળ્યાના પંદર દિવસમાં પૈસાની લુંટ ચલાવી છે તેવી જ રીતે દિલ્હીમાં આ કોંગ્રેસની સરકાર આવે તો પાંચ મીનીટમાં ભ્રષ્ટાચાર શરૂ કરી દે તેમ છે તેથી આ લોકોને સરકારમાં બેસાડાય નહીં.
મોદીના ભાષણ સમયે લોકો ઉઠીને જવા માંડયા
વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્યમંત્રી રહ્યા અને છેલ્લા પાંચ વર્ષથી વડાપ્રધાન તરીકે તાપી જિલ્લામાં અનેક જાહેરસભાઓ કરી છે પરંતુ આજની ચૂંટણી સભામાં નરેન્દ્ર મોદીના અડધા ભાષણ બાદ પાછળથી લોકો સભા મંડપમાંથી ઉઠીને જતા રહ્યા હતાં. વડાપ્રધાનના સંબોધન સમયે લોકો ઉભા થઈ જતા ભાજપ આગેવાનો ચિંતામય બની લોકોને બેસાડવા પોલીસની મદદ લેતા નજરે પડયા હતા.
તાપ વચ્ચે સભામાં પાણીની બોટલ ન લઇ જવા દેવાઇ
ધગધતા તાપમાં ગુણસદા ખાતે વડાપ્રધાનની જાહેરસભા હતી. જેથી લોકો ઘરેથી જ પીવાના પાણી બોટલની વ્યવસ્થા કરીને આવ્યા હતા પરંતુ સુરક્ષાનું કારણ જણાવી પાણીની બોટલ પણ લઇ જવા દેવાઇ ન હતી. જેથી પાણી માટે લોકો ટળવળ્યા હતા. મીડિયા માટે પણ પાણીની બોટલની પ્રવેશબંધી હતી. જોકે, બાદમાં વ્યવસ્થા કરાઈ હતી. પત્રકારોએ માનવતા વાપરી પોતાના ભાગનું પાણી લોકોને આપ્યું હતું.
મોદીની રેલીમાં જતા વાહનો માટે ટોલ ફ્રી કરી દેવાયો
સુરતથી ધુલીયા જતા નેશનલ હાઈવે નં. ૫૩ પર માંડળ ટોલનાકા ખાતે વડાપ્રધાનની રેલીમાં જતાં તમામ વાહનોના ટોલ ફ્રી કરી દેવામાં આવ્યા હતાં. આવતા અને જતા બંને વાહનો પાસેથી ટોલની રકમ વસુલ કરી ન હતી. રેલીમાં જનારા લકઝરી બસો-ટેમ્પા અને ખાનગી કારમાં પહોંચ્યા હતા. જે તમામ વાહનો પાસે ટોલ વસુલ કર્યો ન હતો.
તાપી જિ.પં.ના માજી પ્રમુખ ભાજપમાં જોડાયા
વડાપ્રધાનની સભામાં તાપી જિલ્લા પંચાયતના માજી પ્રમુખ માવજીભાઈ સી ચૌધરી ભાજપમાં જોડાયા હતાં. વર્ષોથી કોંગ્રેસને વફાદાર માવજીભાઇને ૨૦૧૭ની વિધાનસભાની ચૂંટણી વખતે જ ભાજપ સાથે જોડાવવાની ખેવના હતી. પરંતુ કોઈ કારણોસર જોડાયા ન હતાં. આજે ભાજપ પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણી અને પ્રદેશ પ્રભારી ઓમ માથુરે તેમને ખેસ પહેરાવી ભાજપમાં પ્રવેશ અપાવ્યો હતો.
સભામાં ૨૨ વિધાનસભા વિસ્તારમાંથી કાર્યકરોને લકઝરીઓ ભરીને લવાયા
લોકસભાની ચુંટણી પહેલાં સોનગઢની વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સભામાં આવનારા લોકો માટે ભાજપે ખાસ વ્યવસ્થા કરી હતી. ત્રણ લોકસભા મત વિસ્તારની ૨૨ જેટલી વિધાનસભામાંથી કાર્યકરોને લક્ઝરી બસમાં ભરીને લવાયા હતા. તે પહેલા તેમના માટે જુદી જુદી જગ્યાએ ભોજન સમારંભનુ પણ આયોજન થયું હતું. આકરી ગરમીમાં મોદીની સભાનો ડોમ બન્યો તેમાં પણ પંખા મુકી સ્પ્રીન્કલથી પાણીનો છંટકાવ કરાયો હતો.
પોલીસે પાસ આપ્યા છતાં મીડિયા પાસે આઇ.ડી પ્રુફ મગાયા
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સભામાં કવરેજ માટે મિડિયાને પોલીસ તંત્ર દ્વારા પાસ અપાયા હતા. તે પાસ હોવા છતાં કર્મચારીઓના આઈડી પ્રુફ પણ ચકાસાયા હતા. આ ઉપરાંત ઈલેકટ્રોનિક મિડિયા અને ફોટો ગ્રાફરની બેગ સ્કેનરમાં નાંખી ચેક કરાઇ હતી. તેમના કેમેરા, લેન્સ અને ફ્લેશ તમામનું ચેકીંગ એસ.પી.જી. દ્વારા કરાયું હતું.
આદિવાસીઓને ગભરાવવાનો પ્રયાસ થાય છેઃ મંત્રી ગણપત વસાવા
ભાજપના વિજય ટંકાર સંમેલનમાં વડાપ્રધાન આવે તે પહેલા ભાજપના નેતાઓએ ભાષણ કરીને લોકોને રિઝવવાનો પ્રયાસ કર્યો હતો. ગુજરાતના મંત્રી ગણપત વસાવાએ કહ્યુ ંહતું, કે સર્જીકલ સ્ટ્રાઈક બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની છાતી ૫૬ની હતી તે વધીને ૧૫૬ની થઈ ગઈ છે. અત્યાર સુધી દરેક ચુટણીમાં કોગ્રેસ આદિવાસીઓને પ્રલોભન આપતી હતી પરંતુ ચુટણી બાદ આપેલા વચનનો અમલ કરાતો નહોતો. આ વખતે આદિવાસીઓને ગભરાવવાનો પ્રયાસ કરાય છે. પરંતુ આદિવાસી પ્રજા હવે કોગ્રેસને બરોબર ઓળખી ગઈ છે.
વડાપ્રધાનની સભામાં ગયેલી મહિલા ગુમ થતાં ભાજપવાળા દોડતા થયા
બિલખડીના શાંતાબેન પટેલ મોડી સાંજે ઘરે પહોંચ્યા વલસાડની બસના બે જણા વાલોડની બસમાં બેસી ગયા
સોનગઢમાં વડાપ્રધાન મોદીની ચૂંટણી સભામાં ગયેલી ૬૨ વર્ષની મહિલા ગુમ થઈ ગઈ છે. મહિલાને શોધવા ભાજપ આગેવાનોએ દોડધામ શરૂ કરી છે.
મહુવા તાલુકા ભાજપ પ્રમુખ જીગર નાયકે સોનગઢ ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ચૂંટણી જાહેર સભામાં તાલુકાના અનેક ગામોમાંથી લકઝરી બસમાં લોકોને સભા સ્થળે લઈ જવાની વ્યવસ્થા કરી હતી. જેમાં બિલખડી ગામે રહેતી શાંતાબેન બાબુભાઈ પટેલ (ઉ.વ.૬૨) પણ બસમાં બેસીને સોનગઢ સભામાં ગઈ હતી. સભા પૂર્ણ થયા બાદ શાંતાબેન બસમાં બેઠા ન હતાં. બિલખડી ગામના અન્ય લોકોએ જાણ કરતા શાંતાબેનની શોધખોળ માટે જીગર નાયકે સુમુલ ડેરી ચેરમેન નરેશ પટેલ અને સોનગઢના મયંક જોષીનો સંપર્ક કરી સભા સ્થળે તથા અન્ય બસમાં શોધખોળ કરી પરંતુ રાત સુધી કોઈ ભાળ મળી ન હતી. જોકે, મોડી સાંજે શાંતાબેન હેમખેમ ઘરે પહોંચી ગયા હતા.
તેમજ વલસાડથી આવેલી લકઝરી બસમાં બેઠેલા બે જણા વાલોડ તાલુકાના શિકેર ગામની બસમાં બેસી ગયા હતાં. બંનેને ખાનગી ગાડીમાં પલસાણાથી સરકારી બસમાં વલસાડ જવાની વ્યવસ્થા કરવામાં આવી હતી. બિલખડી(આંબવાડી) ના શાંતાબેન પટેલની શોધખોળ કરવા ભાજપ આગેવાનો દોડતા થયા છે.
અલ્પેશ ઠાકોર સાથે મુખ્યમંત્રી કે ભાજપના કોઇ નેતા સંપર્કમાં નથીઃ જીતુ વાઘાણી
સોનગઢમાં મોદીની સભામાં ઉપસ્થિત ભાજપના ગુજરાત પ્રમુખ જીતુ વાઘાણીએ મીડિયા એક પ્રશ્ને જણાવ્યું હતું કે, કોંગ્રેસના અલ્પેશ ઠાકોર મુખ્યમંત્રી કે ભાજપના કોઇ નેતા કે ધારાસભ્યના સંપર્કમાં નથી. અમે પણ તેમનો સંપર્ક કરવાની કોશીષ કરી નથી.
કોંગ્રેસના અલ્પેશ ઠાકોર ને લઈને એવી વાતો વહેતી થઈ છે કે તે મુખ્યમંત્રીના સંપર્કમાં છે અને કોંગ્રેસમાં ચાલી રહેલા તેના વિવાદના કારણે કોંગ્રેસ સાથે છેડો ફાડી રહયા છે. અને જોકે બપોર બાદ તેમણે કોંગ્રેસમાંથી તમામ હોદ્દા પરથી રાજીનામું પણ આપી દીધું હતું.
આ પહેલા સોનગઢમાં ભાજપના પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીને મીડિયાના પ્રશ્નોમાં ખુલાસો કર્યો હતો કે, અલ્પેશ ઠાકોર ભાજપના સંપર્કમાં નથી. સમગ્ર રાજ્ય જાણે છે કે આ કોંગ્રેસનો આંતરિક ઝઘડો છે. દરમિયાન અલ્પેશ ઠાકોરે બપોર બાદ કોંગ્રેસના તમામ હોદ્દા પરથી રાજીનામું આપી દીધું હોવાનું જાણવા મળ્યું છે.
from Surat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2uWl0hb
No comments:
Post a Comment