વડોદરા, તા.1 એપ્રિલ 2019, સોમવાર
શહેરના વાડી વિસ્તારમાં આવેલા ભારતમંદિર ખાતે છેલ્લા પાંચ દિવસ કીર્તનમહોત્સવનું આયોજન કરાયું છે. જેના છઠ્ઠા દિવસે પૂનાના હ.ભ.પ.ચારુદત્તબુવા આફળે કીર્તનના માધ્યમથી લોકોને સમજાવ્યું કે, શિવાજી મહારાજના ગુરુ રામદાસ સ્વામી શિવાજીને કહેતા કે જો મરણોપરાંત પણ કીર્તિ કાયમ રહે તે માટે ચંદનની જેમ ઘસાઈને પણ સજ્જન અને દેશની સેવા કરીને કાયમ શીતળતા પાથરવી જોઈએ. આ વાતને ધ્યાનમાં રાખી શિવાજી મહારાજ જીવનપર્યંત દેશ, ધર્મ અને સજ્જનો માટે કાર્યશીલ રહ્યા હતા.
શિવાજી મહારાજની જીવનગાથા કીર્તનના માધ્યમથી લોકો સુધી પહોંચે તે હેતુથી પ્રથમવાર શહેરમાં આ પ્રકારનો પ્રયોગ કરાયો છે. જેમાં શિવાજી મહારાજ આગ્રાથી પલાયન થયા તેની કથા કીર્તનના માધ્યમથી લોકોને કહી હતી. જેમાં કીર્તનકાર ચારુદત્તબુવાએ કહ્યું કે, પુરંદરે કિલ્લાની સંધિ પછી દિલેરખાન અને મિર્ઝા રાજા જયસિંહે મૂકેલી શરત અનુસાર છત્રપતિ શિવાજી મહારાજ અને એમનો પુત્ર ઔરંગઝેબના દરબારમાં હાજર થતા જ ઔરંગઝેબે બંનેન છલકપટથી કેદ કર્યા હતા. ત્યારે શિવાજી મહારાજ પોતે બીમાર છે એવું નાટક રચીને જન્માષ્ટમીના દિવસો નજીક આવતા હોવાથી મથુરા, આગ્રા નજીક સંતોને મીઠાઈ ભેટ સ્વરુપમાં આપવી તેવી ઈચ્છા પ્રકટ કરી હતી.
જેથી મીઠાઈના મોટા ટોપ મંગાવામાં આવ્યા જેની અવર-જવરનો લાભ લઈ હિંમત હાર્યા વગર શિવાજી મહારાજ અને તેમનો ૮ વર્ષનો પુત્ર આગ્રાથી નીકળીને મહારાષ્ટ્ર આવી પહોંચ્યા હતા. આ કથા પરથી લોકોએ શીખવું જોઈએ કે કોઈપણ કઠીન પરિસ્થિતિમાં સામેની વ્યક્તિના કપટ અને અનૈતિક વર્તનને કારણે ઊભી થયેલી મુશ્કેલીનો સામનો ધૈર્ય અને યુક્તિ પૂર્વક કરવો જોઈએ.ઉલ્લેખનીય છે કે, તા.૨ એપ્રિલ કીર્તનમહોત્સવના અંતિમ દિવસે પુનાના વિશ્વાસબુવા કુલકર્ણી શિવાજીરાજ્યાભિષેકનો પ્રસંગ કીર્તનના માધ્યમથી લોકોને કહેશે.
from Baroda News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2VdESaX
No comments:
Post a Comment