જયપુર, તા.૧૦
ઈન્ડિયન પ્રીમિયર લીગના ઈતિહાસની સૌથી સફળ ટીમ - ચેન્નાઈ સુપર કિંગ્સે ચાલુ સિઝનમાં છમાંથી પાંચ મેચ જીતીને પોતાનો દબદબો પ્રસ્થાપિત કર્યો છે. હવે તેઓ આવતીકાલે જયપુરમાં યજમાન રાજસ્થાન રોયલ્સ સામે ટકરાશે. એક તરફ ચેન્નાઈ તેની છમાંથી એકમાત્ર મેચ હાર્યું છે. જ્યારે બીજી તરફ રહાણેની કેપ્ટન્સી હેઠળની રાજસ્થાન રોયલ્સની ટીમ તેની પાંચમાંથી એકમાત્ર મેચ જીતી છે. પ્લેઓફમાં પ્રવેશવાની આશા જીવંત રાખવા માટે રાજસ્થાને આવતીકાલે જીતવું જરુરી બની ગયું છે. જયપુરમાં રાત્રે ૮.૦૦ વાગ્યાથી મેચનો પ્રારંભ થશે.
રાજસ્થાનને એકમાત્ર જીત બેંગ્લોર સામે આ જ મેદાન પર મળી છે. સ્ટીવ સ્મિથ, જોશ બટલર અને સ્ટોક્સ જેવા ખેલાડીઓની હાજરી હોવા છતાં રાજસ્થાનની ટીમનો દેખાવ અત્યંત કંગાળ રહ્યો છે. આવી સ્થિતિમાં વિજય મેળવવા માટે તેમણે ઓવરઓલ દેખાવ સુધારવો પડશે. રાજસ્થાન પાસે સ્ટાર્સનો અભાવ છે અને ઘરઆંગણાના ખેલાડીઓ પ્રભાવ પાડી શક્યા નથી. આવી સ્થિતિમાં હવે તેઓ કેવી રીતે આગળ વધે છે. તે જોવાનું રહેશે.
સંજુ સેમસને ધમાકેદાર ફોર્મ દર્શાવતા ટીમને સફળતા અપાવવા માટે ભારે સંઘર્ષ કર્યો હતો. તેણે સદી પણ ફટકારી હતી. જોકે રાજસ્થાન કોઈને કોઈ કારણોસર જીત સુધી પહોંચી શક્યું નથી. હવે તેમના બોલરો મેચમાં પ્રભાવ પાડવા માટે સજ્જ છે.
ધોનીની કેપ્ટન્સી હેઠળની ચેન્નાઈ સુપર કિંગ્સની સુપરસ્ટાર ટીમ હાલમાં જબરજસ્ત ફોર્મમાં છે. ડ્વેન બ્રાવો ઈજાના કારણે રમી રહ્યો નથી.આમ છતાં વોટસન, કેદાર જાધવ, રાયડુ, જાડેજા, ડુ પ્લેસીસ, રૈના, ડેવિડ વિલી, સાન્ટનેર, કુગ્લીસન તેમજ તાહીર અને હરભજન જેવા મેચ વિનર્સની તેમની ટીમમાં ભરમાર છે. જો ચેન્નાઈનો અસાધારણ ધબડકો થાય તો જ તેઓને હારનો સામનો કરવો પડી શકે છે. જો કે આઇપીએલમાં ઘણા નાટકીય ચડાવ-ઉતાર જોવા મળતા હોય છે અને આવું જ અણધાર્યું પરીણામ આવતીકાલે મળી શકે છે.
from Sports News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2OZz1Ui
No comments:
Post a Comment