લંડન, તા.૧૦
ક્રિકેટના બાઈબલ તરીકે ઓળખાતા વિઝડન ક્રિકેટર્સ અલમાનક - સામયિકે ભારતીય ટીમના કેપ્ટન વિરાટ કોહલીની બેટ્સમેન તરીકેની વિશિષ્ટ પ્રતિભાને બિરદાવતા સતત ત્રીજા વર્ષે તેને 'લિડિંગ ક્રિકેટર ઈન ધ વર્લ્ડ ' જાહેર કર્યો હતો. વિઝડનના ફાઈવ ક્રિકેટર ઓફ ધ યરમાં પણ કોહલીને સ્થાન આપવામાં આવ્યું હતુ. વર્ષ ૨૦૧૮ના ઈંગ્લિશ સમરના (ઈંગ્લેન્ડમાં ઉનાળા દરમિયાન રમાયેલા ક્રિકેટ) દેખાવને ધ્યાનમાં રાખીને જાહેર કરવામાં આવેલા વર્ષના શ્રેષ્ઠ પાંચ ક્રિકેટરોમાં કોહલીની સાથે ઈંગ્લેન્ડના જોશ બટલર, સેમ કરન અને રોરી બર્ન્સને સ્થાન આપવામાં આવ્યું છે. જ્યારે ઈંગ્લેન્ડની મહિલા ક્રિકેટર ટેમી બેઉમોન્ટનો પણ વિઝડનની યાદીમાં સમાવેશ કરવામાં આવ્યો છે.
ભારત માટે ગૌરવની બાબત એ છે કે, કોહલીની સાથે સાથે મહિલા ક્રિકેટર સ્મ્રિતિ મંધાનાને મહિલા ક્રિકેટના મર્યાદિત ઓવરના ફોર્મેટમાં ટોચની ખેલાડી જાહેર કરવામાં આવી છે. જ્યારે અફઘાનિસ્તાનના રાશિદ ખાને સતત બીજા વર્ષે ટ્વેન્ટી-૨૦ના ફોર્મેટના શ્રેષ્ઠ ખેલાડી તરીકેનો દબદબો જારી રાખ્યો છે. સ્મ્રિતિ મંધાનાએ મર્યાદિત ઓવરોના ક્રિકેટમાં ૧,૨૯૧ રન ફટકાર્યા હતા.
'ઈંગ્લેન્ડમાં કોહલીની ટેસ્ટ બેટીંગ અદ્ભૂત હતી'
ભારતીય કેપ્ટન કોહલીએ ૨૦૧૪ના ઈંગ્લિશ પ્રવાસમાં માત્ર ૧૩૪ રન જ કર્યા હતા. અગાઉની નિષ્ફળતાને દૂર હટાવતા તેણે ગત વર્ષના પ્રવાસમાં રમાયેલી પાંચ ટેસ્ટની સિરીઝમાં ૫૯.૩૦ની સરેરાશથી ૫૯૩ રન ફટકાર્યા હતા, જેમાં બે સદી સામેલ હતી. કોહલીની બેટીંગ પર ઓવારી ગયેલા વિઝડનના સંપાદક લોરેન્સ બૂથે લખ્યું કે, હારવા છતાં કોહલીએ બેટ વડે તેની તેજસ્વીતા દેખાડી અને ૨૦૧૪ના સંઘર્ષને ક્યાંય પાછળ રાખી દીધો. તેની ટેસ્ટ બેટીંગ , ખાસ કરીને ઈંગ્લેન્ડ પ્રવાસની ટેસ્ટ સિરીઝની બેટીંગ ખરેખર અદ્ભૂત હતી. જ્યારે ૫૦ ઓવરના ફોર્મેટમાં તેણે નવી જ ઉંચાઈએ પહોંચીને બેટીંગ કરી બતાવી.
કોહલી બીજા ક્રમે રહેલા રૃટ કરતાં ૭૦૦ રન આગળ
આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં રન ફટકારવાના મામલે નંબર વન રહેલા કોહલીની નજીક પણ અન્ય કોઈ હરિફ પહોંચી શક્યો નથી. વર્ષ ૨૦૧૮માં કોહલીએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટના તમામ ફોર્મેટમાં કુલ મળીને ૬૮.૩૭ની સરેરાશથી ૨,૭૩૫ રન ફટકાર્યા છે. આંતરરાષ્ટ્રીય ક્રિકેટમા સૌથી વધુ રન ફટકારવામાં કોહલીની નજીક પણ કોઈ પહોચી શક્યું નથી. આ યાદીમાં બીજા ક્રમે રહેલો ઈંગ્લેન્ડનો ક્રિકેટર જો રૃટ કોહલી કરતાં ૭૦૦ રન પાછળ છે. કોહલીએ આ સમયગાળામાં ૩૭ ઈનિંગ્સમાં ૧૧ સદી ફટકારી હતી. આ બધામાંથી સાત સદીઓ સાઉથ આફ્રિકા, ઈંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયામાં નોંધાઈ હતી, જેબેટ્સમેનો માટે પડકારજનક હોય છે.
૧૮૮૬થી ક્રિકેટર ઓફ ધ યર જાહેર કરવામાં આવે છે
આજે વિઝડન ક્રિકેટર્સ અલ્માનકની ૧૫૬મી આવૃત્તિ પ્રસારિત થઈ તેની સાથે પરંપરા પ્રમાણે ક્રિકેટર્સ ઓફ ધ યર એવોર્ડના વિજેતા જાહેર થયા હતા. ઈ.સ.૧૮૮૯થી અલ્માનકની સાથે ક્રિકેટર ઓફ ધ યરનો એવોર્ડ જાહેર કરવાની પરંપરા શરૃ કરાઈ હતી, જે હજુ જારી રહેવા પામી છે. શરૃઆત આ એવોર્ડ એવા ખેલાડીને જ અપાતો કે જેણે અગાઉની ક્રિકેટ સિઝન દરમિયાન ઈંગ્લેન્ડમાં શાનદાર દેખાવ કર્યો હોય અને આ એવોર્ડ એક ક્રિકેટરને જિંદગીમાં એક જ વખત મળતો.જોકે છેલ્લા કેટલાક વર્ષોથી 'લિડિંગ ક્રિકેટર ઓફ ધ યર'નો એવોર્ડ પણ આપવાનો શરુ કરવામાં આવ્યો છે, જે કોઈ પણ ખેલાડી શ્રેષ્ઠ દેખાવ આપીને ગમે તેટલી વખત જીતી શકે છે.
કોહલીએ ત્રણ આઇસીસી એવોર્ડઝ જીત્યા હતો
ભારતીય કેપ્ટન કોહલીએ ગત વર્ષે શાનદાર દેખાવ કરતાં રેકોર્ડ્ઝની વણઝાર સર્જી હતી, જેના કારણે આઇસીસી એવોર્ડ્ઝમાં પણ તે છવાયેલો રહ્યો હતો. કોહલીએ ઓવરઓલ શ્રેષ્ઠ દેખાવ કરવા બદલ ક્રિકેટર ઓફ ધ યરનો એવોર્ડ જીત્યો હતો અને ગેરી સોબર્સ ટ્રોફી મેળવી હતી. આ ઉપરાંત તે ટેસ્ટ પ્લેયર ઓફ ધ યર અને વન ડે પ્લેયર ઓફ ધ યર પણ બન્યો હતો.
વિઝડન ફાઈવ પ્લેયર ઓફ ધ યર
વિરાટ કોહલી
જોશ બટલર
સેમ કરન
રોરી બર્ન્સ
ટેમી બેઉમોન્ટ
from Sports News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2uUgTCe
No comments:
Post a Comment