ડાંગમાં નેતાઓ-કર્મચારીઓને સરકારી પ્લોટોની લ્હાણી - E-News Network (Gujarati)

Breaking

Home Top Ad

Post Top Ad

Thursday, 11 April 2019

ડાંગમાં નેતાઓ-કર્મચારીઓને સરકારી પ્લોટોની લ્હાણી


- સરકારી ધારાધોરણોની અવગણના કરી તત્કાલિન કલેકટર બી.કે.કુમારની બદલી થતાં જ બે દિવસમાં ૨૭ પ્લોટોની ફાળવણી કરી દીધી હતી

વાંસદા, તા. 10 એપ્રિલ 2019, બુધવાર

ડાંગ જિલ્લાનાં વઘઈ અને આહવા ખાતે બે માસ પૂર્વે સરકારી ધારા-ધોરણની અવગણના કરી નેતાઓ અને કર્મચારીઓને સરકારી પ્લોટોની લ્હાણી કરાઈ હોવાની ચોંકાવનારી વિગતો માહિતી અધિકાર અધિનિયમ હેઠળ બહાર આવતાં કલેકટર કચેરીમાં ચાલતુ બખડજંતર ખુલ્લું પડી ગયું છે.

ડાંગ જિલ્લો ૧૦૦ ટકા આદિવાસી વસ્તી દરાવતો વિસ્તાર હોવાથી અહીંની ૭૩ એએવાળી જમીન અન્યના નામે તબદીલ થઈ શકતી નથી. તેવા સંજોગોમાં ડાંગના એક જાગૃત નાગરિક દ્વારા માહિતી અધિકારી અધિનિયમ હેઠળ માંગવામાં આવેલી વિગતમાં ચોંકાવનારો ખુલાસો થયો છે. જેમાં બે માસ પૂર્વે તત્કાલીન કલેકટર બી.કે.કુમારની બદલી થતાં જ ડાંગના નેતાઓ અને કલકટર કચેરીનાં કર્મચારીઓને એક સાથે ૨૭ પ્લોટની લ્હાણી કરવામાં આવી હતી. જેમાં પ્લોટ મેળવનારા અરજદારોના દસ્તાવેજોની જરૂરી પૂર્તતા કર્યા વગર આડેધડ ફાળવણી કરાઈ હોવાનું જણાય રહ્યું છે.

આ પ્લોટો મેળવનારાઓમાં મોટાભાગના નેતાઓ, આગેવાનોના સગા વ્હાલા અને કોન્ટ્રાક્ટર બેઝ પર ફરજ બજાવતા કર્મચારીઓનો સમાવેશ થાય છે. તત્કાલિન કલેકટર અને વહીવટી તંત્ર નેતાઓ અને કર્મચારીઓ પર એટલા બધા ઓળધોળ થઈ ગયા હતા કે તા. ૨ અને ૪ ફેબુ્રઆરી એમ બે જ દિવસમાં ૨૭ પ્લોટોની ફાળવણીના હુકમો કરી દીધા હતાં. જેમાં જરૂરી દસ્તાવેજો, આધાર, પુરાવાઓની પુરતી ચકાસણી પણ થઈ નથી. અને સોગંદનામા, ભાડાના ઘરની વેરા પાવતી, સ્થળ, તારીખ વિનાના દાખલાઓ રજૂ કરવામાં આવ્યા છે.

આ ઉપરાંત સામાન્ય રીતે પ્લોટની માંગમીની અરજી એકાદ વર્ષના સમયગાળામાં તલાટી, સર્કલ, મામલતદાર સહિત સ્થાનિક રહેવાસીઓના જરૂરી અહેવાલ, પુરાણ પત્ર બાદ તમામ ખરાઈ કરીને પ્લોટ ફાળવવામાં આવે છે. પરંતુ બી.કે.કુમારે પ્લોટ ફાળવવાનાં કરેલા હુકમમાં તેનું પણ પાલન થયું નથી. આહવા-વઘઈની સોનાની લગડી સમાન જમીનના પ્લોટની ફાળવણી લાભાર્થી ડાંગ જિલ્લાનો સ્થાનિક વતની હોવા જોઈએ પરંતુ અહીં જિલ્લા બહારના લોકોને પણ પ્લોટ ફાળવી દેવામાં આવ્યા છે. કેટલાક કિસ્સામાં તો કલેકટરને ૧૦૦ ચો.મી. જમીન આપવાની સત્તા હોય પતિ-પત્નીને એક જ સ્થળે ૧૦૦ + ૧૦૦ ચો.મી. એમ બે પ્લોટની ફાળવણી કરી સરકારી ધારા-ધોરણની ઐસી તૈસી કરાઈ છે.

આમ તત્કાલીન કલેકટર બદલી પૂર્વે રાતોરાત પ્લોટ ફાળવી તેમાં સરકારનાં કોઈપણ જાતના નીતિ નિયમોનું પાલન નહીં કરી કરવામાં આવેલા કોઠા-કબાડામાં મોટી રકમનો વ્યવહાર પણ થયો હોવાનું ચર્ચાઈ રહ્યું છે અને તેમાં જિલ્લા કલેકટર કચેરીનાં તમામ જવાબદારોની ભાગબટાઈ સાથે ભ્રષ્ટાચાર આચરાયો હોવાની ચર્ચા વચ્ચે સમગ્ર મામલે નિષ્પક્ષ તપાસ થાય તો અનેક ભોપાળા બહાર આવી શકે તેમ છે.

તપાસ કરી સત્ય બહાર લવાશે:નિવાસી કલેકટર

આ સંદર્ભે નિવાસી કલેકટર ટી.કે.ડામોરને પુછતાં જણાવ્યું કે, તત્કાલિન કલેકટરે ફાળવેલા પ્લોટોમાં ગેરરીતિ થઈ કે નથી તેની ખબર નથી. પરંતુ સમગ્ર બાબતની તપાસ હાથ ધરી સત્ય બહાર લાવવામાં આવશે.



from Surat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2P3XCYe

No comments:

Post a Comment

Post Bottom Ad

Pages