
- સુરત જિ.પં.ના હળપતિ ગૃહ નિર્માણ સમિતિના અધ્યક્ષ અને વાંકલના માજી સરપંચે ભાજપને રામ રામ કર્યા
મોસાલી, તા. 10 એપ્રિલ 2019, બુધવાર
ભાજપ ફરી એક વખત ઉઘતું ઝડપાયું છે. ડોલવણ ખાતે કોંગ્રેસના વિજય વિશ્વાસ સંમેલનમાં માંગરોળમાં વાંકલ ગામના માજી સરપંચ, સુરત જિ.પં.ના હળપતિ ગૃહ નિર્માણ સમિતિના અધ્યક્ષ, માંડવી તાલુકા ભાજપના મહામંત્રી સહિત ૫૦૦ આગેવાનોએ ભાજપને રામરામ કરી કોંગ્રેસનો ખેસ ધારણ કર્યો હતો. લોકસભાની ચૂંટણી જાહેર થયા બાદ એકબીજા પક્ષમાં કૂદકા મારવાની પ્રવૃત્તિ વધુ તેજ બની છે.
થોડા દિવસ અગાઉ રાજ્યનાં વન મંત્રી ગણપતિ વસાવાના તત્કાલિન પી.એ. એવા વાડીના માજી સરપંચ હરેશભાઈ વસાવાએ કોંગ્રેસમાં પ્રવેશ કર્યો છે. જ્યારે બુધવારે ડોલવણ ખાતે કોંગ્રેસનું વિજય વિશ્વાસ સંમેલન રાખવામાં આવ્યું હતું. જેમાં કોંગ્રેસના ઉમેદવાર ડો. તુષાર ચૌધરી, તાપી અને સુરત જિલ્લા કોંગ્રેસના પ્રમુખોની હાજરીમાં સુરત જિલ્લા પંચાયતનાં સભ્ય અને હળપતિ ગૃહ નિર્માણ સમિતિના અધ્યક્ષ રેખાબેન ચૌધરી, માંડવી તાલુકા ભાજપનાં મહામંત્રી અર્જુનભાઈ માલાભાઈ ચૌધરી, માંગરોળ તાલુકાના વાંકલ ગામના માજી સરપંચ, ભાજપમાં સતત ૧૮ વર્ષથી કામ કરતા અને વનમંત્રીના નજીકના ગણાતા એવા ઠાકોરભાઈ ચૌધરી, બારડોલી ભાજપના માજી સભ્ય જયેશ મણીભાઈ પ્રજાપતિ, લાલુભાઈ શંકરભાઈ રાઠોડ, વાંસકુઈ ગામના સરપંચ જિજ્ઞોશભાઈ નાયકા સહિત ૫૦૦ આગેવાનોએ ભાજપને રામરામ કરી કોંગ્રેસનો ખેસ ધારણ કરી કોંગ્રેસમાં પ્રવેશ કર્યો છે. જેને પગલે ચર્ચા ચાલી રહી છે કે જિલ્લા ભાજપ પુનઃ ઉંઘતું ઝડપાયું છે.
from Surat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2uYNUwZ
No comments:
Post a Comment