કાપોદ્રામાં ગેંગવોરઃ દુકાનમાં ઘૂસી ગગજી ભરવાડ અને સાગરીતોનો હુમલો - E-News Network (Gujarati)

Breaking

Home Top Ad

Post Top Ad

Monday, 1 April 2019

કાપોદ્રામાં ગેંગવોરઃ દુકાનમાં ઘૂસી ગગજી ભરવાડ અને સાગરીતોનો હુમલો


- સિલ્વર ચોક પર ક્રિસ્ટલ પ્લાઝાની દુકાનામાં આઠ વ્યક્તિ પર તલવાર, ચપ્પુ, ફટકા લઇ તૂટી  પડયા, ત્રણને ગંભીર ઇજાઃ 

(પ્રતિનિધિ દ્વારા) સુરત, તા. 30 માર્ચ 2019, શનિવાર

કાપોદ્રા વિસ્તારમાં ગગજી ભરવાડ અને સમીર ગોહિલ વચ્ચેની ગેંગવોરમાં ગતરાત્રે ગગજી ભરવાડ અને તેના સાત સાગરીતોએ કાપોદ્રા સિલ્વર ચોક પાસે ક્રિસ્ટલ પ્લાઝામાં આવેલી સમીર ગોહિલની દુકાનમાં ઘૂસી ત્યાં હાજર સમીર ગોહિલ સહિત આઠ વ્યક્તિ ઉપર તલવાર, ચપ્પુ અને લાકડાના ફટકા વડે હુમલો કરી દુકાનમાં તોડફોડ કરી હતી. આ બનાવમાં ત્યાં હાજર સમીર ગોહિલ ઉપરાંત તે બિલ્ડિંગમાં ભાડાની દુકાન જોવા આવેલા અડાજણના યુવાન તેમજ તેના મિત્રને ગંભીર ઈજા પહોંચી હતી.

પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ મૂળ ઓરિસ્સાનો વતની અને સુરતમાં અડાજણ એલ.પી.સવાણી સ્કુલની સામે મોઢેશ્વરી કોમ્પલેક્ષ ફ્લેટ નં.બી/૩૦૬ માં રહેતો ૩૮ વર્ષીય રામચંદ્ર સુદર્શન સ્વાંઇ વરાછા ઘનશ્યામનગર ખાતા નં.૧૧૭ માં એમ્બ્રોઇડરીનું ખાતું ચલાવે છે. ગત સાંજે તે પોતાની કાર (નં. જીજે ૦૫ સીએ ૨૮૦૫) માં બે મિત્રો ઉમાશંકર ઉર્ફે સંજય રસપાલ વર્મા (ઉ.વ.૩૫, રહે.ઇ/૨૭, માતૃશક્તિ સોસાયટી, પૂણાગામ, સુરત) અને રણછોડ સવજીભાઈ પટેલ (ઉ.વ.૩૪, રહે. ભરત નગર સોસાયટી, વરાછા, સુરત. મૂળ રહે. રાજસ્થાન) સાથે કાપોદ્રા સિલ્વર ચોકની બાજુમાં ક્રિસ્ટલ પ્લાઝામાં ભાડેથી રાખવા ખાલી દુકાનો જોવા ગયા ત્યારે મિત્ર આશિષ ઉર્ફે ચીકનો ઉમાશંકર પાંડે (ઉ.વ.૨૮, રહે. કોસાડ આવાસ, અમરોલી, સુરત)એ તેમને બુમ મારતા તેઓ બીજા માળે સમીર ગોહિલની માલિકીની કોમ્પ્યુટર સોફ્ટવેરની દુકાન નંબર- ૨૩૧માં ગયા હતા. ત્યારે અન્ય ત્રણ વ્યક્તિ હાજર હતી. ચ્હા-નાસ્તો કરી તેઓ છુટા પડતા હતા ત્યારે જ માથાભારે ગગજી ભરવાડ, યોગી ઉર્ફે કિરપાલસિંહ રવુભા ગોહિલ અને બીજા છ યુવાનો તલવાર, ચપ્પુ અને લાકડાના ફટકા લઈ દુકાનમાં ઘૂસી તોડફોડ કરીને તમામ ઉપર આડેધડ ચપ્પુ, તલવારથી ઘા ઝીંક્યા હતા.

રામચંદ્રને પગમાં ચપ્પુનો ઘા, મિત્ર રણછોડને પેટ, પીઠ, પગમાં અસંખ્ય ઘા કરાયા હતા. સમીર પર પણ હુમલો કરાયો હતો. રામચંદ્ર તેમને ધક્કો મારી જીવ બચાવી બહાર નીકળી રીક્ષામાં સીધો હીરાબાગ ખાતેની શિરોયા હોસ્પિટલમાં પહોંચી ગયો હતો. રણછોડને સ્મીમેરમાં ખસેડાયો હતો.

બનાવની જાણ થતાં દોડી ગયેલી કાપોદ્રા પોલીસે રામચંદ્રની ફરિયાદના આધારે ગગજી ભરવાડ, યોગી ઉર્ફે કિરપાલસિંહ અને બીજા છ વિરુદ્ધ રાયોટિંગ અને હત્યાના પ્રયાસનો ગુનો નોંધ્યો છે. આ હુમલો ગગજી ભરવાડ અને સમીર ગોહિલ વચ્ચેની ગેંગવોરને લીધે થયો હતો. ગગજી ભરવાડ અને તેના સાગરીતો સમીર ગોહિલને મારવા આવ્યા હતા અને તે સમયે દુકાનમાં હાજર તમામ ઉપર હુમલો કરતા અડાજણથી દુકાન જોવા આવેલો રામચંદ્ર અને તેનો મિત્ર રણછોડ સપડાઇ ગયા હતા. બનાવ અંગે વધુ તપાસ પીઆઈ એમ કે ગુર્જર કરી રહ્યા છે.

ગેંગવોરમાં માથાભારે સમીર ગોહિલ ઉપર હુમલો કરનાર ગગજી ભરવાડ ભૂપત આહીર હત્યા કેસનો આરોપી

કાપોદ્રામાં ગતરાત્રે ગેંગવોરમાં જેની ઉપર હુમલો કરવામાં આવ્યો હતો તે સમીર ગોહિલ માથાભારે છે અને તેના વિરુદ્ધ હત્યાના બે ગુના નોંધાયા છે. જ્યારે તેના ઉપર હુમલો કરનાર ગગજી ભરવાડ પણ ભૂપત આહીર હત્યા કેસમાં આરોપી છે. છેલ્લા કેટલાક સમયથી તેઓ વચ્ચે વિખવાદ ચાલી રહ્યો છે અને તેમાં જ ગતરાત્રે જીવલેણ હુમલો કરાયો હતો.

રામચંદ્રની પત્ની સ્પાની આડમાં કુટણખાનું ચલાવતાં ઝડપાયેલી

સમીર ગોહિલ અને ગગજી ભરવાડ વચ્ચે થયેલી ગેંગવોરમાં મિત્રો સાથે ભાડાની દુકાન જોવા ગયેલા અને વિના કારણે હુમલાનો ભોગ બનેલા રામચંદ્રની પત્ની ભારતી ગત ૧૧મી ના રોજ વરાછા માતાવાડી મારૂતિચોક ગોકુલ જ્યુસની ઉપર એક દુકાનમાં સ્પાની આડમાં કુટણખાનું ચલાવતાં વરાછા પોલીસના હાથે ઝડપાઇ હતી.



from Surat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2JQpgZI

No comments:

Post a Comment

Post Bottom Ad

Pages