
ભાવનગર, તા. 02 એપ્રિલ 2019, મંગળવાર
ઉનાળાનો આકરો તાપ શરૂ થઇ ગયો છે ત્યારે ખાલી જળાશયો ઉંડા ઉતારવા અને તેની માટી ખેડકામમાં ઉપયોગી બનાવવાનો હાલનો સમય ઉત્તમ છે જેથી ખેતીની જમીન ફળદ્રુપ બને સાથો સાથ પાણી સંગ્રહ પણ વધુ કરી શકાય જે માટે એક ગામને એક જેસીબી ફાળવી આયોજન ઘડવા જળસંચય હિમાયતી દ્વારા માગણી કરાઇ છે.
ખેડકામ કરતા પહેલા કિસાનો જમીન સમતળ કરવા અગર ફળદ્રુપ બનાવવા માટી પોતાની જમીનમાં પાથરે છે. જમીન ખેડાણ થઇ ગયા પછી ખેડૂતો માટી ઉપાડી શકતા નથી માટે વિના વિલંબે ચેકડેમ તળાવો ખોદવા ઊંડા ઉતારવા વ્યાપક ઝુંબેશ ચલાવવાની જરૂર છે. ગત ચોમાસુ નબળુ રહેતા પાણી પ્રશ્ન વધુ ગંભીર બનેલ છે. ઘાસચારા વિના ટળવળતા પોતાના માલઢોર લઇને પશુપાલકો હીજરત કરવા મજબુર બન્યા છે. નર્મદા આધારીત કેનાલ પંથકમાં રહ્યા સહ્યા પાણીના સહારે ઉનાળો પાર ઉતરવા પંથકના ગામડાઓમાં સીમ વગડે પડાવ નાખી વસવાટ કરતા પશુપાલક પરિવારો નજરે પડે છે.
આમ પણ સૌરાષ્ટ્ર-કચ્છનો ઉનાળો પાણીની અછતના કારણે આકરો રહે છે. ત્યારે જળસંચય પ્રવૃત્તિ થકી ચેકડેમ તળાવો ખોદવા ઉંડા ઉતારવા ઝુંબેશ સ્વરૂપે વ્યાપક કામગીરી થાય એ જરૂરી છે. ગામડે ગામડે ઓછામાં ઓછુ એક જેસીબી મશીન ફાળવીને જળસંગ્રહ ક્ષેત્રે ક્રાંતિ સર્જી શકાય છે. ટ્રક ટ્રેક્ટરમાં માટી ભરી આપવાનો ખર્ચ માત્ર 15 થી 20% આવે છે જે સરકાર ભોગવે. જ્યારે પોતાના વાહનોમાં માટી ભરી લઇ જનારા ખેડૂતોના શીરે 80 થી 85% ટકા વાહન ખર્ચ આવતો હોય છે. આમ છતાં જળસંચય કાર્યોમાં ખેડૂતો હોંશે જોડાતા હોય છે. ત્યારે સરકાર સત્વરે આયોજન ઘડી અમલમાં લાવે એ જરૂરી છે.
from Bhavnagar News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2HUY4HC
No comments:
Post a Comment