
- જિલ્લામાં ૬૦૪૯૩ હેકટરમાં તમાકુના પાકનું વાવેતર:સૌથી વધુ બોરસદ તાલુકામાં ૧૫૯૨૪ હેકટર અને સૌથી ઓછું તારાપુરમાં ૫૬ હેકટરમાં વાવેતર
આણંદ.તા, 1 એપ્રિલ 2019, સોમવાર
આણંદ જિલ્લામાં ચાલુ સાલે તમાકુના પાક માટે અનુકુળ વાતાવરણ હોવાથી ગત વર્ષની સરખામણીએ ઉપજમાં ૧૦થી ૧૨ ટકાનો વધારો નોંધાતા ખેડૂતોમાં આનંદની લાગણી જન્મી છે. કુલ ૧,૬૯,૬૩૭ હેક્ટર વિસ્તારમાં રવિપાકનું વાવેતર થયું છે ત્યારે તે પૈકી કુલ ૬૦૪૯૩ હેક્ટર વિસ્તારમાં તમાકુનું વાવેતર નોંધાયું છે. જિલ્લામાં સૌથી વધુ બોરસદ તાલુકામાં ૧૫૯૨૪ હેક્ટર વિસ્તારમાં જ્યારે સૌથી ઓછુ તારાપુર તાલુકામાં ૫૬ હેક્ટર વિસ્તારમાં તમાકુનું વાવેતર કરવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે ચરોતરની તમાકુ દેશ-વિદેશમાં દવા તેમજ અન્ય વસ્તુઓ બનાવવા અર્થે નિકાસ થાય છે ત્યારે ચાલુ વર્ષે તમાકુના યોગ્ય ભાવ મળી રહે તેવી આશા ધરતીપુત્રો રાખી રહ્યા છે.
ચરોતરના ભાલ પંથકના ઘઉંની જેમ તમાકુ પણ દેશ વિદેશમાં ઘણી પ્રખ્યાત છે. ચરોતરની તમાકુ દેશ-વિદેશમાં નિકાસ થાય છે. જ્યાં સિંચાઈની સગવડ નથી તેવા અંતરિયાળ ગામોના ખેડૂતો પણ તમાકુના પાકને વિશેષ મહત્વ આપે છે. સમગ્ર આણંદ જિલ્લામાં પણ તમાકુનો પાક ખેડૂતો દ્વારા મોટા પ્રમાણમાં કરવામાં આવે છે. ખાસ કરીને શિયાળાની મોસમ દરમ્યાન ઠંડીની સીધી અસર તમાકુના પાકને થતી હોઈ ખેડૂતો દ્વારા પોતાના ખેતરમાં તમાકુની વાવણી કરવામાં આવે છે.
ઓછા પાણીએ વધુ ઉત્પાદન મળતુ હોઈ તમાકુનો પાક ખેડૂતો માટે ઘણો મહત્વનો છે. ચાલુ વર્ષે જાન્યુઆરી માસના પ્રથમ સપ્તાહ સુધી જિલ્લામાં કુલ ૬૦૪૯૩ હેક્ટર વિસ્તારમાં તમાકુનું વાવેતર કરવામાં આવ્યું છે. વિપુલ પ્રમાણમાં થયેલ વાવેતરને લઈને ચાલુ વર્ષે તમાકુનું ઉત્પાદન વધુ રહેશે તેવું ખેડૂતો માની રહ્યા છે. સાથે સાથે ચાલુ વર્ષે શિયાળાની ઠંડી પણ ઘણી માફકસર રહી છે ત્યારે તમાકુની ગુણવત્તા પણ જળવાશે તેવુ ખેડૂતો જણાવી રહ્યા છે.
આણંદ જિલ્લાના કુલ ૧૬૯૬૩૭ હેક્ટર વિસ્તારમાં રવિપાકનું વાવેતર થયું છે. જે પૈકી ૬૦૪૯૩ હેક્ટર વિસ્તારમાં તમાકુનું વાવેતર નોંધાયું છે. જેમાં આણંદ તાલુકામાં ૧૧૯૫૦ હેક્ટર વિસ્તાર, ઉમરેઠ તાલુકામાં ૪૮૧૦ હેક્ટર વિસ્તાર, બોરસદ તાલુકામાં ૧૫૯૨૪ હેક્ટર વિસ્તાર, આંકલાવ તાલુકામાં ૩૮૨૦ હેક્ટર વિસ્તાર, પેટલાદ તાલુકામાં ૧૨૨૧૨ હેક્ટર વિસ્તાર, સોજિત્રા તાલુકામાં ૧૯૨૭ હેક્ટર વિસ્તાર, ખંભાત તાલુકામાં ૯૭૯૪ હેક્ટર વિસ્તાર અને તારાપુર તાલુકામાં ૫૬ હેક્ટર વિસ્તારમાં તમાકુનું વાવેતર થયું છે.
હાલમાં ખેડૂતો દ્વારા પોતાના ખેતરમાં તૈયાર થયેલ તમાકુના પાકની કાપણી શરૂ કરી દેવામાં આવી છે. યોગ્ય ભાવ મળતા ખેડૂતો દ્વારા તમાકુનું વેચાણ પણ શરૂ કરાશે.
તમાકુનું કુલ વાવેતર ૬૦૪૯૩ હેક્ટર
આણંદ જિલ્લામાં તમાકુનું ૬૦૪૯૩ હેક્ટર વિસ્તારમાં વાવેતર કરાયું છે. જેમાં આણંદ તાલુકામાં ૧૯.૭૫ ટકા, ઉમરેઠ તાલુકામાં ૭.૯૫ ટકા, બોરસદ તાલુકામાં ૨૬.૩૨ ટકા, આંકલાવ તાલુકામાં ૬.૩૧ ટકા, પેટલાદ તાલુકામાં ૨૦.૧૯ ટકા, સોજીત્રા તાલુકામાં ૩.૧૯ ટકા, ખંભાત તાલુકામાં ૧૬.૧૯ ટકા અને તારાપુર તાલુકામાં ૦.૦૯ ટકા હેક્ટર વિસ્તારમાં વાવેતર કરવામાં આવ્યું છે.
પોષણક્ષમ ભાવ ન મળતા ખેડૂતો શાકભાજીના વાવેતર તરફ વળ્યા
ચરોતર પંથકમાં તમાકુ મુખ્ય પાક છે. આણંદ જિલ્લામાં તમાકુ પકવતા ખેડૂતોની સંખ્યા ખૂબ મોટી છે. જો કે છેલ્લા કેટલાક વર્ષોથી તમાકુના યોગ્ય ભાવ ન મળતા તેમજ તમાકુના પાક ઉપર જીએસટી લાગુ પડતા ખેડૂતોને આર્થિક નુકસાન સહન કરવાનો વારો આવે છે. સાથે સાથે તમાકુના યોગ્ય ભાવ ન મળતા હોઈ ખેડૂતો પાયમાલ થઈ રહ્યા છે ત્યારે તમાકુ પકવતા ખેડૂતોને યોગ્ય રક્ષણ આપવામાં આવે અને તમાકુના કાયમી ટેકાના ભાવ નક્કી કરવામાં આવે તેવી માંગ ખેડૂતો દ્વારા કરવામાં આવી છે.
from Kheda anand News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2JX87h6
No comments:
Post a Comment