
- ગેસ લિકેજ બંધ કરાવાયા બાદ મોડીરાતે ફરી બાજુની જલારામ સોસાયટીમાં ગેસ દુર્ગંધ પ્રસરી જતા અફરાતફરી મચી
- છ સ્વીમરને હોસ્પિટલમાં ખસેડાયાઃ રાતે સોસાયટીના રહીશોને ફાયરબ્રિગેડ બહાર કાઢયાઃ હોટલનો સ્વીમીંગ પુલ સીલ કરી નોટિસ ફટકારાઇ
(પ્રતિનિધિ દ્વારા) સુરત, તા. 11 એપ્રિલ 2019, ગુરૂવાર
સુરતના અડાજણની ગોલ્ડ સ્ટાર હોટલના સંચાલકોની લાપરવાહીના કારણે જુની કટાયેલી કલોરીનની બોટલમાંથી ગેસ લિકેજ થતા ૬ જેટલા સ્મીમરોને હોસ્પિટલમાં ખસેડવા પડયા હતા. ફાયર બ્રિગેડે સાંજે ગેસ લિકેજ બંધ કરી દીધો હતો પણ રાતે ફરી ગેસ પ્રસરતા હોટલની આપપાસની જલારામ સોસાયટીના ૨૫૦ લોકોને ઘરની બહાર કાઢવા પડતા અફરાતફરી મચી હતી.
સિટીના પશ્વિમ છેડે અડાજણમાં બાપ્સ હોસ્પિટલની બાજુમાં જ ગોલ્ડ સ્ટાર હોટલ આવી છે. આ હોટલની એક ખોલીમાં વર્ષો જુની બે કલોરીનની બોટલ રાખવામાં આવી હતી.
આ બોટલ કટાઇ ગઇ હોવાથી બુધવારે સાંજે સવા સાત વાગ્યાના અરસામાં બોટલમાં મોટુ ગાબડુ પડીને ગેસ લિકેજ શરૂ થતા નજીકમાં સ્વીમીંગ પુલ પાસેથી પસાર થતા ૬ સ્વીમરોએ ગુંગળામણ અનુભવતા તાબતડો બાપ્સ હોસ્પિટલમાં ખસેડાયા હતા. કોલ મળતા ફાયર બ્રિગેડ સ્થળ પર પહોંચી ગયું હતું.
પાંચ ફાયર જવાનોએ બ્રેથીંગ એપ્રેટર્સ પહેરીને ખોલીમાં પ્રવેશી ગેસ લિકેજ થતી બે બોટલને સ્ટ્રેચર સાથે બાંધી સ્વીમીંગ પુલમાં નાંખી દેતા ગેસની અસર નાબુદ થઇ હતી.
સાંજે ૭.૨૫ કલાકે ફાયર બ્રિગેડને કોલ મળ્યા બાદ સિલિન્ડર બંધ કરાવી હોટલ-સ્વીમીંગ પુલના સ્ટાફને અહીથી ખાલી કરાવી ફાયર જવાનો એક કલાક બાદ રવાના થયા હતા. પરંતુ રાત્રીના સવા દસ વાગ્યે ફરી ગેસ લિકેજનો કોલ આવ્યો હતો. આ વખતે હોટલની બાજુમાં આવેલી જલારામ સોસાયટીમાં ગેસની અસર થઇ હોવાની ફરિયાદ મળી હતી. જેથી લાશ્કરોએ રાતે ફરી દોડી જઇને સોસાયટીમાંથી ૨૫૦ જેટલાલોકોને ઘરની બહાર આવી જવા સુચના આપી હતી.
બે કલાક બાદ ગેસની અસર નાબૂદ થતા તમામને રાતે એક વાગ્યે ફરી ઘરોમાં પ્રવેશવા માટે છૂટ અપાઇ હતી. હોટલના સંચાલકોની લાપરવાહીને લીધે બે વખત ગેસ લિકેજની ઘટના બની હતી. જેથી ફાયરબ્રિગેડે હોટલના સ્વીમીંગ પુલને આજે સવારે સીલ મારી દીધું છે. અને હોટલ સંચાલકો નોટિસ ફટકારી બે બોટલો જપ્ત કરી સામે આગળની કાર્યવાહી શરૂ કરી છે એમ ફાયર ઓફિસર ઇશ્વરભાઇ પટેલે જણાવ્યું હતું.
આ સ્વીમરોને ગેસની અસર થઇ
- શુભ તેજસ ભગત ( ઉ.વ.૧૭ )
- યોગ સ્નેહલ ભગત ( ઉ.વ.૧૫ )
- મિહિર જસ્મીન સોપારીવાલા ( ઉ.વ.૧૬)
- આલોક ધમેન્દ્વ રસાણવાલા ( ઉ.વ.૧૦ )
- વીર જીગ્નેશ મહેતા ( ઉ.વ.૮ )
- જીગ્નેશ મહેતા ( ઉ.વ.૪૫ )
જલારામ સોસાયટીના ૨૫૦ રહીશો બે કલાક ઘરોની બહાર બેસી રહેવું પડયું
મોડીરાતે ફરી ગેસ લિકેજ થયો હતો. અને દુર્ગંધ આવતા જલારામ સોસાયટીના ૨૦૦થી ૨૫૦ રહીશોને સલામતીના ભાગરૂપે ફાયરબ્રિગેડે ઘરોની બહાર કાઢી લીધા હતા. બે થી ત્રણ કલાક સુધી રહીશોએ ઘરોની બહાર બેસી રહેવું પડયું હતું. રાતે એકાદ વાગ્યાના સુમારે ગેસની દુર્ગંધ બંધ થયું અને જોમખ ટળી જતા લોકોને પોતાના ઘરોમાં જવાની પરવાનગી ફાયરબ્રિગેડે આપી હતી.
from Surat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2GjNAiU
No comments:
Post a Comment