ચૂંટણી ફંડના નામે રૂ. 50 લાખની ખંડણી માંગનાર ડભોલીના યુવાનની ધરપકડ - E-News Network (Gujarati)

Breaking

Home Top Ad

Post Top Ad

Friday, 12 April 2019

ચૂંટણી ફંડના નામે રૂ. 50 લાખની ખંડણી માંગનાર ડભોલીના યુવાનની ધરપકડ


- ઓનલાઈન રેડીમેડ કપડાના ધંધામાં રૂ. 38 લાખની ખોટ જતા મિત્રના સરળ સ્વભાવના પિતાને ટાર્ગેટ બનાવ્યા

(પ્રતિનિધિ દ્વારા) સુરત , તા. 11 એપ્રિલ 2019, ગુરૂવાર 

કતારગામ નંદુડોશીની વાડીમાં ભાગીદારીમાં હીરાનું કારખાનું ધરાવતા વેડરોડના કારખાનેદારને રૂબરૂ મળી તેમજ બાદમાં અવરજવર ફોન કરી પોતાની ઓળખ મુંબઈના રાણાભાઇના માણસ તરીકે આપી ચૂંટણી ફંડના નામે રૂ. ૫૦ લાખની ખંડણી માગનાર ડભોલી રોડના યુવાનને ક્રાઈમ બ્રાન્ચે ગણતરીના કલાકોમાં ઝડપી લીધો હતો.

ઝડપાયેલા યુવાનને ઓનલાઈન રેડીમેડ કપડાના ધંધામાં રૂ.૩૮ લાખની ખોટ જતાં તેણે ટૂંકા અને સરળ રસ્તે રૂપિયા કમાવવા માટે છ મહિના અગાઉ જ બનેલા મિત્રના સરળ સ્વભાવના પિતાને ટાર્ગેટ કરી ખંડણીની માગણી કરી હતી. ક્રાઈમ બ્રાન્ચે ઝડપાયેલા યુવાનના ચાર દિવસના રિમાન્ડ મેળવી વધુ પુછપરછ હાથ ધરી છે.

ક્રાઈમ બ્રાન્ચના સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ મૂળ ભાવનગરના વતની અને સુરતમાં વેડરોડ કેન્સર હોસ્પિટલની બાજુમાં દર્શન પાર્ક સોસાયટી ઘર નં.૯ માં રહેતા ૪૫ વર્ષીય તળશીભાઈ ગોપાલભાઈ કોશીયા કતારગામ નંદુડોશીની વાડીમાં મિત્તલ ડાયમંડના નામે ભાગીદારીમાં હીરાનું કારખાનું ધરાવે છે. તેમને સંતાનમાં બે પુત્ર - કેયુર ( ઉ.વ.૨૪ ) અને તીર્થ ( ઉ.વ.૨૨ ) છે.

બંન્ને પુત્રો તેમને ધંધામાં મદદ કરે છે. દરમિયાન, ગત ૮ મી ના રોજ સવારે ૧૦ વાગ્યે તળશીભાઈ નિયમ મુજબ ઘરેથી નીકળ્યાં હતાં અને ડ્રાઈવરને કાર લઈ સોસાયટીના ગેટ બહાર બોલાવ્યો હતો.તે ચાલતા ચાલતા સોસાયટીની બહાર જતા હતા ત્યારે ૨૦ થી ૨૫ વર્ષના અજાણ્યા યુવાને તેમને બોલાવી પોતાના મોબાઈલ ફોનમાં પાડેલો કેયુરનો ફોટો બતાવી કહ્યું હતું કે હું મુંબઈના રાણાભાઇનો માણસ છું અને ચૂંટણી ફંડ માટે તમારે રૂ. ૫૦ લાખ આપવાના છે.

તળશીભાઇ તે સમયે પછી વાત કરીશું તેમ કહી કારખાને ચાલ્યા ગયા હતા. બાદમાં તે અજાણ્યાએ એક મોબાઈલ નંબર ઉપરથી તળશીભાઇને અવારનવાર ફોન કરી મારી ૧૫ માણસોની ગેંગ છે, તમે ઇજ્જતવાળા માણસ છો, જેથી કઈ કરવું નથી, બાકી તો અહીં ઉભા ઉભા હું બધું જ કરી શકું તેમ છું, તમે અત્યારે વાયદો કરીને નીકળી જશો તો તમારા છોકરાને ઘરે જીવતો નહીં પહોંચવા દઉ તેમ ધમકી આપી પૈસાની માગણી ચાલુ રાખી હતી. આ અંગે તળશીભાઈએ ક્રાઈમ બ્રાન્ચમાં ફરિયાદ નોંધાવી હતી.

દરમિયાન, હે.કો.હરીસિંહ અને હરપાલસિંહને મળેલી બાતમીના આધારે પીએસઆઇ સી એચ પનારા અને ટીમે સુમુલ ડેરી રોડ અલકાપુરી બ્રિજ નીચેથી પૈસાની માંગણી કરનાર સાવન પંકજભાઈ ગઢીયા ( ઉ.વ. ૨૩ ) ( રહે.૩૨,બી.કે.નગર, ગીતાનગરની બાજુમાં, સિંગણપોર, ડભોલી રોડ, સુરત.  મૂળ રહે.ગઢડા, જી. બોટાદ ) ને ગણતરીના કલાકોમાં ઝડપી લીધો હતો.

ક્રાઇમ બ્રાન્ચે સાવનની પૂછપરછ કરતાં તેણે જણાવ્યું હતું કે તેને ઓનલાઈન રેડીમેડ કપડાના ધંધામાં રૂ. ૩૮ લાખની ખોટ ગઈ હતી. આથી ટૂંકા અને સરળ રસ્તે રૂપિયા કમાવવા માટે તે વિચારતો હતો. દરમિયાન, છ મહિના પહેલા તેની મિત્રતા તળશીભાઈના દીકરા કેયુર સાથે થઈ હતી. આથી તેને તળશીભાઈના ધંધાની અને તેમના ઘરના તમામ સભ્યોની માહિતી હતી. વળી, તળશીભાઈ ખૂબ જ સરળ પ્રકૃતિના લાગતાં તેમની પાસેથી સહેલાઇથી ખંડણી માંગી પૈસા પડાવી શકાય તેવું લાગતા તેણે તેમને ટાર્ગેટ કર્યા હતા.



from Surat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2IuDugO

No comments:

Post a Comment

Post Bottom Ad

Pages