નર્મદ યુનિ.ના સેનેટસભા હોલ બહાર NSUIનો ભારે હંગામો, પોલીસ બોલાવવી પડી - E-News Network (Gujarati)

Breaking

Home Top Ad

Post Top Ad

Thursday, 28 March 2019

નર્મદ યુનિ.ના સેનેટસભા હોલ બહાર NSUIનો ભારે હંગામો, પોલીસ બોલાવવી પડી


- 'જુતે મારો શિક્ષણ કે દલાલો કો' સૂત્રો સાથે હલ્લામાં હોલનો એક ગેટ તૂટયોઃ વિનંતી છતા કુલપતિએ આવેદનપત્ર સ્વીકારવા ના કહેતા મામલો બિચક્યો

- છેવટે ૧ એસીપી, ૩ પી.આઇ, ૫ પીએસઆઇના બંદોબસ્તમાં સભા પુર્ણ કરાઇ

(પ્રતિનિધિ દ્વારા)  સુરત, તા. 27 માર્ચ 2019, બુધવાર 

આચાર સંહિતાનો ભંગ થતો હોવાથી વીર નર્મદ યુનિવર્સિટીની વાર્ષિક સેનેટ સભા બંધ કરાવવા માટે એનએસયુઆઇના કાર્યકરોએ ભારે હંગોમાં મચાવીને સેનેટ હોલના દરવાજાનો એક ભાગ તોડી નાંખ્યો હતો. ભારે ધમાચકડીને પગલે સેનેટ સભા હોલની બહાર એક એસીપી, ત્રણ પોલીસ ઇન્સ્પેકટર અને પાંચ પીએસઆઇનો બંદોબસ્ત ગોઠવી સભા પુર્ણ કરાઇ હતી. કુલપતિને આવેદનપત્ર સ્વીકારવા માટે પોલીસ અધિકારીઓએ પણ વિનંતી કરવા છતા તેઓ માન્યતા નહોતા અને ધમાચકડી વધી હતી.

દર વર્ષે સેનેટ સભામાં તોફાનો થતા હોવાથી પહેલેથી જ પોલીસ બંદોબસ્ત કે બાઉન્સર મુકી દેવાતા હોય છે. પરંતુ આ વર્ષે બંદોબસ્તના નામે બે પોલીસ જવાનો હતા. જેવી સેનેટ સભા શરૂ થઇ કે થોડી વારમાં જ એનએસયુઆઇના કાર્યકરો મોટી સંખ્યામાં સેનેટ સભા હોલમાં ધસી આવીને બંદોબસ્ત કરી રહેલા જવાનોને હડસેલો મારીને સેનેટ સભાના દરવાજા સુધી પહોંચી ગયા હતા. અને જોરશોરથી દરવાજો ખખડાવીને ભારે સુત્રોચ્ચાર કર્યા હતા. બે કલાક સુધી સેનેટ સભા નો દરવાજો ખખડાવાતા એક ભાગ તુટી ગયો હતો. 

આ તોડફોડ વચ્ચે કાર્યકરો જોરશોરથી સુત્રોચ્ચાર કરતા હતા કે કુલપતિની ડિગ્રી કેવી ? તો સામેથી બીજા કાર્યકરો બોલતા હતા કે 'ગોળ ગોળ'.. ઉપરાંત 'જુતે મારો શિક્ષણ કે દલાલો કો' જેવા આવા અનેક સુત્રોચ્ચાર કરતા વાતાવરણ તંગ બન્યું હતું. જેથી વધુ પોલીસ કાફલો બોલાવી લેવાયો હતો. જેમાં એક એ.સી.પી.,  ત્રણ પી.આઇ અને પાંચ પો.સ.ઇ.ના બંદોબસ્ત સાથે સેનેટ સભા પુર્ણ કરાઇ હતી. 

પોલીસ અધિકારીઓએ કુલપતિને આવેદનપત્ર સ્વીકારવા માટે વિનંતી કરી હતી. પરંતુ કુલપતિ ટસ ના મસ ન થતા મામલો વધુ બીચકયો હોવાનું સુત્રો જણાવે છે. વધુમાં આ તોડફોડ બાબતે યુનિવર્સિટી દ્વારા એનએસયુઆઇના કાર્યકરો વિરૂધ્ધ પોલીસ ફરિયાદ નોંધવાની તજવીજ હાથ ધરાઇ છે.

ડિગ્રી અભ્યાસના નિયમમાં ફેરફાર નહી થતા સભ્યોનો વોકઆઉટ

સેનેટ સભાના અંત ભાગમાં વિદ્યાર્થીઓ માટે પાંચ વર્ષમાં ડિગ્રીનો અભ્યાસક્રમ પૂર્ણ કરવા માટે જે નિયમ કરાયો છે. તેમાં સુધારો કરવા માટે કનુ ભરવાડે રજુઆત કરી હતી. તેમણ ેકહયુ હતુ કે ગત સેનેટ સભામાં આ મુદ્દો રીફર બેક કરાયો હતો. ત્યારબાદ કોઇ નિર્ણય લેવાયો નહોતો. આ સમય મર્યાદામાં ફેરફાર નહીં કરાતા હાલમાં ૭૦૦૦ જેટલા વિદ્યાર્થીઓ ડિગ્રી વગર વંચિત રહી ગયા છે. આથી એક તક આપવામાં આવે, પરંતુ કોઇ નિર્ણય નહી લેવાતા કનુ ભરવાડ અને અન્ય સભ્યો વોકઆઉટ કર્યો હતો. તેમણે વોકઆઉટર કર્યા બાદ તુરંત રાષ્ટ્રગીત શરૂ કરી દેવાયું હતું એમ તેમણે જણાવ્યું હતું. 

ધમાલ અંગે પોલીસ ફરિયાદમાં વિલબંથી સેનેટ સભ્યો અકળાયા

રોષે ભરાયેલા સભ્યોને કુલપતિએ કહયું, અંદરની ચેમ્બરમાં જઇને વાત કરીએ તો સભ્યોએ સાફ ઇન્કાર કરી દીધો

એનએસયુઆઇના કાર્યકરો વિરૂધ્ધ પોલીસ ફરિયાદ નોંધવા માટે યુનિવર્સિટીનું તંત્ર ઢીલાશ કરતા કિરણ ઘોધારી, કનુ ભરવાડ, સંકેત  શર્મા અને અન્ય સભ્યોએ કુલપતિની ચેમ્બરમાં જઇને ધારધાર રજુઆતો કરી હતી કે યુનિવર્સિટીમાં ભારે ધમાલ મચાવી છે. ભાજપની હાય હાય બોલાવીને આચાર સંહિતાનો ભંગ કરાયો છે.  તેમ છતા તંત્ર તરફથી માત્ર રજુઆતો થતી હોવાની વાતો કરતા આ સભ્યોએ ભારે રોષ પ્રગટ કર્યો હતો. કુલપતિને એકદમ ધમકી ભર્યા સ્વરમાં જણાવ્યુ હતુ કે જો તમે કોઇ કાર્યવાહી ન કરશો તો અમે પોલીસ કમિશ્નરમાં જઇને નિવેદનો અપાવીશુ. સભ્યોનો ભારે રોષ જોતા જ કુલપતિ ઉભા થઇને કિરણ ઘોઘારી પાસે આવ્યા હતા. અને કહયુ હતુ કે એક મિનિટ તમે અંદરની ચેમ્બરમાં આવીને વાત કરીએ. તો સામેથી તમામ સભ્યોએ કહયુ હતુ કે તમારે જે પણ કહેવુ હોય તો બધાની સામે કહો. આમ કહેતા જ એમની ચેમ્બરમાં લઇ જવાના બદલે પાછા ખુરશી પર બેસી ગયા હતા.

સભામાં કાઠીયાવાડી કહેવત, 'દોરડે દીવા બળશે, પાવડે પાણી વહેંચાશે અને ભવૈયા રાજ કરશે, ઘાણીએ વિદ્યાર્થી પીલાશે' કહેવાતા સત્તાધિશોનો વિરોધ

દોરડે દીવા બળશે, પાવડે પાણી વહેંચાશે અને ભવૈયા રાજ કરશે, ઘાણીએ વિદ્યાર્થી પીલાશે. સેનેટ સભ્ય ભાવેશ રબારીએ કાઠીયાવાડી લહેકામાં આ કહેવત કહેતા જ સતાધારી પક્ષોએ ભારે વિરોધ કર્યો હતો. કુલપતિએ પણ વિરોધ કરીને ભાવેશ રબારીને આ શબ્દો પાછા ખેંચી લેવા માટે કહયુ હતુ. પરંતુ ભાવેશ રબારીએ સ્પષ્ટ ના પાડી દીધી હતી કે મારા શબ્દો પાછા ખેંચીશ નહીં. આ વાતને લઇને ભારે તડાફડી થઇ હતી.



from Surat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2CGP705

No comments:

Post a Comment

Post Bottom Ad

Pages