
શિકાગો, તા. 04 માર્ચ 2019, સોમવાર
એક તરફ અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના ડિપાર્ટમેન્ટ ઓફ હોલેન્ડ સિક્યોરિટીના અધિકારીઓ એચ-૪ વિઝા ધારકોના વિઝા રદ કરવા માટેની તૈયારીઓ કરી રહ્યા છે અને તે અંગેની એક દરખાસ્ત તેમણે વાઇટ હાઉસમાં આવેલ ઓફિસ ઓફ મેનેજમેન્ટ અને બજેટને આગળ ઘટતા પગલા ભરવા માટે મોકલી આપેલ છે અને ત્યાં આગળ ઓફિસ ઓફ ઇન્ફોર્મેશન એન્ડ રેગ્યુલેટરી અફેર્સના સત્તાવાળાઓ કે જેના વડા તરીકે ભારતીય અમેરિકન નોમી હાઉ કરે છે તે આ દરખાસ્ત અંગે ઘટતું કરશે તેમ જાણવા મળે છે.
આ અંગે વિશેષમાં માહિતી મળી છે તે મુજબ અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે આ નોમી હાઉની ડીસી સર્કિટ કોર્ટ અપીલ્સમાં ન્યાયાધિશની ખાલી રહેલ જગ્યા માટે ભલામણ કરેલ છે અને આ અદાલત સમગ્ર અમેરિકામાં એક ઉચ્ચ પ્રકારની ન્યાયાલયની ગણતરીમાં આવે છે અને તેમાં ભલામણ કરવામાં આવેલ વ્યક્તિ નોમી હાઉએ એચ-૪ પ્રોગ્રામ અંગે મળેલ દરખાસ્તના પ્રશ્નમાં કોઈ પણ પ્રકારની ટીકા ટીપ્પણ કરેલ નથી.
અમેરિકાના ભૂતપૂર્વ પ્રમુખ બરાક ઓબામાએ ૨૦૧૪- ૨૦૧૫ના વર્ષ દરમ્યાન એચ-૪ પ્રોગ્રામનો અમલ શરૂ કર્યો હતો અને જે લોકો એચ-૧ બી વિઝા ધારક હોય તો પોતાની પત્ની અથવા પતિને અત્રે બોલાવી શકે તથા કામ કરવાનો હક પણ તેઓને પ્રાપ્ત થતો હતો.
પરંતુ અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે સત્તાના સૂત્રો પોતાના હાથમાં લીધા બાદ તેમણે આ સમગ્ર પ્રોગ્રામને નાબૂદ કરવાનો નિર્ણય કરતા બાય અમેરિકન અને હાયર અમેરિકન પ્રોગ્રામને અગ્રેસરતા આપવાનો નિર્ણય કર્યો હતો અને તે અંગેની સૂચના તેમણે લાગતા વળગતા ખાતાના અધિકારીઓને આપી હતી અને તે આધારે તમામ અધિકારીઓએ જરૂરી કાર્યવાહીઓ હાથ ધરી હતી.
અમેરિકામાં એચ-૪ વિઝાધારકોને પોતાનું ભાવિ અસલામતીભર્યું લાગતું હોવાથી કેટલાક આવા વિઝાધારકોએ પોતાના દેશ પાછા ફરવાનો નિર્ણય કર્યો છે. અને મોટા ભાગના લોકો આ અંગે અમેરિકાના પ્રમુખ ટ્રમ્પનું વહીવટી તંત્ર કેવા પગલા ભરે છે તે તરફ તેઓનું ધ્યાન કેન્દ્રિત થયેલું જોવા મળે છે. હાલમાં એક અંદાજ અનુસાર ભારતની નેવુ હજાર જેટલી મહિલાઓ એચ-૪ વિઝાધારક છે અને તેમના પર પ્રમુખ ટ્રમ્પની તલવાર લટકી રહેલ છે.
વધારામાં ડીપારટમેન્ટ ઓફ હોમલેન્ડ સિક્યોરિટીના અધિકારીઓએ ગયા માસની ૨૦મી તારીખે આ પ્રોગ્રામને રદ કરવા અંગેની દરખાસ્ત વાઇટ હાઉસને મોકલવામાં આવેલ છે અને ત્યાં આગળ ઓફિસ ઓફ મેનેજમેન્ટ એન્ડ બજેટના અધિકારીઓ તેને રિવ્યૂ કરશે. જે દરખાસ્ત મોકલવામાં આવેલ છે તેનાથી અમેરિકન કામદારોને મોટા પ્રમાણમાં ફાયદો થશે તેવું વિશ્વાસપાત્ર સાધનો દ્વારા જાણવા મળેલ છે.
આ દરખાસ્ત રિવ્યૂ થયા બાદ ડીપાર્ટમેન્ટ ઓફ હોમલેન્ડ સિક્યોરિટીના અધિકારીઓ નવા નિયમોને ફેડરલ રજીસ્ટરમાં જાહેર જનતાના સૂચનો માટે પ્રસિદ્ધ કરવામાં આવશે અને ૩૦થી ૬૦ દિવસના સમય ગાળા દરમ્યાન સૂચનોની ચકાસણી કરવામાં આવશે અને ત્યારબાદ આ પ્રોગ્રામને તાત્કાલીક અસરથી નાબૂદ કરવો કે કેમ તે અંગેનો નિર્ણય કરવામાં આવશે. આ અંગે વધુમાં જાણવા મળે છે તેમ જ્યાં સુધી ઓફિસ ઓફ ઇન્ફોરમેશન એન્ડ રેગ્યુલેટરી અફેર્સની ઓફિસ તરફથી આ અંગેની લીલી ઝંડી ન મળે ત્યાં સુધી કેન્દ્રની કોઈ પણ સંસ્થા તે પ્રસિદ્ધ ન કરી શકે.
આ નવા નિયમો પ્રસિદ્ધ કરવામાં આવે તો તેને ન્યાયની અદાલતમાં પડકારવામાં આવે એ ચોક્કસ બીના છે. હાલમાં સેવ જોબ યુએસએ નામના સંગઠન દ્વારા અપીલ્સ કોર્ટમાં કેસ કરવામાં આવેલ છે અને તેમાં જો ડીપાર્ટમેન્ટ ઓફ હોમલેન્ડ સિક્યોરિટીનો વિજય થાય તો પછી બીજા દાવાઓ નિરર્થક નીવડી શકે એવું હાલના વાતાવરણ પરથી જણાઈ રહ્યું છે.
કેલિફોર્નિયાના હાઉસના પ્રતિનિધિ ઝી લોફગ્રીન અને એના ઇશુએ હાઉસમાં આ પ્રોગ્રામને બચાવવા માટે એક દરખાસ્ત પણ રજૂ કરેલ છે તથા ડેમોક્રેટિક સેનેટર કમલા હેરીએ તેમજ સેનેટર ગીલી બ્રાન્ડે ડીએચએસને પત્ર પાઠવીને આ પ્રોગ્રામને જેમનો તેમ રાખવા વિનંતી કરેલ છે.
આ અંગે હવે પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનું વહીવટી તંત્ર આ પ્રોગ્રામ રદ કરવા માટે કેવા પગલા ભરે છે તે તરફ સૌનું ધ્યાન કેન્દ્રિત થયેલું જોવા મળે છે અને અમારા વાંચક વર્ગને થનાર ફેરફારથી માહિતગાર કરતા રહીશું તેની સૌ ખાત્રી રાખે.
from Nri news News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2HbA2Yn
No comments:
Post a Comment