નવી દિલ્હી, તા. 28 માર્ચ, 2019, ગુરૂવાર
સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેકટ ટેકસિઝ (સીબીડીટી)એ ખતરાની ઘંટડી વગાડી છે અને આવક વેરા વિભાગને વ્યાપક ઝૂંબેશ હાથ ધરવા સૂચના આપી છે કારણ કે સીધા વેરાની વસૂલી ટાર્ગેટ કરતા ૧૫ ટકા ઓછી થઈ છે. વર્તમાન નાણાં વર્ષ પૂરું થવાને હવે એક સપ્તાહ કરતા પણ ઓછો સમય બાકી છે.
૨૬ માર્ચના રોજ સીબીડીટી દ્વારા લખાયેલા એક પત્રમાં વિભાગના પ્રાદેશિક વડાઓને જણાવાયું હતું કે, વેરા વસૂલીના આંકડાની સમીક્ષા કરવામાં આવી છે અને ૨૩મી માર્ચ સુધીમાં સીધા વેરાની કુલ રૂપિયા ૧૦,૨૧,૨૫૧ કરોડની વસૂલી થઈ છે જ્યારે ટાર્ગેટ રૂપિયા ૧૨ લાખ કરોડનો છે.
દેશભરમાં આવક વેરા વિભાગના વેરા વસૂલી પર નજર રાખવા માટે જવાબદાર અધિકારીએ એવા વિસ્તારો ઓળખી કાઢયા છે જ્યાંથી વેરાની વસૂલી નબળી રહી છે. મથાળા પ્રમાણે, કરાયેલી એનાલિસિસમાં નિયમિત વસૂલીનો વૃદ્ધિ દર કથળીને નકારાત્મક રહ્યો હોવાનું જણાયું છે. આ એક ખતરાની ઘંટડી છે જેની સામે ત્વરિતે ધ્યાન આપવાની જરૂર છે, એમ પત્રમાં ઉલ્લેખવામાં આવ્યું છે.
આ સ્થિતિ પ્રત્યે સીબીડીટીએ નારાજગી વ્યકત કરી છે અને વેરા અધિકારીઓને તેમની કમર કસવા તાકીદ કરી છે જેથી વેરાનો ટાર્ગટ સિદ્ધ થઈ શકે. સીબીડીટીએ આઈટી વિભાગ માટે નીતિ નિશ્ચિત કરી છે. નિયમિત એસેસમેન્ટ ટેકસ કામગીરીનો બેન્ચ-માર્ક છે કારણ કે તે ડીમાન્ડની ગુણવત્તા પર આધારિત હોય છે અને જે આગળ જતા મૂળ વસૂલીમાં રૂપાંતરિત થઈ શકે છે એમ પત્રમાં વધુમાં લખવામાં આવ્યું છે.
સીબીડીટીએ વિવિધ સંદેશવ્યવહારો મારફત સીનિયર અધિકારીઓ સાથે વ્યૂહો અંગે અવારનવાર ચર્ચા કરી છે અને આ વ્યૂહો સફળ રહે અને વેરાની વસૂલીમાં વધારો થાય તેવી અપેક્ષા રખાતી હતી પરંતુ પ્રાપ્ત આંકડાઓ સંતોષકારક નથી એમ પત્રમાં ટિપ્પણી કરવામાં આવી છે. કલેકશન ટાર્ગેટ સિદ્ધ થઈ શકે તે માટે દરેક શકય પગલાં હાથ ધરવા તેમણે પ્રાદેશિક વિભાગોને સૂચના આપી છે.
સીધા વેરાની વસૂલી ટાર્ગેટ કરતા ઊંચી રહેશે અને તેને કારણે આડકતરા વેરાની વસૂલીમાં સૂચિત તૂટ ભરપાઈ થઈ શકશે એવી નાણાં મંત્રાલયને આશા હતી. પરંતુ હવે સીધા વેરા તથા આડકતરા વેરા બન્નેની વસૂલી સુધારિત અંદાજ કરતા પણ નીચી રહેવાની શકયતા છે. વેરાની વસૂલી ઓછી રહેવાની શકયતાને જોતા સરકાર વર્તમાન નાણાં વર્ષના અંતે રાજકોષિય ખાધ જીડીપીના ૩.૪૦ ટકા સુધી સીમિત રાખી શકશે કે કેમ તે ચિંતાની બાબત બની છે.
from Business News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2JMUxNe
No comments:
Post a Comment