
- જિલ્લામાં કુલ ૫૭૮૦૫ હેકટરમાં ઘઉંનું વાવેતર
- સૌથી વધુ તારાપુર પંથકમાં ૨૩૩૩૨ હેકટર અને સૌથી ઓછું આંકલાવમાં ૪૧૭ હેકટરમાં વાવેતર
આણંદ.તા,૨૮
આણંદ જિલ્લાનો ભાલ પંથક ઘઉંના પાક માટે દેશ-વિદેશમાં વખણાય છે. અહીંના ઘઉંની અન્ય રાજ્યોમાં પણ માંગ વધુ રહેતી હોય છે. ચાલુ વર્ષે ઠંડીનું પ્રમાણ સારુ રહેતા જિલ્લાના ખંભાત તેમજ તારાપુર પંથકમાં ઘઉંનું મબલખ ઉત્પાદન થશે તેવી આશા ખેડૂતો રાખી રહ્યા છે. જાન્યુઆરી માસના પ્રારંભ સુધીમાં જિલ્લાના કુલ ૫૭૮૦૫ હેક્ટર વિસ્તારમાં પિયત ઘઉંનું વાવેતર કરાયું હતું. જેમાં સૌથી વધુ તારાપુર પંથકમાં ૨૩૩૩૨ હેક્ટર વિસ્તારમાં જ્યારે સૌથી ઓછુ આંકલાવ તાલુકામાં ૪૧૭ હેક્ટર વિસ્તારમાં પિયત ઘઉંનું વાવેતર કરાયું હતું. હાલ ભાલ પંથક સહિત જિલ્લાના વિવિધ વિસ્તારોના ખેતરમાં ઘઉંનો પાક તૈયાર હોઈ ખેડૂતોએ કાપણીની કામગીરી હાથ ધરી છે.
ઘઉંના પાક માટે શિયાળાની મોસમ અતિઉત્તમ હોવાથી આ મોસમ દરમ્યાન જિલ્લાના ભાલ પંથકના ખેડૂતો વિપુલ પ્રમાણમાં ઘઉંનું વાવેતર કરતા હોય છે. જાન્યુઆરી માસના પ્રારંભ સુધી સમગ્ર આણંદ જિલ્લામાં કુલ ૧૬૯૬૩૭ હેક્ટર વિસ્તારમાં વિવિધ રવિપાકનું વાવેતર થયું હતું. જે પૈકી ૫૭૮૦૫ હેક્ટર વિસ્તારમાં પિયત ઘઉં વાવેતર નોંધાયું છે. ભાલ પંથક તરીકે જાણીતા જિલ્લાના તારાપુર તાલુકામાં ૨૩૩૩૨ અને ખંભાત તાલુકામાં ૧૭૧૩૪ હેક્ટર વિસ્તારમાં પિયત ઘઉંનું વાવેતર નોંધાયું છે.
આણંદ જિલ્લામાં પિયત ઘઉંની સાથે સાથે રવિપાકમાં અન્ય ધાન્ય રાજગરો, ચણા, રાઈ, દિવેલા, તમાકુ, જીરૂ, બટાકા, શાકભાજી તેમજ ઘાસચારા અને ચિકોરીનું વાવેતર કરવામાં આવ્યું છે. જેમાં જિલ્લાના ખંભાત તાલુકામાં સૌથી વધુ ૩૫૫૫૦ હેક્ટર વિસ્તારમાં રવિ પાકનું વાવેતર નોંધાયું છે. જ્યારે સૌથી ઓછું આંકલાવ તાલુકામાં ૧૧૩૩૪ હેક્ટર વિસ્તારમાં રવિ પાકનું વાવેતર થયું છે. ચાલુ વર્ષે ઠંડીની શરૂઆત પંદરેક દિવસ મોડી થઈ હતી. જો કે ત્યારબાદ સમગ્ર આણંદ જિલ્લામાં રેકોર્ડ બ્રેક ઠંડી નોંધાઈ હતી. ફેબુ્રઆરીના અંત સુધી સમગ્ર જિલ્લામાં ઠંડીનું જોર જોવા મળ્યું હતું.
ચાલુ વર્ષે નોંધાયેલ રેકોર્ડ બ્રેક ઠંડીના કારણે ઘઉંના પાકને ફાયદો થશે અને ઉત્પાદન વધશે તેવી આશા ધરતીપુત્રો રાખી રહ્યા છે. હાલ જિલ્લાના વિવિધ ખેતરોમાં ઘઉંનો પાક તૈયાર થઈ ગયો છે અને કેટલાક ખેડૂતો દ્વારા ઘઉંના પાકની કાપણી શરૂ કરવામાં આવી છે.
ખંભાત તાલુકામાં સૌથી વધુ ચણાનું વાવેતર
આણંદ જિલ્લામાં ચાલુ વર્ષે રવિપાકમાં ચણાનું વાવેતર ૫૬૭૨ હેક્ટર વિસ્તારમાં કરવામાં આવ્યું છે. જેમાં સૌથી વધુ ખંભાત તાલુકામાં ૫૦૬૨ હેક્ટર વિસ્તારમાં ચણાનું વાવેતર કરાયું છે.
આણંદ જિલ્લાના ઉમરેઠ તાલુકામાં ૧૦૩ હેક્ટર વિસ્તારમાં, બોરસદ તાલુકામાં ૧૦૪ હેક્ટર વિસ્તારમાં અને તારાપુર તાલુકામાં ૪૦૩ હેક્ટર વિસ્તારમાં ચણાનું વાવેતર કરાયું છે. જ્યારે આણંદ જિલ્લાના આણંદ, આંકલાવ, પેટલાદ, સોજીત્રા તાલુકામાં ચણાનું વાવેતર નોંધાયું નથી.
ત્રણ વર્ષના વાવેતરનું સરવૈયું
આણંદ જિલ્લામાં છેલ્લા ત્રણ વર્ષની સરેરાશ મુજબ જોવા જઈએ તો કુલ ૧૬૬૯૭૨ હેક્ટર વિસ્તારમાં રવિપાકનું વાવેતર કરવામાં આવે છે. જેની સામે ચાલુ વર્ષે ૧૬૯૬૩૭ હેક્ટર વિસ્તારમાં રવિપાકનું વાવેતર કરાયું છે.
છેલ્લા ત્રણ વર્ષની સરેરાશ અનુસાર આણંદ તાલુકામાં ૨૪૪૦૫, ઉમરેઠ તાલુકામાં ૧૩૦૮૯, બોરસદ તાલુકામાં ૨૫૧૩૩, આંકલાવ તાલુકામાં ૯૮૨૯, પેટલાદ તાલુકામાં ૨૦૮૧૫, સોજીત્રા તાલુકામાં ૧૨૬૩૮, ખંભાત તાલુકામાં ૩૬૨૫૩ અને તારાપુર તાલુકામાં ૨૪૮૧૦ હેક્ટર વિસ્તારમાં રવિપાકનું વાવેતર નોંધાયું હતું. જેની સામે ચાલુ વર્ષે આણંદ તાલુકામાં ૨૭૪૫૯, ઉમરેઠ તાલુકામાં ૧૨૨૮૨, બોરસદ તાલુકામાં ૨૫૨૭૪, આંકલાવ તાલુકામાં ૧૧૩૩૪, પેટલાદ તાલુકામાં ૧૮૭૫૭, સોજીત્રા તાલુકામાં ૧૨૬૪૫, ખંભાત તાલુકામાં ૩૫૫૫૦ અને તારાપુર તાલુકામાં ૨૬૩૩૬ હેક્ટર વિસ્તારમાં રવિપાકનું વાવેતર નોંધાયું છે.
from Kheda anand News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2HJjGqh
No comments:
Post a Comment