
નવી દિલ્હી, 28 માર્ચ 2019, ગુરુવાર
1 એપ્રિલ 2019થી નવું નાણાકીય વર્ષ શરૂ થઈ જશે. આ તારીખથી અનેક નવા નિયમ અમલમાં આવશે અને તેના કારણે મોટા ફેરફાર થશે. નવા નાણાકીય વર્ષમાં સરકારની નેશનલ પેન્શન સ્કીમમાં પણ ફેરફાર થઈ રહ્યો છે. આ સ્કીમમાં ખાતું ખોલાવનારને ટેક્સમાંથી માફી મળી જશે. સરકારએ નેશનલ પેન્શન સ્કીમને પીપીએફ હેઠળ EEEનો દરજ્જો આપ્યો છે.
આ યોજના હેઠળ સરકાર કર્મચારીઓને પગારના 14 ટકાનું યોગદાન આપશે. પહેલા સરકારનું યોગદાન તેમાં 10 ટકા જ હતું. જો કે આ યોજનામાં કર્મચારીનું યોગદાન 10 ટકા જ રહેશે. આ યોજનાથી કેન્દ્ર સરકારના 36 લાખ કર્મચારીઓને લાભ થશે. જો કે આ યોજના સાથે સરકારી ઉપરાંત પ્રાઈવેટ સેક્ટરમાં કામ કરતા કર્મચારી પણ જોડાઈ શકે છે.
જાણો યોજનાની મહત્વની વાતો
એનપીએસના નિયમો અનુસાર કર્મચારી નિવૃતિ સમયે કુલ જમા રકમમાંથી 60 ટકા રકમ ઉપાડી શકે છે. બાકી બચેલી 40 ટકા રકમ પેન્શન યોજનામાં જમા થાય છે. એટલે કે નિવૃત્તિ સમયે 60 ટકામાંથી 40 ટકા રકમ ટેક્સ ફ્રી હોય છે. જ્યારે 1 એપ્રિલથી આ યોજનામાં રોકાણ કરનારને ટેક્સ માફી મળશે.
પેન્શનની રકમ
60 વર્ષની ઉંમર સુધીમાં તમે કેટલી એન્યુટી ખરીદો છે તે અનુસાર તમારા પેંશનની રકમ નક્કી થશે. દાખલા તરીકે કોઈ વ્યક્તિની ઉંમર 30 વર્ષની છે અને તે એનપીએસમાં દર મહિને 5000 રૂપિયાનું રોકાણ કરે છે. તેના પર સરેરાશ 10 ટકા રીટર્ન મળે છે. તો નિવૃત્તિ સુધીમાં એનપીએસ ફંડમાં અંદાજે 1 કરોડ 14 લાખ રૂપિયા જમા થશે.
આ સ્કીમના નિયમો અનુસાર નિવૃતિ સુધીમાં તમારે કુલ ફંડના 40 ટકાના એન્યુટી પ્લાન ખરીદવા પડશે. ત્યારબાદ બાકીની રકમ તમને લમ સમ અમાઉન્ટ તરીકે પરત મળી જશે. જો તમે 50 ટકાના એન્યુટી પ્લાન ખરીદો છો તે નિવૃત્તિ સમયે 57 લાખ જેટલી રકમ મળશે.
નેશનલ પેન્શન સ્કીમ એક રિટાયરમેન્ટ સેવિંગ અકાઉન્ટ છે. જેને ભારત સરકારે 1 જાન્યુઆરી 2004ના રોજ લોન્ચ કર્યુ હતું. આ તારીખ બાદ નોકરી પર જોડાયેલા દરેક કર્મચારી માટે આ યોજના અનિવાર્ય છે. જોકે 2009 બાદ આ યોજનામાં પ્રાઈવેટ સેક્ટરના કર્મચારીઓ પણ જોડાઈ શકે તેવી વ્યવસ્થા કરવામાં આવી હતી. જેના કારણે 60 વર્ષ સુધીના કર્મચારીઓ પોતાની મરજીથી આ યોજનામાં જોડાઈ શકે છે.
આ રીતે ખોલાવો ખાતુ
નેશનલ પેન્શન સ્કીમમાં ખાતુ પ્રાઈવેટ તેમજ સરકારી બેન્કમાં ખોલાવી શકાય છે. આ યોજના હેઠળ બે અકાઉંટ હોય છે. જેમાં ટીયર 1 અને ટીયર 2નો સમાવેશ થાય છે. દરેક ગ્રાહકને પરમેનન્ટ રિટારમેન્ટ અકાઉન્ટ નંબર કાર્ડ આપવામાં આવે છે. જેના પર 12 આંકડાનો એક નંબર હોય છે. 65 વર્ષ સુધીના કોઈપણ વ્યક્તિ 500 રૂપિયાથી એનપીએસ અકાઉંટ ખોલાવી શકે છે.
from Business News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2uxOOAA
No comments:
Post a Comment