
માનવતાના દુશ્મનોથી ધરતીને બચાવવા પ્રભુની શક્તિ હંમેશા આપણી સાથે છે
ચુરુ, તા.26 ફેબ્રુઆરી, 2019, મંગળવાર
પાકિસ્તાનમાં આતંકી કોમ્પો પર એરફોર્સની સ્ટ્રાઇક બાદ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સૈન્યના વખાણ કર્યા હતા. સાથે તેમણે જણાવ્યું હતું કે દેશ સુરક્ષીત હાથોમાં છે. મોદીએ સૈન્યની ત્રણેય પાંખોના વડાઓની સાથે બેઠક યોજી હતી જેમાં આખા ઓપરેશન અંગે ચર્ચા કરી હતી. દરમિયાન એવા પણ અહેવાલો છે કે મોડીરાત્રે જ્યારે આ એર સ્ટ્રાઇક થઇ રહી હતી ત્યારે તેનું મોનિટરિંગ નરેન્દ્ર મોદી પણ કરતા હતા. નરેન્દ્ર મોદી બુધવારે રાજસ્થાનની મુલાકાતે હતા, દરમિયાન ચુરુમાં મોદીએ સભાને સંબોધી હતી. જેમાં તેમણે દાવો કર્યો હતો કે દેશ સુરક્ષીત હાથોમાં છે અને અમે દેશને ઝુકવા નહીં દઇએ. દેશની આગળ કઇ જ નથી.
મોદીએ જણાવ્યું હતું કે માનવતાના દુશ્મનોથી આ વિશ્વને બચાવવા માટે પ્રભુની શક્તિ હંમેશા આપણી સાથે રહે છે. દરમિયાન મોદીએ દક્ષીણ દિલ્હીમાં વિશાળ ૮૦૦ કિલોની ભગવતગીતાનું વિમોચન કર્યું હતું, આ ગીતા ગ્રંથમાં ૬૭૦ પાના છે અને તેના વજનને કારણે પણ તે ચર્ચામાં છે. દરમિયાન ગીતા વિશે વાત કરતા મોદીએ જણાવ્યું હતું કે ગીતામાં દરેક સવાલોનો જવાબ રહેલો છે. તમે વિદ્યાર્થી હોવ કે કોઇ રાજ્યના વડા તમને દરેક પ્રકારના જવાબો ગીતામાંથી મળી જશે. ગીતામાં દરેક સમસ્યાઓનું નિરાકરણ રહેલું છે. મોદીએ સાથે કોંગ્રેસ સરકાર પર પ્રહારો કર્યા હતા અને દાવો કર્યો હતો કે રાજસ્થાનમાં નવી સરકાર રચાયા બાદ ખેડૂતોને કેન્દ્ર સરકાર જે સહાય આપી રહી છે તેને પહોંચતી અટકાવવામાં આવી રહી છે. હાલમા જારી કિસાન સમ્માન યોજનાના લાભાર્થી ખેડૂતોની યાદી કેટલાક રાજ્યો નથી મોકલી રહ્યા તેવો દાવો મોદીએ કર્યો હતો, આ ઉપરાંત જીએસટીનો મુદ્દો પણ ઉઠાવ્યો હતો અને દાવો કર્યો હતો કે હાલમાં ઘરોની ખરીદીમાં જીએસટીમાં ઘટાડો કરવામાં આવ્યો તેનાથી મધ્યમવર્ગને ફાયદો થશે.
દરમિયાન નરેન્દ્ર મોદીએ એરફોર્સની સ્ટ્રાઇક બાદ સૈન્યની ત્રણેય પાંખ આર્મી, એરફોર્સ અને નેવીના વડાઓની સાથે બેઠક યોજી હતી, અને સમગ્ર મામલે રિપોર્ટ માગ્યો હતો. બીજી તરફ ભારતીય એરફોર્સે પાકિસ્તાનની સરહદમાં ઘુસીને હવાઇ હુમલો કરતા ભારતમાં ઠેરઠેર ઉજવણીનો માહોલ હતો, લોકોએ મીઠાઇઓ વહેંચી હતી અને રસ્તા પર ઉતરીને ઉજવણી કરી હતી.
from Top Stories News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2tBktR4
No comments:
Post a Comment