નવી દિલ્હી, તા. 11 માર્ચ 2019, સોમવાર
ભાગદોડ ભરેલી જિંદગીમાં જો દિવસના સમયે થોડી વાર સૂવા મળે તો કેટલું સારું એવું ઘણાં લોકોને લાગતું હશે. પરંતુ આજકાલ લોકોનો દિવસ એટલો હેક્ટિક હોય છે કે સૂવાની તક જ મળતી નથી. જોકે એક નવી સ્ટડી તમને દિવસે થોડી વાર સૂવા માટે પ્રેરી શકે છે. આ નવા અભ્યાસ મુજબ બપોરે થોડી વાર ઊઁઘવાથી હાઇ બ્લડ પ્રેશર ઓછું થાય છે અને હૃદયસંબંધી બીમારી થવાનું જોખમ પણ ઘટે છે.
આ સ્ટડી અનુસાર બપોરે થોડી ઊંઘ લેવાથી તમારું બ્લડ પ્રેશર એ લોકોની સરખામણીમાં ઓછું રહે છે જેઓ બપોરે ઊંઘતા નથી. આ સ્ટડીમાં દાવો કરવામાં આવ્યો છે કે બપોરે માત્ર થોડી વાર સૂવાથી શરીરના સ્વાસ્થ્ય પર એવી સકારાત્મક અસર થાય છે જે બ્લડ પ્રેશરની દવા લેવાથી થતી હોય છે.
આ સ્ટડીમાં 62 વર્ષના 212 લોકોનો ડેટા લેવામાં આવ્યો. જેમાં એ જાણવા મળ્યું કે મોટા ભાગના લોકોનું બ્લડ પ્રેશર 130 mm Hg હતું. અમેરિકન હાર્ટ એસોસિએશનના ગાઇડન્સ અનુસાર સામાન્ય બ્લડ પ્રેશર 120 mm Hg અથવા તેનાથી ઓછું હોવું જોઇએ. સ્ટડી વખતે આ 212 જણામાંથી અમુકને બપોર સૂવા માટે કહેવામાં આવ્યું અને બાકીના લોકોને સૂવાની મનાઇ ફરમાવવામાં આવી. સ્ટડીના પરિણામો પરથી જાણવા મળ્યું કે જે લોકો દિવસમાં 49 મિનિટ સુધીની ઊંઘ લે છે તેમનું બ્લડ પ્રેશર 5 mm/Hg જેટલું ઘટી ગયું. સામાન્ય રીતે આટલું બ્લડ પ્રેશર ઓછું કરવા માટે નિયમિત રીતે બ્લડ પ્રેશરની દવાનું સેવન કરવું પડતું હોય છે.
સ્ટડીના મુખ્ય સંશોધન કેલિસટ્રાટોસે તો એવો દાવો કર્યો છે કે જો બ્લડ પ્રેશર 2 mm/Hg જેટલું પણ ઓછું થાય તો હૃદયસંબંધી ઘણી બીમારીઓથી સુરક્ષિત રહી શકાય છે. અમેરિકાની અડધોઅડધ વસતી હાઇ બ્લડ પ્રેશરથી પીડિત છે અને હાઇ બ્લડ પ્રેશર હોય તેમને હાર્ટ એટેક અને સ્ટ્રોકનું જોખમ હંમેશા રહેતું હોય છે. ભારતની વાત કરીએ તો દર આઠે એક વ્યક્તિ હાઇ બ્લડ પ્રેશરથી પીડાય છે.
જોકે ઘણાં ચિકિત્સકો આ અભ્યાસ સાથે સંમત નથી. તેમનું કહેવું છે કે જો ભોજનમાં મીઠાંનું પ્રમાણ ઘટાડવામાં આવે અને નિયમિત એક્સરસાઇઝ કરવામાં આવે તેમજ વજન પર કંટ્રોલ રાખવામાં આવે તો બ્લડ પ્રેશરની સમસ્યાથી છૂટકારો મેળવી શકાય છે.
from Health News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2VJDY5Q
No comments:
Post a Comment