અમદાવાદ,તા.11 માર્ચ 2019,સોમવાર
લોકસભાની ચૂંટણી આગામી ૨૩ એપ્રિલે યોજાનાર છે. તેના અનુસંધાને અમદાવાદ જિલ્લા વહિવટીતંત્ર દ્વારા આચાર સંહિતાના અમલ, મતદારયાદી સુધારણા, વાહન ચેકિંગ, રેલી-પરમિશન, મતદારકાર્ડ વિતરણ, બોર્ડ-બેનરો ઉતારવા સહિતની તમામ કામગીરી આરંભી દેવાઇ છે. આગામી તા.૨૮ માર્ચે વિવિધ રાજ્યોના નિરિક્ષકોની ટીમો ચૂંટણી તૈયારીઓની જાત તપાસ માટે અમદાવાદમાં આવવાની છે. ચૂંટણીને લઇને દૈનિક બેઠકો યોજી ચૂંટણી તૈયારીઓની સમીક્ષાને કાર્યક્રમ ઘઢી કરાયો છે.
આ અંગે અમદાવાદ જિલ્લા કલેક્ટર ડૉ.વિક્રાંત પાંડેના જણાવ્યા મુજબ મતદારોના ચૂંટણીકાર્ડ વિતરણની કામગીરી તાત્કાલિક ધોરણે શરૂ કરવાની સુચના આપી દેવાઇ છે. ચૂંટણીકાર્ડ બનાવનારી એજન્સીને આગામી સાત દિવસમાં તમામ ચૂંટણીકાર્ડનો જથ્થો પહોંચાડી દેવાની તાકીદ કરાઇ છે. ત્યાર બાદ કાર્ડ મતદારોને વિતરણ કરી દેવાશે.
નિયમ પ્રમાણે મતદારોની પુરવણીયાદીમાં નામ દાખલ થયા બાદ ચૂંટણીકાર્ડ વિતરણ કરાતું હોય છે. જેના નામ પુરવણીયાદીમાં હશે તેઓને કાર્ડ આપી દેવાશે. બીજી તરફ નવા મતદારો માટેના ફોર્મ નં.૬ લેવા તેમજ આવેલા ફોર્મ નો ૩ દિવસમાં નિકાલ કરી દેવાની પણ સુચના જેતે અધિકારીઓને સુચનાઓ આપી દેવામાં આવી છે. મતદારોએ તેમનું નામ મતદારયાદીમાં છેકે નહીં તે જાણી લેવા માટે હેલ્પલાઇન નંબર ૧૯૫૦ ઉપર કોલ કરીને માહિતી તપાસી લેવાની પણ અપીલ કરાઇ છે.
રેલી-સભા માટેની પરમિશન લેવા માટે એપ્લીકેશન ઉપરાંત સિંન્ગલ વિન્ડોના માધ્યમથી સમયસર અરજીઓનો નિકાલ કરવામાં આવશે તે દિશામાં પણ પુરતી વ્યવસ્થાઓ ગોઠવી દેવાઇ છે. આચારસંહિતના કડડ અમલ માટે દરેક વિધાનસભા મતવિસ્તાર દીઠ એક ટીમ ને કામગીરી સોંપાઇ છે.
આચારસંહિતા ભંગની ફરિયાદો, કાયદો વ્યવસ્થાની સ્થિતિ, ચૂંટણી તૈયારીઓને લગતી કામગીરી, મતદારયાદી સુધારણા સહિતની કામગીરીની દૈનિક સમીક્ષા કરાશે. આમ આગામી બે માસ માટે જિલ્લા વહિવટીતંત્રને ચૂંટણીલક્ષી કામગીરી માટે જોતરી દેવાયું છે.
from Ahmedabad News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2TEFBoe
No comments:
Post a Comment