સ્વામિનારાયણ સાધુએ પરીક્ષામાં ચોરી કરી હોવાના વીડિયો સાથે જીટીયુમાં ફરિયાદ - E-News Network (Gujarati)

Breaking

Home Top Ad

Post Top Ad

Tuesday, 12 March 2019

સ્વામિનારાયણ સાધુએ પરીક્ષામાં ચોરી કરી હોવાના વીડિયો સાથે જીટીયુમાં ફરિયાદ

અમદાવાદ,સોમવાર

જીટીયુની ડિસેમ્બર-જાન્યુઆરી દરમિયાન યોજાયેલી વિવિધ કોર્સની શિયાળુ સત્રની વિવિધ સેમેસ્ટર પરીક્ષાઓમાં ડિપ્લોમા ઈજનેરી સેમેસ્ટર -૧ની પરીક્ષામાં  સ્વામિનારાયણ સાધુ ચોરી કરીને જવાબો લખતા હોવાની ફરિયાદ જીટીયુમાં કરવામા આવી છે.મળતી માહિતી મુજબ કોલેજના કોઈ સ્ટાફ દ્વારા વીડિયો ઉતારીને જીટીયુને સીડી સાથે ફરિયાદ કરવામા આવી છે.જેમાં જે કોલેજમાં સાધુ પરીક્ષા આપતા હતા તે કોલેજના ફેકલ્ટી દ્વારા જ તેમને જવાબો લખાવવામા આવી રહ્યા હતા.

ગાંધીનગર જીલ્લાના કલોલ નજીક સઈજ ખાતે આવેલી સ્વામિનારાયણ ઈન્સ્ટિટયુટ ઓફ ટેકનોલોજી કોલેજમાં ડિપ્લોમા ઈજનેરીના સેમેસ્ટર -૧ની પરીક્ષામાં સ્વામિનારાયણ સાધુને કોલેજની જ એક ફેકલ્ટીએ જવાબો લખાવ્યા હોવાની ફરિયાદ જીટીયુને કરવામા આવી છે.આ સ્વામિનારાયણ સાધુએ આ કોલેજમાં ડિપ્લોમા ઈજનેરીના આઈટી બ્રાંચના અભ્યાસક્રમમાં પ્રવેશ લીધો છે અને તેઓ જાન્યુઆરીમાં લેવાયેલી સેમેસ્ટર-૧ની જીટીયુની પરીક્ષા આપી રહ્યા હતા.મળતી માહિતી મુજબ સેમેસ્ટર-૧ના આઈટી કોર્સના એક પેપરની પરીક્ષામાં સાધુની પાછળ એક ફેકલ્ટી બેસીને તેઓને જવાબો લખાવતા હતા.કોલેજના એક કોઈ કર્મચારીએ  કોપી કરાવવાની આ ગેરરીતિનું મોબાઈલમાં વીડિયો શૂટિંગ કરી લીધુ હતુ અને ત્યારબાદ જીટીયુને સીડી સાથે સમગ્ર ફરિયાદ મોકલી હતી.ત્યારબાદ જીટીયુની પરીક્ષા સમિતિ(યુએફએમ કમિટી)દ્વારા પરીક્ષામાં ચોરી કરવાની ફરિયાદને પગલે સ્વામિનારાયણ સાધુને ગત ૭મી માર્ચે સુનાવણીમાં બોલાવ્યા હતા.

પરંતુ સાધુ હાજર રહ્યા ન હતા.હવે ફરીવાર જીટીયુમાં કમિટી સમક્ષ રૃબરૃ નિવેદન માટે તેઓને ૧૮મી માર્ચે બોલાવવામા આવ્યા છે.મહત્વનું છે કે જીટીયુને કરાયેલી ફરિયાદમાં જણાવાયુ છે કે કોલેજના સ્ટાફ જ દ્વારા તેમને પરીક્ષામાં ચોરી કરાવાતી હતી અને તેઓની સાથે અન્ય વિદ્યાર્થીઓને પણ ચોરી કરાવાઈ છે કે કેમ અને માસ કોપી કેસની ઘટના બની છે કે કેમ તેને લઈને હવે તપાસ થાય તેવી અટકળો છે.જીટીયુ તંત્રનું કહેવુ છે કે ચોરી કરાવવા બાબતે ફરિયાદ મળી છે.



from Ahmedabad News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2TMUm8e

No comments:

Post a Comment

Post Bottom Ad

Pages