
ભાવનગર, તા. 29 માર્ચ 2019, શુક્રવાર
લોકસભાની ચુંટણીની નામાંકન પ્રક્રિયા શરૃ થઈ ગઈ છે અને બંને મુખ્ય પક્ષો પોતાના ઉમેદવારો જાહેર કરી રહ્યા છે. ગુજરાતમાં ભાજપે મોટાભાગના ઉમેદવારો ઘોષિત કરી દીધા છે જ્યારે કોંગ્રેસે પણ ક્રમશઃ પોતાના ઉમેદવારો જાહેર કર્યા છે. જો કે ભાવનગર બેઠક મામલે કોંગ્રેસની અનિર્ણાયક સ્થિતિ હજુ બરકરાર છે. કોંગ્રેસ હજુ સુધી ઉમેદવાર જાહેર ન કરી શકતા જાત જાતની ચર્ચાએ જોર પકડયું છે.
ભાવનગર બેઠક માટે ભાજપે ડો. ભારતીબેન શિયાળને પુનઃ મેદાનમાં ઉતાર્યા છે ત્યારે તેને ટક્કર આપવા માટે કોંગ્રેસ જે નામ વિચારી રહી છે તેમાં મનહર પટેલ, સંજયસિંહ સરવૈયા વચ્ચે કશ્મકશ હોવાનું ચર્ચાય છે. વિધાનસભાની ચુંટણી સમયે બોટાદ બેઠક પર મનહર પટેલનું નામ નિશ્ચિત થઈ ચુક્યું હતું અને છેલ્લી ઘડીએ કોંગ્રેસે નિર્ણય ફેરવવો પડયો હતો. આ વખતે પણ મનહર પટેલના નામ પર લગભગ સહમતિ સધાય ચુકી હતી અને નામ જાહેર થવાનું હતું. પણ કંઈક સમીકરણો બદલાતા ફરી અસમંજસતા ઉભી થઈ છે. ખુદ સ્થાનિક કોંગ્રેસ વર્તુળો પણ આ નામ નક્કી થઈ ગયાનું માની રહ્યા હતા. પણ સત્તાવાર હજુ સુધી કશું જાહેર ન થતાં કંઈક અટક્યાનું અનુમાન થઈ રહ્યું છે.
દરમ્યાનમાં અન્ય પાર્ટીના એક નેતા કોંગ્રેસમાં આવી રહ્યા છે અને તેને ટીકીટ મળે છે તેવી વાતો પણ સોશ્યલ મીડિયામાં વહેતી થઈ છે. જો કે આ વાત પાછળ તે નેતાએ પોતાનું વજન વધારવા ખેલ કર્યાનું પણ કહેવાય છે. કોંગ્રેસ દ્વારા હવે બહુ જલદી નામ જાહેર થશે અને અટકળોનો અંત આવે તેમ જણાય છે.
from Bhavnagar News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2U33FC9
No comments:
Post a Comment