પચાસ વરસ પાછળ જવા ભારત તૈયાર છે ? - E-News Network (Gujarati)

Breaking

Home Top Ad

Post Top Ad

Thursday, 28 March 2019

પચાસ વરસ પાછળ જવા ભારત તૈયાર છે ?



સમગ્ર દેશમાં લોકસમુદાય સાથે વાત કરવાની જે આધારશીલા તૈયાર થઈ છે તેમાં હિમશીલાના સમુદ્રસરક લયમાં  પ્રજા ધર્માન્ધતા તરફ ગતિ કરી રહી છે

જે રીતે દેશમાં મધ્ય યુગના ભારતનું પુનઃ સર્જન કરવાની કવાયત ચાલે છે તે જોતાં એમ લાગે છે કે આવનારા વરસો ભારત માટે કપરા છે. આપણે પાકિસ્તાનને સદાય જે ધર્માન્ધતાનો ભોગ બનીને દુઃખી થતા જોતા આવ્યા છીએ તે જ ધર્માન્ધતા હવે ભારતમાં પ્રચલિત થવા લાગી છે.

ભારતીય પ્રજાને યેનકેન પ્રકારે રુઢિચુસ્તતા તરફ ઘસડીને લઈ જવા માટેની એક એવી ટોળકી દેશમાં સક્રિય થઈ છે જે ધર્મના અફીણમાં દેશને બીજા બસો કે ત્રણસો વરસ પોઢાડીને તમામ વર્તમાન સમસ્યાઓને ભુલાવી દેવા ચાહે છે. આ માત્ર ભાજપ કે કોંગ્રેસની વાત નથી. દેશના તમામ રાજકીય પક્ષો મતદારોને આકર્ષવા માટેના કોઈ પણ એજન્ડા ધરાવ્યા વિના માત્ર ધાર્મિક અને સાંસ્કૃતિક એજન્ડાઓ પર જ પોતાનું તંત્ર ચલાવતા થયા છે.

એમાં પ્રદેશવાદ, અનામત અને જાતિ-જ્ઞાાતિથી સર્જાતા વૈમનસ્યનો સરવાળો પણ ઉમેરાય છે. એટલે સમગ્ર દેશમાં લોક-સમુદાય સાથે વાત કરવાની જે આધારશીલા છેલ્લા પાંચ-દસ વરસમાં તૈયાર થઈ છે તે એવી છે કે તબક્કાવાર હિમશીલાના સમુદ્રસરક લયમાં દેશ આખો ધર્માન્ધતા તરફ જાણ્યે કે અજાણ્યે ગતિ કરી રહ્યો છે. કોંગ્રેસે પણ વિવિધ ધર્મસ્થાનોમાં આરતી ઉતારવાની નવેસરથી શરૂઆત કરી જ દીધી છે, એટલે એ કંઈ નિર્દોષ તો નથી જ, પરંતુ એ અત્યારે મર્યાદામાં છે, જે પણ આગળ જતાં ફૂલફલેજ રુઢિચુસ્તતા અને ધર્માન્ધતાને પ્રોત્સાહક નીતિ અપનાવે એવી ભીતિ છે.

રાજકારણીઓ અને તેમના પક્ષોની નિંદા કરીને પ્રજા પોતાના અપરાધોમાંથી આબાદ છટકતી રહે છે. કેટકેટલી જગ્યાએ ઉધઈ ચડી ગઈ છે તે જોઈ શકાય એમ જ નથી. પોતાના સંતાનને મેડિકલમાં એડમિશન મળે એ માટે કંઈક ખોટું કરવાનો અવસર આવે ને વાલી એમ કહે કે મારા સંતાન ડૉક્ટર નહિ થાય તો ચાલશે, પરંતુ આ રીતે ભ્રષ્ટ આચરણ તો મારાથી નહિ થાય.

એવું બને ખરું ? દેશમાં કેટલા ટકા વાલી આવા મળે ? એટલે કે આપણે વ્યક્તિગત હેતુઓને પાર પાડવા માટે ભ્રષ્ટતાનો માર્ગ અપનાવનારા બહુ સંખ્ય નાગરિકોનો દેશ છીએ. બાકીની દુનિયા બહુ સારી છે, એવી વાત નથી, પરંતુ પ્રજા પોતે વર્ષોથી જે ચીલો પાડતી આવી હોય તે માર્ગમાંથી જ એને પોતાના શાસકો જડે છે. પછી એ શાસકોની સ્વચ્છંદતા પ્રજાને અનેક નવી યાતનાઓનો 'લાભ' આપે છે. કારણ કે જે પ્રજા લાભને આગળ રાખે અને શુભને પાછળ રાખે એણે એક દિવસ તો સહન કરવાનું આવે જ છે.

નોટબંધી વખતે લોકો પોતાની જૂની નોટ બદલવા માટે લાઈનમાં ઊભા હતા. પ્રજાની મૂર્ખતાનું એવું પ્રદર્શન તો દેશમાં ભાગ્યે જ યોજાયું છે. લોકો એ સમયે લાઈનમાં ઊભા રહીને જાણે કે રાષ્ટ્રની સેવા કરતા હોય એવા ગૌરવનો અનુભવ કરતા હતા. એ એક એવો તઘલખી નિર્ણય હતો જેને કારણે દેશના દોઢ-બે કરોડ લોકોની નોકરી તો એક મહિનામાં જ જતી રહેવાની હતી. આ જ મધ્યકાળનું અજ્ઞાાન નાગરિકો પર સવાર હતું. તેઓ માનતા હતા કે કાળા નાણાં બહાર આવશે. કાળા નાણાં તો બહાર ન આવ્યા, લોકો ખુદ પહેલા ઘરમાંથી લાઈનમાં જવા ને પછી નોકરીમાંથી પૂરેપૂરા બહાર આવી ગયા.

લોકશાહી રાષ્ટ્રનો સૌથી મોટો એક જ નિયમ છે કે જે પ્રજા પ્રશ્નો પૂછવાની તાકાત ગુમાવે છે તે આગળ જતાં બધું જ ગુમાવી બેસે છે. કેન્દ્રની એનડીએ સરકારે શિક્ષણને પૂરી સ્વસ્થતાથી અભરાઈ પર ચડાવ્યું છે. સ્વામીનાથન ઐયરે હમણાં જ જાહેર કર્યું કે શિક્ષણની હાલત વિશેનો છેલ્લો વાર્ષિક અહેવાલ કહે છે કે આઠમા ધોરણના ૭૩ ટકા અને પાંચમા ધોરણના માંડ ૫૦ ટકા વિદ્યાર્થીઓ ધોરણ બીજાના પાઠયપુસ્તક વાંચી શકે છે. બાકીનાઓ તો બીજા ધોરણના પુસ્તકમાંથી બે-ચાર લીટી પણ સળંગ વાંચી શકતા નથી.

એ અહેવાલ કહે છે કે દેશના આઠમા ધોરણના વિદ્યાર્થીઓમાંથી માત્ર ૪૪ ટકા વિદ્યાર્થીઓ જ સાદા ભાગાકાર કરી શકે છે. આ તો સરકારનો અહેવાલ કહે છે, પરંતુ વાસ્તવિકતા આનાથી અધિક ભયાનક છે. મોબાઈલ કે કેલક્યુલેટર વિના આજના કોલેજિયનોને કોઈને પણ સાદું વ્યાજ ગણતા જ આવડતું નથી તો ચક્રવૃદ્ધિ વ્યાજ તો કેમ પૂછાય ? આટલી ગંભીર સ્થિતિ વચ્ચે ગુજરાત સરકારે પ્રાથમિક શાળાઓના અભ્યાસક્રમમાંથી દેશી હિસાબ પર પ્રતિબંધ ફરમાવેલો છે.

એટલે હવે જે વાલીઓ પોતે જ પોતાના સંતાનો માટેનો અભ્યાસક્રમ ઘડીને જાતે ઘરે એને નહિ ભણાવે એના સંતાનો દુનિયામાં ક્યાંય ચાલવાના નથી, વિદ્યાર્થી પોતે ખોટો સિક્કો નથી, સરકાર એને ખોટો સિક્કો બનાવીને પોતાની સત્તા ટકાવવામાં વાપરવા ચાહે છે. ભાજપનો એ ગુપ્ત એજન્ડા છે કે નવી પેઢીને ભણાવો નહિ, ભણશે તો રોજગારી ચાહશે ને ? અગાઉના શ્રેષ્ઠ પાઠયક્રમોની વારંવાર ડોક મરડીને હાલત એવી કરી દેવામાં આવી છે કે ગ્રેજ્યુએટ થયા પછી તો વિદ્યાર્થીને ખબર પડે છે કે નોકરી તો ઠીક, નોકરી માટેની અરજી કરતાં પણ તેમને શાળા કે કોલેજે શીખવ્યું નથી.

કોલેજોમાં આજેય વર્ગખંડોમાં ચોક એન્ડ ટોક ચાલે છે. પ્રોફેસરો પપેટની જેમ બોલબોલ કરે છે અને વિદ્યાર્થીઓ સાંભળે છે. ત્યાં પણ ન સમજાય તો પૂછવા પર લગભગ પ્રતિબંધ છે. છતાં કોઈ પૂછે તો અધ્યાપક એનો જવાબ તો આપી શકતા નથી, એટલે કહે છે કે રિસેસમાં મળજે. આપણા દેશમાં કેટલીક સરકારી કોલેજો એવી છે કે એના તમામ વિષયના તમામ અધ્યાપકો ઠોઠ છે અને વિદ્યાર્થીઓ હોશિયાર છે.

દેશના અધ્યાપકોની એશઆરામથી છલકાતી જિંદગી લોકનજરે ચડી ગઈ છે અને તેમના પ્રત્યેનું સન્માન ઘટી ગયું છે. દરેક કોલેજમાં પોતાનું અજ્ઞાાન છુપાવવાની મથામણમાં આયુષ્ય પસાર કરતા બે-ત્રણ અધ્યાપકો તો હોય છે જ. વિદ્યાર્થીઓ હવે સોશ્યલ મીડિયામાં પોતાના તથાકથિત ગુરુજનોને એક્સપોઝ કરતા થયા છે.

સામાન્ય પ્રજાની આવક ઘટે એમાં એનડીએ સરકારને શું રસ હોઇ શકે ? શિક્ષણ ખાડે જાય એમાં સરકારને શું ફાયદો ? સરકાર કદાચ બહુ લાંબા ગાળાનો વિચાર કરે છે કે જો પ્રજા દુઃખી થશે તો ધર્મને શરણે જશે અને ધર્મને શરણે જતાં તે આગળ જતાં ધર્માન્ધ પણ થશે અને ધર્માન્ધ લોકો તેમના પક્ષને મત આપશે.

પોતાની સત્તા ટકાવવાના ટોનિક તરીકે પ્રજાને જે આપવું ઘટે તે આપવું પરંતુ પ્રજાને સુખાકારીનો સીધો અનુભવ આપવો જરૂરી નથી એમ માનનારા શાસકો આજે ઈરાક, ઈજિપ્ત, સિરિયા, ચીન અને રશિયામાં છે જ, જેની પ્રજા કેવા સંઘર્ષમાંથી પસાર થાય છે તે સુવિદિત છે. એનડીએ સરકાર પ્રજામાં અસ્થિરતા અને પોતાની સત્તામાં સ્થિરતા ચાહે છે, નોટબંધી અને જીએસટીએ ભારતીય જનસમુદાયને સર્વવ્યાપક જે અસ્થિરતાઓનો પરિચય આપ્યો તે અપૂર્વ અને અદ્વિતીય છે.

સોશ્યલ મીડિયામાં આજકાલ જે જે પોસ્ટ જોવામાં આવે છે તે દેશનું વાતાવરણ છે, પરંતુ તમે પોતે તેમાંથી કઇ કઇ પોસ્ટ ફોરવર્ડ કરો છો તે તમારું નાગરિક ચરિત્ર છે. ભારતીય મતદાર ધર્માન્ધ ન થાય અને બૌદ્ધિક અભિગમથી નિર્ણય લેતો થાય તે જોવાની જવાબદારી સરકારની કે રાજનેતાઓની નથી, તે તો નાગરિકની પોતાની જવાબદારી છે.

લોકસભાની ચૂંટણીઓ માથે છે ત્યારે માત્ર એમ માનવાની જરૂર નથી કે આપણા નેતાઓના ચરિત્ર ખુલ્લા થશે, તેમના ઘસાયેલા નાકને નવો ઘસરકો કંઇ વધુ નુકસાન નહિ કરે, પરંતુ નાગરિકોના મતદાર તરીકેના જે સામુદાયિક ચરિત્રો આ મોસમમાં છતા થયા હોય છે એ પણ જોવા જેવા હોય છે, કારણ કે આવતી કાલના નેતાઓ તો આ નજરે દેખાતા નાગરિક 'ચરિતર'માંથી જ પ્રગટવાના છે. બુદ્ધિમાનોએ આજના નાગરિક ચરિત્ર પરથી જ આવતીકાલના નેતાઓના રાજચિત્ર અને રાજચરિત્રની ત્રિરાશિ  લગાવી લેવી જોઇએ.

- અલ્પવિરામ



from Editorial News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2FCuXX4

No comments:

Post a Comment

Post Bottom Ad

Pages