ખુશવંત સિંહ: નિર્ભિકતા અને સેન્સ ઑફ હ્યુમરની કોકટેલ - E-News Network (Gujarati)

Breaking

Home Top Ad

Post Top Ad

Thursday, 28 March 2019

ખુશવંત સિંહ: નિર્ભિકતા અને સેન્સ ઑફ હ્યુમરની કોકટેલ



ટ્રેન ટૂ પાકિસ્તાન નવલકથાને પહેલા મન્નૂ માજરા નામ આપવામાં આવ્યું હતું

લેખન એક એવો વ્યવસાય છે જેમાં તમે દબાઈને લખો તો ક્યારેય વિકસી શકો નહીં. કેટલાક લેખકો આર્થિક સમીકરણો ખોરવાઈ જવાના ભયથી ખૂલીને નથી લખતા તો કેટલીક કલમો મોતનાં ભયથી ફફડતી રહે છે. લખવા માટે સંસાર મૂકવો જરૂરી નથી. ડર મૂકવો જરૂરી છે. નિર્ભિક લેખકનું લખાણ દાર્શનિક અથવા સંદેશાવાહકના વિચારોની કક્ષાએ પહોંચી જતું હોય છે. ખુશવંતસિંહ અભ્યાસપૂર્ણ હોવાની સાથોસાથ નિર્ભિક અને ખુલ્લા મનના હોવાથી તેમના લેખને એ ઊંચાઈ પ્રાપ્ત કરી છે. તેઓ હંમેશા પ્રસ્તુત રહ્યા છે, વાંચવા જેવા રહ્યા છે.

તમને જાણીને નવાઈ લાગશે. હોમો સેપિયન્સમાં ભાષાનો આટલો બધો જટિલ વિકાસ તેની ગપ્પાબાજીની પ્રવૃત્તિને કારણે થયો છે. ખુશવંતસિંહના લેખનમાં ગોસિપિંગ ખૂબ છે. તેમના એક આર્ટિકલને ખાણીપીણીમાં રૂપાંતરિત કરવામાં આવે તો બેશક તેનો સ્વાદ ચટપટો લાગશે.

ખુશવંતસિંહ ગર્ભશ્રીમંત હતા. દીલ્હીનું કનોટ પ્લેસ તેમના પિતાએ બનાવેલું. તેમને રોજગારીનો પ્રશ્ન હતો, પણ રોજીરોટીનો નહોતો. કદાચ આ બાબતે પણ તેમને લેખક તરીકે ખીલવામાં-ખૂલવામાં મદદ કરી હતી. ચલો તેમના જીવનને થોડું ફંફોળીએ. લંડનમાં વકીલાત ભણીને આવ્યા બાદ તેઓ લાહોરમાં સ્થાયી થયા. વકીલાત શરૂ કરી. 

મશ્કરો સ્વભાવ ધરાવતા લેખકે એક વખત આ વિશે કહેલું, જ્યારે હું વિદેશથી ભણીને આવ્યો ત્યારે મારા પપ્પાને અમારા ગામના લોકોએ પૂછ્યું, તારો દીકરો શું પાસ કરીને આવ્યો? મારા પિતા કહે, ટાઇમ પાસ.

થોડો સમય ઇંડિયન ફોરેન સર્વિસમાં નોકરી કરી. એ ન જામ્યું તો એ પણ છોડી દીધી. ઑલ ઇંડિયા રેડિયોમાં જોડાયા. ત્યાર બાદ નક્કી કર્યું કે કલમના શરણે જવું છે. તેમના લખાણમાં નિર્ભિકતા સાથે સેન્સ ઑફ હ્યુમરની નશીલી કોકટેલ રચાતી હતી. અનેક અખબારો અને મેગેઝિન્સ માટે તેમણે બોલપેન ચલાવી. સંબંધો બનતા-બગડતા રહ્યા. મલાઇસ ટુવર્ડ્સ વન એન્ડ ઓલ તેમની ચર્ચિત કૉલમ હતી. તેનું કાર્ટૂન મારિયો મિરાન્ડાએ બનાવ્યું હતું.

સ્કૉચની બોટલ, કેટલાક પુસ્તકો, એક મેગેઝિન સાથે બલ્બમાં ઠુંસાયેલા ખુશવંત સિંહ. એ કાર્ટૂન પણ તેમની જિંદગીભરની એક ઓળખ બની રહી. મજા અને બૌદ્ધિકતા આ બેમાંથી તેમની પેન મજાને પ્રાધાન્ય આપતી. લોકોને શું પસંદ છે તેની તેમને પાકી સમજ હતી અને તે રીતે જ તેઓ રજૂઆત કરતા હતા એટલે વધારે ચાલ્યા. તેમને ખબર હતી કે ભારતના વાંચકોને ચટણી બહુ પ્રિય છે. આથી તેમના લેખનમાં ફકરે-ફકરે ચટકારા મળતા.

બૌદ્ધિક સ્તરે લખતા વી. એસ. નાયપોલ અને સોફ્ટ પોર્ન લખતી શોભા ડે વચ્ચે ક્યાંક તેમનું સ્થાન હતું. તેઓ માનતા કે બીજાનું જીવન અને તેમના અનૈતિક સંબંધો વિશેનું લખાણ આંખથી નહીં, પરંતુ લબકારા નાખતી જીભથી વંચાતું હોય છે. તેઓ ચટકારા જ લખતા એવું નથી. હિસ્ટરી ઑફ શીખ્સ અને કનિંગહમ ઔર ગોપાલદાસમાં તેમનું ગાંભીર્ય પણ છલકે છે. ટ્રેન ટૂ પાકિસ્તાન એટલે એક સટિક નવલકથા. પહેલા એ નવલકથાને મન્નૂ માજરા નામ આપવામાં આવ્યું હતું. તેની ભાષાશૈલી બિલકુલ વિષય-વસ્તુ સાથે ન્યાય કરનારી હતી.

રામ મનોહર લોહિયાએ જે વાત કરી છે તે જ તેમણે પણ કહી છે. ભારત-પાકિસ્તાનના ભાગલા માટે તેમણે કેટલાક હિંદુ નેતાઓ અને હિંદુવાદી સંગઠનોને પણ જવાબદાર ઠરાવ્યા હતા. તેમણે હુમરા કુરેશીને આપેલા ઇન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે દ્વિરાષ્ટ્રનો સિદ્ધાંત મુસ્લિમ લીગે આપ્યો તેની પહેલા કેટલાક હિંદુવાદી સંગઠનોએ આ વિશેના નકશા પણ તૈયાર કરી લીધા હતા. 

૯૦ ઉપરની ઉંમરે તેમણે હુમરા કુરેશીને આપેલા ઇન્ટરવ્યૂમાં સવાલોના નિ:સંકોચ જવાબ આપ્યા હતા. વૃદ્ધાવસ્થા વિશે તેમણે કહેલું, દિલ હજુ બદમાશ છે. ખરાબ-ખરાબ વિચારો આવે છે અને  જ્યારે હું ફેન્ટેસી કરું ત્યારે મજા આવે છે.

સેક્સ અને રોમાન્સ વચ્ચે શું પસંદ કરશો? એવું પૂછવામાં આવતા તેમણે એક સેકન્ડનો પણ વિચાર કર્યા વગર કહ્યું, સેક્સ. જવાબમાં એવું કહ્યું, રોમાન્સમાં ઘણો સમય ખરાબ થાય છે. ને એમ પણ કહ્યું, કોઈ એક વ્યક્તિ સાથે લગાતાર સેક્સ માણીને માણસ બોર થઈ જાય છે. પછી એ વાત નથી રહેતી.

તેમણે હુમરાને એ પણ કહ્યું, મારા લગ્નમાં મોહમ્મદ અલી ઝીણા આવ્યા હતા. ને પછી જમુનામાં પૂર આવ્યું હોય એવી રીતે શરાબની નદીઓ વહી. અમારા લગ્ન વધારે સફળ ન રહ્યા. અમે છૂટાછેડા લેવાનું પણ વિચાર્યું, કિન્તુ બાળકોને ખાતર અલગ ન થયા.

ખુશવંત ગાંધી ભક્ત હતા. નહેરુ માટે તેઓ હંમેશા ઇકબાલનો શેર કહેતા. નિગાહ બુલંદ, સુખન દિલનવાઝ ઔર જાં પર સોઝ, યહી હૈ રખ્તે સફર મિરે કારવાં કે લિયે.નેતાએ કે જે દીર્ઘદૃષ્ટા હોય, ઉત્તમ વક્તા હોય અને જીવ બાળવવાળો હોય. નહેરુમાં સૌથી સારી વાત તેમને એ લાગતી કે તેઓ ધર્મ નિરપેક્ષ હતા અને લોકતંત્રમાં અતૂટ વિશ્વાસ ધરાવતા હતા.

ઇંદિરા ગાંધીએ લોકતંત્રની સંસ્થાઓને કમજોર બનાવી હોવાથી તેઓ તેમને ક્યારેય પસંદ કરતા નહીં. ઑપરેશન બ્લૂ સ્ટાર પછી પણ ખુશવંત ઇંદિરાને શીખ વિરોધી માનતા નહોતા. તેની હત્યાનો પણ તેમણે વિરોધ કરેલો.

ખુશ રહેવા માટેના તેમણે સૂત્રો આપ્યા. ૧) સ્વાસ્થ્ય જાળવો. જરા અમથી પણ તબિયત ખરાબ થશે તો સમજી લો કે જીવનમાંથી એટલી ખુશી ઓછી થશે. ૨) આરામથી જીવન જીવી શકાય એટલું બેન્ક બેલેન્સ. ઉધાર ક્યારેય ન લેવું. ૩) પોતાનું કમસેકમ એક મકાન હોવું જોઈએ. ભાડાંના મકાનમાં ક્યારેય ન રહેવાય. ૪) સમજદાર જીવનસાથી અથવા દોસ્ત. ૫) જે આગળ નીકળી ગયા કે ઉપર પહોંચી ગયા તેમનાથી ક્યારેય ચીડાવું નહીં. ૬) લોકોના હાંસીપાત્ર ન બનો. ૭) જીવવા માટે કોઈને કોઈ શોખ હોવો જરૂરી છે. ૮) સ્વવિવેચન માટે થોડો સમય કાઢો. અને ૯) ક્યારેય મગજ ન ગુમાવો.

અમૃતા શેરગીલ વિશે ખુશવંતસિંહે અદ્ભુત પુસ્તક લખેલું, ડેથ એટ ડોરસ્ટેપ. દુનિયાની પરવા ન કરનારી આ ભારતીય ચિત્રકારે આજથી ૮૦ વર્ષ પહેલા જે ચિત્રો દોર્યા એવા આજે કોઈ દોરે તો તેને દેશનિકાલનો સામનો કરવો પડે. ખુુશવંતસાહેબે તેના વિશે સડસડાટ પેન ચલાવી છે.

ગરમીની ઋતુમાં અમૃતા અને તેના હંગેરિયન ભાઈ કમ પતિએ લાહોરમાં મારા નિવાસ્થાનની નજીકમાં અપાર્ટમેન્ટ લીધો. તે ડોક્ટર હોવાથી અહીં પ્રેક્ટીસ કરવા માગતો હતો અને અમૃતા  પોતાનો પેઇન્ટિંગ સ્ટુડિયો બનાવવા માગતી હતી. અહીં તેના દોસ્તો અને પ્રશંસકોની સંખ્યા ઘણી મોટી હતી.

એક વખત બપોરના સમયે હું હાઇ કોર્ટથી ઘરે પહોંચ્યો ત્યારે મારા ફ્લેટ પાસે મને મોંઘા ફ્રેન્ચ પરફ્યુમની ખુશબૂ આવી. ડ્રોઇંગ રૂમ કમ લાઇબ્રેરીના ટેબલ પર ચીલ્ડ બિયરનો ચાંદીનો ગ્લાસ પડયો હતો. દબાતા પગે રસોડામાં ગયો. રસોયાને આગંતૂક વિશે પૂછ્યું. કહે, કોઈ મેમસાબ આવી હતી. સાડી પહેરી હતી. મને જરાય શંકા નહોતી કે તે અમૃતા શેરગિલ જ હશે.

મેં તેના વિશે ઘણું સાંભળ્યું હતું. તે દિવસમાં દર બે કલાકે તેના પ્રેમીને મળવા જતી. એક દિવસમાં કમસેકમ છથી સાત વાર. તેના જીવનમાં પ્રેમનો અંશ ઓછો હતો. સેક્સ તેના માટે વધારે મહત્ત્વ ધરાવતું હતું. તે નિમફોમેનિયાની રોગી હતી. તેના ભત્રીજા વિવા સુંદરમે લખેલા વિવરણ પ્રમાણે તે સમલૈંગિક પણ હતી. જાતીય સંબંધો બાંધવામાં જરા પણ વિલંબ કરતી નહીં.  લોહચુંબકની જેમ પુરુષોને પોતાની તરફ ખેંચવામાં તે અત્યંત આનંદ અનુભવતી.

એક દિવસ તે મારી ઘરે આવી. મેં પૂછ્યું, તમે અમૃતા શેરગિલ છો? તેણે હા પાડી. મફતમાં મારી બીયર પી ગઈ હતી તે બદલ માફી માગવાને બદલે સીધી મૂળ મુદ્દા પર આવી ગઈ. તેની તમામ વાતો દુનિયાદારીની હતી. પહેલી મુલાકાતમાં જ અમારો રોમાન્સ ખતમ થઈ ગયો હતો.

તે આસપાસમાં રહેતા પ્લમ્બર, ધોબી, રસોયા, નોકર, સુથાર વગેરે વિશે માહિતી મેળવવા આવી હતી. તે બોલ્યા કરતી હતી ત્યારે હું તેને બારીકાઈથી નીરખી રહ્યો હતો.  નાની કદ-કાઠી, પીત્તળવર્ણી કાયા, માથાની વચ્ચોવચ સિંદુર ભરેલું, કાળા ભમ્મર વાળ, મોટા માદક હોઠ, જેના પર ભપકાદાર લાલ લિપસ્ટિક લગાવેલી હતી.

નાનકડું નાક, જેના પર કાળા ટપકાં હતા. તેને સુંદર તો બિલકુલ નહીં, પણ પણ સારા ચહેરાવાળી અને દર્શનીય જરૂર કહી શકાય. પોતાની પેઇન્ટિંગ્સમાં એ ખુદને જે રીતે ચીતરતી તે આત્મરતિના કારનામા હતા. નગ્નાવસ્થામાં તેણે પોતાને જે રીતે ચિત્રિત કરી છે તેનું શારીરિક સોષ્ઠવ સંભવત: એટલું જ સારું હતું. સાડી નીચે શું છુપાયેલું છે તે જાણવા-પરખવાનો મારી પાસે કોઈ ઉપાય નહોતો.

જતા-જતા મારા ઓરડામાં ફરતે નજર દોડાવી. મેં કહ્યું, આ પેઇન્ટિંગ્સ મારી પત્નીએ બનાવ્યાં છે. તે શોખથી ચિત્રો દોરે છે. તે હસતા-હસતા બોલી, જોઈને જ ખબર પડી જાય છે. હું હતપ્રભ બની ગયો. તેનો પ્રતિકાર કઈરીતે કરું એ વિચારતો રહ્યો.

૨૦૧૧માં તેમણે ૯૫ વર્ષની ઉમરે હુમરા કુરેશીને ઇન્ટરવ્યૂ આપ્યો હતો. તેમણે કહ્યું, મને મૃત્યુનો વિચાર આવે ત્યારે ડર લાગતો નથી. મારા સમવયસ્કો અને હમસફર ફાની દુનિયા છોડીને જતા રહ્યા છે. હું નથી જાણતો કે આવનારા બે વર્ષમાં ક્યાં હોઈશ.મારી બસ એ જ ઈચ્છા છે કે મોત આવે તો ખામોશીથી અને ઝડપથી. હું લાચાર બનવા માગતો નથી. જેવો દિવસ આવે એવો જીવી નાખું છું. બધું જ પામી લીધું છે.

ત્રણ વર્ષ બાદ ૨૦મી માર્ચ ૨૦૧૪ના રોજ ઈશ્વરે ખુશવંતસિંહનું બિનજામીનપાત્ર વોરન્ટ કાઢીને ધરપકડ કરી. 

આજની નવી જોક

મગન (છગનને): તારે રંગે રમવા નથી આવવું?

છગન: તહેવાર તો કુંવારા મનાવે.

મગન: અને પરણેલા?

છગન: પરણેલા પત્નીને મનાવે. એમાંથી ઊંચા આવે તો તહેવાર મનાવેને?



from Editorial News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2FuWHf9

No comments:

Post a Comment

Post Bottom Ad

Pages