
- સાયણની જીવનરક્ષા હોસ્પિટલમાંથી નવી સિવિલમાં ખસેડાયેલી પરિણીતાના અને પરિવારજનોની તલાશ
(પ્રતિનિધિ દ્વારા) સુરત, તા. 27 માર્ચ 2019, બુધવાર
જહાંગીરપુરા સાંઈ પૂજન રેસીડેન્સી નજીક આજે ભરબપોરે વડના ઝાડ નીચે એક બેગ માંથી ચાર દિવસની બાળકી જીવીત હાલતમાં મળતા ૧૦૮ એમ્બ્યુલન્સમાં તેને સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલમાં ખસેડાઈ હતી. જોકે, પોલીસ તપાસમાં પાંચ દિવસ અગાઉ સાયણની જીવનરક્ષા હોસ્પિટલમાંથી ડિલિવરી માટે નવી સિવિલ હોસ્પિટલમાં ખસેડાયેલી મહિલાએ જ બાળકીને જન્મ આપ્યો હોય તેવા પુરાવા હાથ લાગતા જહાંગીરપુરા પોલીસે તે મહિલા અંગે તપાસ શરૂ કરી છે.
બનાવ અંગે નવી સિવિલ હોસ્પિટલ તેમજ પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ આજે બપોરે જહાંગીરપુરા સાંઈ પૂજન રેસીડેન્સી નજીકથી એક રાહદારી પસાર થતો હતો ત્યારે તેને બાળકના રડવાનો અવાજ સંભળાયો હતો. તેણે અવાજની દિશામાં તપાસ કરતાં વડના ઝાડ નીચે ટુરીસ્ટ બેગ માંથી તે અવાજ આવતો હતો. રાહદારીએ બેગ ખોલી જોતાં તેમાં ગુલાબી કપડામાં લપેટાયેલી લગભગ ચાર દિવસની બાળકી મળી આવી હતી. બાળકીની સાથે થાળી વાડકા અને ૧૦૮ એમ્બ્યુલન્સની દર્દીને અપાતી એક સ્લીપ પણ મળી આવી હતી.સાથે દવાની એક સ્ટ્રીપ પણ મળી આવી હતી.જેના ઉપર નવી સિવિલ હોસ્પિટલનો સિક્કો હતો.
રાહદારીએ બનાવ અંગે ૧૦૮ એમ્બ્યુલન્સ અને પોલીસને જાણ કરી હતી. ૧૦૮ એમ્બ્યુલન્સ બાળકીને સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલ ખાતે લઇ આવતાં તેને એન.આઇ.સી.યુ વોર્ડમાં દાખલ કરવામાં આવી હતી. નવી સિવિલ હોસ્પિટલ ખાતે પહોંચેલી જહાંગીરપુરા પોલીસે તપાસ કરતાં બેગમાંથી જે ૧૦૮ એમ્બ્યુલન્સની દર્દીની સ્લીપ મળી આવી હતી તેના ઉપર નિશા.આર.સોલંકી નામ લખ્યું હતું અને તે સગર્ભાને ગત ૨૨ મી માર્ચના રોજ સાયણની જીવન રક્ષા હોસ્પિટલમાંથી ડિલિવરી માટે નવી સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હોવાનો ઉલ્લેખ કરાયો હતો. બાળકીના શરીર ઉપર જે ગુલાબી કપડાં હતા તે પણ નવી સિવિલ હોસ્પિટલમાં ડીલીવરી થયા બાદ નવજાત બાળકોને અપાતા કપડાં જેવા જ હતા.
આ તમામ પુરાવાઓને આધારે ફલિત થયું હતું કે બાળકી નો જન્મ નવી સિવિલ હોસ્પિટલમાં જ થયો છે પોલીસે વીતેલા ચાર-પાંચ દિવસમાં નવી સિવિલ હોસ્પિટલમાં જે મહિલાઓની ડિલિવરી થઈ હતી તેની વિગતો મેળવી તેમજ નવી સિવિલ હોસ્પિટલના સીસીટીવી ફૂટેજ અને સાયણની જીવનરક્ષા હોસ્પિટલના સીસીટીવી ફૂટેજ મેળવી બાળકીને જન્મ આપી તરછોડનાર તેની માતા અને પરિવારજનો અંગે તપાસ શરૂ કરી છે. જોકે, પોલીસને આશંકા છે કે નવજાત બાળકીની માતાએ તેનું નામ ખોટું પણ લખાવ્યું હોય. વધુ તપાસ જહાંગીરપુરા પોલીસ કરી રહી છે.
from Surat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2V14yY8
No comments:
Post a Comment