
- દિપક ગાભાવાલાના રિમાન્ડની તજવીજ: રિમાન્ડમાં ચોંકાવનારી વિગતો બહાર આવવાની શકયતા
આણંદ.તા,૧
આણંદ જિલ્લાના સીલ્કસીટી તરીકે જાણીતા ઉમરેઠ સ્થિત શ્રી નારાયણ જ્વેલર્સના ઉઠમણાં કેસમાં તપાસ કરતી સીટની ટીમે ગઈકાલે મુંબઈ એરપોર્ટ ખાતેથી મુખ્ય સૂત્રધાર દિપકભાઈ ગાભાવાલાની ધરપકડ કરી છે. પોલીસે તેઓની વધુ તપાસ અર્થે રીમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરી છે. રીમાન્ડ દરમ્યાન કેટલીક ચોંકાવનારી વિગતો પ્રકાશમાં આવે તેવી શક્યતાઓ વર્તાઈ રહી છે.
ઉમરેઠ ખાતે શ્રી નારાયણ જ્વેલર્સ તથા નારાયણ શ્રોફની પેઢીએ થોડા સમય પૂર્વે ઉઠમણું કરતા હજ્જારો થાપણદારોના નાણાં સલવાયા હતા. ઉંચુ વ્યાજ આપવાની લાલચે પેઢીના સંચાલકોએ ઉમરેઠ તથા આસપાસના ગ્રામ્ય વિસ્તારોના લોકોની થાપણો સ્વીકાર્યા બાદ રાતોરાત ઉઠમણું કરતા પેઢીને તાળા મારી દેવાયા હતા.
આ મામલે ઉમરેઠ પોલીસ દફતરે ગુનો દાખલ થયા બાદ સમગ્ર કૌભાંડ મામલે તપાસ કરવા સીટની રચના કરવામાં આવી હતી. જો કે આગોતરા જામીન તેમજ સંચાલકો ભુગર્ભમાં ઉતર્યા હોવા અંગેના અનેક ઉતાર-ચઢાવ બાદ વધુ તપાસ હાથ ધરાય તે પૂર્વે પેઢીના માલિક દિપકભાઈ ગાભાવાલા વિદેશ ફરાર થઈ ગયા હતા.
જો કે તેઓને ઝડપી પાડવા સીટ દ્વારા તમામ એરપોર્ટ ખાતે નોટિસ મોકલવામાં આવી હતી. દરમ્યાન ગઈકાલ વહેલી સવારના સુમારે અમેરિકાથી મુંબઈના ઈન્ટરનેશનલ એરપોર્ટ ઉપર ઉતરેલ સંચાલક દિપકભાઈ ગાભાવાલાની ઈમીગ્રેશન વિભાગે ધરપકડ કરી ઉમરેઠ પોલીસને જાણ કરતા સીટની ટીમ તુરંત જ મુંબઈ એરપોર્ટ ખાતે પહોંચી ગઈ હતી અને દિપક ગાભાવાલાની ધરપકડ કરી ઉમરેઠ લાવવામાં આવ્યા હતા. પોલીસે તેઓના રીમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરી છે.
રીમાન્ડ દરમ્યાન સોના સહિતનો કેટલોક મુદ્દામાલ તેમજ દસ્તાવેજોની નવી વિગતો પ્રકાશમાં આવે તેવી શક્યતાઓ જોવાઈ રહી છે.
from Kheda anand News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2tKcWPV
No comments:
Post a Comment