
મુંબઇ, તા. 27 ફેબ્રુઆરી 2019 , બુધવાર
મુંબઇ મહાપાલિકાની ફેરિયાઓ માટેની નવી નીતિ હેઠળ સ્કૂલો અને હોસ્પિટલોની બહાર ચણા, શિંગદાણા, ફળ અને નારિયેળ પાણી સિવાય બીજા કોઇ પણ જાતના જંક-ફૂડનું વેચાણ થઇ નહી શકે.
સ્કૂલ અને હોસ્પિટલની હદથી ૧૦૦ મીટરના અંતર સુધીમાં વડા-પાંવ, સેન્ડવીચ કે બીજા કોઇ જંક-ફૂડના વેચાણની પરવાનગી નવા નિયમ હેઠળ નકારવામાં આવી છે.
શૈક્ષણિક સંસ્થા અને હોસ્પિટલની બહારના ૧૦૦ મીટરના એરિયાને નો-હોકર્સ ઝોન જાહેર કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જો કે ચણા-શિંગદાણા, ફળ અને નાળિયર પાણીના વેચાણની પાલિકાએ છૂટ આપી છે.
અત્યારે મોટી હોસ્પિટલો અને શિક્ષણ સંસ્થાઓની બહાર ખાણીપીણીની ચીજોનું વેચાણ કરતા એટલા બધા ફેરિયાઓ હારબંધ ઉભા રહી જતા હોય છે કે જાણે ખાઉ-ગલ્લી જેવો જ દેખાવ લાગે છે. વિદ્યાર્થીઓના અને લોકોના આરોગ્યનો ખ્યાલ રાખી આ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.
આવી જ રીતે તમામ ધાર્મિક સ્થળોની આસપાસના ૧૦૦ મીટરના એરિયા ફેરિયાઓને બેસવાની મનાઇ ફરમાવવામાં આવી છે. ફક્ત ધર્મસ્થળથી સંબંધિત પ્રસાદ કે બીજી સામગ્રીના વેચાણની પરવાનગી આપવામાં આવી છે.
from Mumbai News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2tFvAbB
No comments:
Post a Comment