
ભાવનગર, તા. 01 માર્ચ 2019, શુક્રવાર
ભાવનગર શહેરના વિવિધ વિસ્તારોમાં રખડતા કુતરાઓનો ત્રાસ દિન પ્રતિદિન વધી રહ્યો હોય લોકોમાં ચિંતાની લાગણી જન્મી છે. શહેરની સરકારી હોસ્પિટલમાં પ્રતિદિન 120 થી વધુ વ્યકિતઓ ડોગબાઈટના ઈન્જેકશન લેવા માટે આવી રહ્યા છે. સુપ્રિમ કોર્ટની માર્ગદર્શિકા મુજબ ભાવનગર મહાનગરપાલિકા દ્વારા ખસીકરણ સહિતની કાર્યવાહી કરવાનાના મામલે તંત્રવાહકોની ઉદાસીનતા લોકોમાં ટીકાને પાત્ર બની છે.
શહેરના કુંભારવાડા, કણબીવાડ,કાઝીવાડ, કાછીયાવાડ,રુવાપરી રોડ,લીમડીવાળી સડક, વિઠ્ઠલેશ્વર રોડ,જમનાકુંડ,નવાપરા અને રાણીકા સહિતના અનેક વિસ્તારોમાં લાંબા સમયથી રખડતા કુતરાઓનો ત્રાસ વધી રહ્યો છે. ઉપરોકત વિસ્તારોમાં છાસવારે હડકાયા કુતરાઓ રાહદારીઓ,વાહનચાલકોની પાછળ કરડવા માટે દોટ મુકતા હોય ઉપરોકત વિસ્તારોમાંથી પસાર થવામાં અજાણ્યા લોકોને ભારે પરેશાની વેઠવી પડે છે.ઉપરોકત વિસ્તારોમાં ઘર નજીક રમતા નાના બાળકોની પાછળ પણ આ કુતરાઓ ઘણીવાર કરડવા દોડતા હોય વાલીઓ ચિંતિત બન્યા છે.
આ બારામાં સ્થાનિક જાગૃત નાગરીકો દ્વારા જે તે વિસ્તારોના ચૂંટાયેલા પ્રતિનિધિઓ તેમજ ભાવનગર મહાનગરપાલિકામાં ઉચ્ચ અધિકારીઓ સમક્ષ અનેકવાર લેખિત તેમજ મૌખિક રજૂઆતો કરવામાં આવી હતી. તેમ છતાં સત્તાધીશો દ્વારા કશી જ આગળની ઘટતી કાર્યવાહી કરવામાં ન આવતા નાગરીકોમાં તંત્રવાહકોની લાપરવાહી પ્રત્યે પ્રબળ આક્રોશ વ્યાપી જવા પામેલ. સુપ્રિમ કોર્ટની માર્ગદર્શિકા મુજબ કોર્પોરેશન દ્વારા રખડતા કુતરાઓનું ખસીકરણ સહિતની કાર્યવાહી કરવામાં નિષ્કાળજી દાખવવામાં આવી રહી હોય નાગરિકોમાં રોષ વ્યાપેલ છે.
શહેરની સરકારી અને ખાનગી કલીનીકોમાં ડોગબાઈટની રસીકરણ માટે પ્રતિદિન અસરગ્રસ્તોની સંખ્યામાં ચિંતાજનક વધારો નોંધાઈ રહ્યો છે. સ્થાનિક સર તખ્તસિંહજી જનરલ હોસ્પિટલમાં ડોગ બાઈટ રસીકરણના બ્લોકમાં સવારથી જ પ્રથમ ધનુરના ઈન્જેકશન અને બાઈટના રસીકરણ માટે દર્દીઓની લાંબી કતારો જોવા મળે છે. સર ટી. હોસ્પિટલના ડોગબાઈટના રસીકરણ માટે દરરોજ 135 આસપાસ દર્દીઓ તેમજ ગત ફેબુ્રઆરી માસ દરમિયાન અધધ 3,195 દર્દીઓ નોંધાઈ રહ્યા છે જે દર્શાવે છે કે, શહેરમાં કેટલી હદે આ સમસ્યા વિકરાળ બની રહી છે. તેમ છતાં સત્તાધીશો હજુ પણ આંખ આડા કાન કરી રહ્યા છે. દરમીયાન આ બાબતે જાગૃત નાગરીકો દ્વારા મ્યુનિ. કમિશ્રનર સમક્ષ રજુઆત કરી તાત્કાલીક પગલા લેવામાં નહિ આવે તો ગાંધી ચિંધ્યા રાહે આંદોલન કરવાની ફરજ પડશે તેવી ચિમકી ઉચ્ચારાઈ છે.
from Bhavnagar News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2Vujb68
No comments:
Post a Comment