
નડિયાદ,તા.7 માર્ચ 2019, ગુરુવાર
નડિયાદ નજીક પીપળાતા ગામ પાસેથી કેનાલમાંથી ગત્ રોજ મોડી રાત્રે એક અજાણ્યા આધેડનો મૃતદેહ મળી આવ્યો હતો. મૃતદેહની તલાશી લેતા તેમની જોડેથી એક સ્યુસાઇડ નોટ મળી આવી હતી. જેનો ભેદ ઉકેલતા વ્યાજખોરોના ત્રાસથી આત્મહત્યા કરવા મજબૂર બનેલા પિતાના પુત્રએ પાંચ ઇસમો સામે નડિયાદ રૂરલ પોલીસ મથકે ફરિયાદ નોંધાઇ છે.
પ્રાપ્ત વિગતો અનુસાર નડિયાદના પેટલાદ રોડ પર આવેલ પીપળાતા ગામથી આખડોલ ગામની વચ્ચે આવેલ મહીકેનાલમાંથી બુધવારે મોડી સાંજે એક અજાણ્યા આધેડ (ઉં.વર્ષ ૪૫)ની લાશ મળી આવી હતી. જે અંગે નડિયાદ રૂરલ પોલીસ મથકે જાણ થતા પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી. જ્યાં મૃતદેહને નહેરમાંથી બહાર કઢાવી કબજો લીધો હતો. મૃતદેહની તપાસ દરમ્યાન પોલીસને એક સ્યુસાઇડ નોટ પણ મળી આવી હતી. જેમાં વ્યાજખોરોના ત્રાસથી આ પગલું ભર્યું હોવાનો ઉલ્લેખ કરાયો હતો.
બનાવની વિગતો એવી છે કે નડિયાદના પેટલાદ રોડ પર ગોવિંદભાઇ રબારી તેમના પરિવાર સાથે રહે છે. તેમના દિકરા કૌશલભાઇએ પાંચેક વ્યક્તિઓ પાસેથી વ્યાજ પેટે ઉધાર લીધા હતા. જેની વસૂલાત આ પાંચેય વ્યક્તિઓ અવાર નવાર કરતા હતા. પરંતુ કૌશલભાઇએ વ્યાજે લીધેલ પૈસાનું ચૂકવણું કર્યું ન હતું. આથી અવારનવાર તેઓ કૌશલભાઇ પાસે અને તેમના ઘરે આવીને ઉઘરાણી કરતા હતા. કૌશલભાઇના માતા પિતાને જેમ ફાવે તેમ બોલી ધમકીઓ આપતા હતા.આથી લાગી આવતા કૌશલભાઇના પિતા ગોવિંદભાઇએ પીપળાતા અને આખડોલ વચ્ચે આવેલી મહીકેનાલમાં પડતું મૂકી જીવનનો અંત આણ્યો હતો.
આ બનાવ અંગે દિકરા કૌશલભાઇએ જેમની પાસેથી વ્યાજે પૈસા લીધા હતા તે નડિયાદ રેલ્વે સ્ટેશન પાસે વ્યાજનો ધંધો કરતા લાલજી ભરવાડ, વલ્લભનગર ખાતે રહેતા નિલેશ પ્રજાપતિ, કમલેશ હરજી, રોનક પ્રમોદભાઇ અને ખેડાનો સોની વિરુદ્ધ ગોવિંદભાઇની આત્મહત્યા કરવા દુષ્પ્રેરણા આપવા માટે નડિયાદ રૂરલ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. જે અંગે પોલીસે પાંચેય આરોપીઓ સામે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.
from Kheda anand News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2H4r13j
No comments:
Post a Comment