
નડિયાદ, તા. 7 માર્ચ 2019, ગુરુવાર
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડની પરીક્ષાના આજે શ્રીગણેશ થયાં છે. ખેડા જિલ્લાના તમામ તાલુકાઓમાં વિદ્યાર્થીઓએ શાંતિપૂર્ણ માહોલમાં પરીક્ષા આપી હતી. ધોરણ ૧૦માં ગુજરાતી અને ૧૨માં નામાના મુળ તત્વોનું પેપર પૂર્ણ થયું હતુ.
માર્ચમાં યોજાતી ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડની પરીક્ષાનો આજે ૭ માર્ચના રોજ શુભારંભ થયો હતો. ખેડા જિલ્લાના ૧૦ અને ૧૨ ધોરણના હજારો વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. નડિયાદ, ઠાસરા, મહેમદાવાદ, મહુધા, કઠલાલ, કપડવંજ, ખેડા અને માતર સહિતના તાલુકાઓના સેન્ટરોમાં પરીક્ષા યોજાઈ હતી. જેમાં ધોરણ ૧૦ના વિદ્યાર્થીઓએ આપેલું ગુજરાતીનું પેપર વિદ્યાર્થીઓના મતે સરળ રહ્યું હતું. જ્યારે ધોરણ ૧૨ સામાન્ય પ્રવાહમાં લેવાયેલું નામાના મુળ તત્વો પેપર પ્રમાણમાં સરળ રહ્યુ હોવાનું બાળકોમાં ચર્ચાઈ રહ્યું હતુ.
જ્યારે ૧૨ સાયન્સ પ્રવાહમાં યોજાએલ ફિઝિક્સનું પેપર પણ પ્રમાણમાં સરળ રહ્યું હોવાનું વિદ્યાર્થી વર્તુળમાં ચર્ચાઈ રહ્યું હતું. બોર્ડની પ્રથમ પરીક્ષામાં જિલ્લાભરમાં એકપણ ગેરરીતિનો કેસ સામે આવ્યો નથી. જેથી તંત્ર દ્વારા ગેરરીતિ અટકાવવાના પ્રયાસો સફળ થયા હોવાની ચર્ચાઓ લોકમુખે ચાલી રહી છે.
વહેલી સવારથી જ દરેક પરીક્ષા કેન્દ્રો પર વિદ્યાર્થીઓ અને વાલીઓના ટોળા ઉમટેલા નજરે ચઢ્યા હતા. અને પરીક્ષાનો સમય શરૂ થતાં જ બાળકો પોતાના સીટ નબંર પ્રમાણે ગોઠવાઈ ગયા હતા. તેમજ મોટા પ્રમાણમાં વાલીઓ શાળાના મેદાનો અને શાળાના ગેટની બહાર ઉભા રહેલા જોવા મળ્યા હતા. તંત્ર દ્વારા ૨૦૦ મીટરની ત્રિજ્યામાં ટોળા વળીને ઉભા રહેવાની મનાઈ ફરવાવી હોવા છતાં આ દ્રશ્યો જોવા મળ્યા હતાં. ખેડા જિલ્લાના ગામડાઓની કેટલીક શાળાઓમાં શાળાના આચાર્યો, શિક્ષકો અને ટ્રસ્ટીઓ દ્વારા વિદ્યાર્થીઓનું કંકુના તિલક અને ચોખાથી વધાવી પરીક્ષા ખંડમાં મોકલ્યા હતા. ત્યારે ઘરેથી પણ વિદ્યાર્થીઓને પોતાના વાલીઓએ કંકુના તિલક અને આશીર્વાદ સાથે પરીક્ષા આપવા માટે મોકલ્યા હતા. અને ગોળ-ધાણા ખવરાવી વિદ્યાર્થીઓને મોં મીઠું કરાવ્યું હતુ.
બોર્ડની પરીક્ષામાં પહેલા દિવસે ગેરહાજર વિદ્યાર્થીઓ
નડિયાદ, તા.૭
ધો-૧૦ માં ૮૪૧,ધો-૧૨ સામાન્ય પ્રવાહમાં નામાના મુળ તત્વ નવા કોર્ષમાં ૧૭,ધો-૧૨ નામાના મુળ તત્વો જુના કોર્ષમાં ૧૭ જ્યારે ધો-૧૨વિજ્ઞાાન પ્રવાહ ફિઝીક્સમાં નવા કોર્ષમાં ૧૯ અને જુના કોર્ષમાં ૧૯ વિદ્યાર્થીઓ ગેરહાજર રહ્યા હતા.
આણંદ જિલ્લામાં ધો. ૧૦-૧૨ની પરીક્ષાનો શાંતિપૂર્ણ પ્રારંભ
જિલ્લા શિક્ષણાધિકારીએ વિદ્યાર્થીઓને ગુલાબનું ફુલ આપી અને મોઢું મીઠું કરાવીને શુભેચ્છા પાઠવી હતી
આણંદ.તા,૭
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવાતી ધો.-૧૦ અને ૧૨ની પરીક્ષાનો ગુરૂવારના રોજથી સમગ્ર રાજ્ય સહિત આણંદ જિલ્લામાં પણ શાંતિપૂર્ણ પ્રારંભ થયો છે. ગુરૂવારના રોજ સવારે ધો.૧૦ના વિદ્યાર્થીઓએ ગુજરાતી વિષયની પરીક્ષા આપી હતી. જ્યારે બપોરના સમયે ધો.૧૨ સામાન્ય પ્રવાહના વિદ્યાર્થીઓએ નામાના મૂળતત્વો તેમજ ધો.૧૨ વિજ્ઞાાન પ્રવાહના વિદ્યાર્થીઓએ ભૌતિક વિજ્ઞાાન વિષયની પરીક્ષા આપી હતી.
પરીક્ષાના પ્રથમ દિવસે જિલ્લાના વિવિધ પરીક્ષા કેન્દ્રો ખાતે સવારથી જ વાલીઓ તેમજ પરીક્ષાર્થીઓની ભારે ભીડ જોવા મળી હતી. વાલીઓ પોતાના પાલ્ય સાથે પરીક્ષા કેન્દ્ર ખાતે પહોંચી ગયા હતા અને કોઈપણ જાતની ચિંતા વિના પરીક્ષા આપવા માર્ગદર્શન આપતા નજરે પડયા હતા. પ્રથમ દિવસે યોજાયેલ ધો.૧૦ની ગુજરાતી વિષયની પરીક્ષામાં કુલ ૩૮૭૭૬ વિદ્યાર્થીઓ પૈકી ૬૨૪ વિદ્યાર્થીઓ ગેરહાજર રહ્યા હતા જ્યારે ૩૮૧૫૨ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. બોર્ડની પરીક્ષાને ધ્યાને લઈને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા વિવિધ પરીક્ષા કેન્દ્રો ખાતે ચુસ્ત પોલીસ બંદોબસ્ત તૈનાત કરી દેવાયો હતો.
આણંદ શહેર સહિત જિલ્લાભરમાં ગુરૂવારના રોજથી બોર્ડની પરીક્ષાઓનો પ્રારંભ થયો છે. આણંદના ત્રણ ઝોનમાં મળી ધો.૧૦માં કુલ ૩૮૭૭૬, ધો.૧૨ સામાન્ય પ્રવાહમાં ૧૪૧૩૬ અને ધો.૧૨ વિજ્ઞાાન પ્રવાહમાં ૭૦૧૦ મળી કુલ ૫૯૯૨૨ પરીક્ષાર્થીઓ નોંધાયા છે. બોર્ડની પરીક્ષાના પ્રારંભે વિદ્યાર્થીઓ નિર્ભય રીતે કોઈપણ જાતના ડર, ગભરાટ અને ગેરરીતિઓ આચર્યા સિવાય શાંતિમય વાતાવરણમાં પરીક્ષા આપી શકે તે માટે વહીવટી તંત્ર દ્વારા સુચારૂ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.
આજથી શરૂ થયેલ બોર્ડની પરીક્ષામાં પ્રથમ દિવસે શહેર સહિત જિલ્લાભરમાં વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓ સવારે નવ વાગ્યાથી જ પરીક્ષા કેન્દ્ર ખાતે ઉમટી પડયા હતા. આણંદ શહેરની સુવિખ્યાત ડી.એન.હાઈસ્કૂલ ખાતે જિલ્લા શિક્ષણાધિકારી સહિતના મહાનુભાવોએ ઉપસ્થિત રહી વિદ્યાર્થીઓને ગુલાબનું ફુલ આપી આવકાર્યા હતા અને મોઢુ મીઠુ કરાવી પરીક્ષાની શુભેચ્છા પાઠવી હતી
ધો.૧૦-૧૨ની પરીક્ષાના પ્રારંભે વિદ્યાર્થીઓએ સૌપ્રથમ પોત-પોતાના ઈષ્ટદેવના આશીર્વાદ મેળવી માતા-પિતાના આશીર્વાદ સાથે પરીક્ષાની શુભ શરૂઆત કરી હતી. ધો.-૧૦માં પ્રથમ પેપર ભાષા ગુજરાતીનું હતું. જ્યારે અંગ્રેજી માધ્યમમાં અંગ્રેજી ફર્સ્ટ લેંગ્વેજની પરીક્ષા યોજાઈ હતી. પરીક્ષાના પ્રશ્નપત્ર પ્રમાણમાં સરળ રહેતા વિદ્યાર્થીઓ ખુશખુશાલ જોવા મળ્યા હતા. જ્યારે ધો.-૧૨ સામાન્ય પ્રવાહમાં વાણિજ્ય વિભાગના વિદ્યાર્થીઓએ નામાના મૂળતત્વો વિષયની પરીક્ષા આપી હતી.
ધો.૧૨ વિજ્ઞાાન પ્રવાહમાં પરીક્ષાના પ્રથમ દિવસે ભૌતિક વિજ્ઞાાન વિષયની પરીક્ષા લેવાઈ હતી. સવારથી જ પોલીસ દ્વારા પરીક્ષા કેન્દ્રો પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત તૈનાત કરી દેવામાં આવ્યો હતો અને કોઈપણ અધિકૃત વ્યક્તિ સિવાય અન્ય વ્યક્તિઓને પરીક્ષા કેન્દ્ર પર પ્રવેશ તો દુર પણ પરીક્ષા કેન્દ્રની આસપાસ પણ ફરકવા દીધા ન હતા. કરમસદમાં આવેલી વીર વિઠ્ઠલ સ્કૂલમાં ધો.૧૨ સામાન્ય પ્રવાહની પરીક્ષામાં બે એક્સર્ટનલ વિદ્યાર્થીઓ ગેરરીતિ ઝડપાઈ ગયા હતા.
from Kheda anand News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2EUYwmv
No comments:
Post a Comment