નવી દિલ્હી, તા.1 માર્ચ 2019, શુક્રવાર
ભારતીય વાયુસેનાના જાંબાઝ પાયલોટ અભિનંદનને મુક્ત કરવા માટે પાકિસ્તાન તૈયાર થઈ ગયુ તેની પાછળ ભારતની મકક્મતાની સાથે સાથે ઘણી બધી ડિપ્લોમેટિક કોશિશો પણ જવાબદાર છે.
પાકિસ્તાનની વાયુસેનાના એફ-16નો પીછો કરતી વખતે અભિનંદનનુ પ્લેન પાકિસ્તાની કબ્જા હેઠળના કાશ્મીરમાં ખાબક્યુ હતુ અને અભિનંદનને પકડી લેવાયા હતા. જોકે એ પછી પાકિસ્તાને દુનિયાના સંખ્યાબંધ મહત્વના દેશોનો સંપર્ક કર્યો હોવાનુ બહાર આવ્યુ છે.
પાકિસ્તાને આ દેશોને કહ્યુ હતુ કે ભારત પાકિસ્તાન પર બહુ જંગી આક્રમણની તૈયારી કરી રહ્યુ છે. ભારતે નૌસેનાના જંગી કાફલાને કરાંચી તરફ રવાના કર્યો છે. પાકિસ્તાન પર મિસાઈલ લોન્ચની પણ ભારતે યોજના બનાવી છે અને સરહદ પર પોતાની સેનાનો જમાવડો વધારી દીધો છે.
જેના પગલે બીજા દેશોએ ભારતનો સંપર્ક કર્યો હતો. ભારતે આ તમામ વાતને કાલ્પનિક હોવાનુ કહ્યુ હતુ. ભારતે આ દેશોને કહ્યુ હતુ કે તેઓ પોતે પણ સેટેલાઈટ થકી સમુદ્રમા થતી મુવમેન્ટ જોઈ શકે છે. તેઓ પોતે જાણી લે કે પાકિસ્તાનની વાતમાં કેટલો દમ છે.
ભારતે સ્પષ્ટપણે કહ્યુ હતુ કે અમે તો આતંકી હુમલાનો જવાબ આપવા માટે આતંકવાદીઓ પર હુમલો કર્યો છે. હુમલાખોર તો પાકિસ્તાન છે જેણે જવાબમાં ભારતના સૈન્ય ઠેકાણાઓને 20 જેટલા વિમાનો મોકલીને નિશાન બનાવવાની કોશિશ કરી હતી. પાકિસ્તાનના હુમલામાં અમારા સૈન્ય ઠેકાણા બચી ગયા છે પણ ભારતે તેને પાકિસ્તાન દ્વારા થયેલા આક્રમણ તરીકે જોયુ છે.
ભારતે વધુમાં કહ્યું હતું ભારતના બે વિમાન તોડી પાડ્યાના અને બે પાયલોટોને બંધક બનાવાયા હોવાના દાવા પણ પોકળ સાબિત થયા છે.
ભારતે અન્ય દેશોને એમ પણ કહ્યુ હતુ કે કાં તો પાક વડાપ્રધાન ઈમરાનખાનને ત્યાંની સેનાએ અસલી નુકસાન અંગે જાણકારી આપી નથી અથવા તો ઈમરાન પોતે ખોટા દાવા કરી રહ્યા છે.
સૂત્રોનુ કહેવુ છે કે ભારતે અન્ય દેશોને સ્પષ્ટ કહ્યુ હતુ કે તનાવ ઓછો કરવાની જવાબદારી પાકિસ્તાનની છે.પકડાયેલા પાયલોટ સાથે જીનીવા સમજૂતી પ્રમાણે વર્તાવ કરીને તેને મુક્ત કરે તે પાકિસ્તાને જોવાનુ છે.પાયલોટના બદલામાં ભારત કોઈ સોદાબાજી નહી કરે.
from International News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2UcpLhn
No comments:
Post a Comment